પરિવાર તેમજ ઘરઘાટી બહાર હતા ત્યારે તસ્કરોએ બંગલામાંથી 23 લાખની ચોરી કરી
આંબલી-બોપલ રોડ પરના બંગલામાં ૨૩.૫૧ લાખની ચોરી-ઘરમાંથી પાંચ સોનાની વીંટી, પાંચ સોનાના હાર, એક ડાયમંડ જડિત સોનાનો સેટ, પાંચ સોનાની ચેઈન, ત્રણ કાનની બુટ્ટી, ત્રણ હાથમાં પહેરવાની સોનાની બંગડી, દોઢ લાખ રૂપિયા રોકડા વાસણ, મોંઘી દાટ ઘડિયાળ ચોરી લીધા હતાં.
(એજન્સી)અમદાવાદ, કાતિલ ઠંડીની શરુઆત થઈ ગઈ છે ત્યારે તસ્કરો તેમના ઈરાદા પાર પાડવા માટે માર્કેટમાં આવી ગયા છે. ઠંડીમાં જ્યારે લોકો કુંભકર્ણની ઊંઘ લેતાં હોય છે તે સમયે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપે છે. હાલ શિયાળામાં પોલીસને થાપ આપીને તસ્કરો મોડી રાતે ચોરી કરવા માટે નીકળે છે.
શહેરના પોશ વિસ્તાર ગણાતા આંબલી બોપલ રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક બંગલોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ ૨૩.૫૧ લાખની મતાની ચોરી કરીને નાસી ગયા હતા. પરિવાર તેમજ ઘરઘાટી બહાર હતા ત્યારે તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.
આંબલી-બોપલ રોડ પર આવેલા સિદ્ધિ વિનાયક બંગલોમાં રહેતા મહેશભાઈ મોદીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ૨૩.૫૧ લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ કરી છે. મહેશભાઈ મોંદી સોલા કારગિલ પેટ્રોલ પંપની સામે આવેલા ગણેશ મેરેડિયન કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં અલરીસ એન્ટરપ્રાઈઝ નામની રિયલ એસ્ટેટની ઓફિસ ધરાવીને જમીન લે વેચનો ધંધો કરે છે.
મહેશભાઈ તેમના પરિવાર સાથે છેલ્લાં દસ વર્ષથી સિદ્ધિ વિનાયક બંગલોમાં રહે છે. મહેશાબીના પત્ની પ્રભાબહેન ઘરકામ કરે છે જ્યારે તેમની દીકરી પ્રિયા છેલ્લાં સાત વર્ષથી અમેરિકામાં રહે છે. મહેશભાઈના બંગલામાં ઘરઘાટી તરી જિતેન્દર રોત (રહે. રાજસ્થાન) સાત વર્ષથી કામ કરે છે જ્યારે પપ્પુ ડિંડોર છેલ્લા બે વર્ષથી કામ કરે છે.
તા. ૧૬ ડિસેમ્બરના રોજ પ્રભાબહેન વાપી પિયરમાં ગયાં હતાં. જ્યારે બંને ઘરઘાટી ૧૭ ડિસેમ્બરના રોજ પોતાનાવતનમાં જવા માટે નીકળી ગયા હ તા તારીખ ૧૮ ના રોજ મહેશભાઈ પણ ઘરને તાળું મારીને માતા સુભદ્રાબહેનને મળવા માટે બોપલ ખાતે ગયા હતા માતાને મળી લીધા બાદ મહેશભાઈ રણછોડપુરા ગામમાં રહેતા તેમના મિત્ર આશિત શાહને મળવા માટે ગયા.
આશિત શાહના ઘરે જમવાનું પતાવીને મહેશભાઈ સૂરધારા સર્કલ પાસે આવેલા તુલિપ બંગલોમાં રહેતા મિત્ર પૂરણ કરીશને મળવા માટે ગયા હતા.
પૂરણ કરીશનાં ઘરે રાત્રી રોકાણ કર્યા બાદ બીજા દિવસે સવારે મહેશભાઈ ગોવા જવા માટે નીકળી ગયા હતા. મહેશભાઈ અને પૂરણ કરીશ તેમના પરિવાર સાથે ગોવા ગયા હતા.
એકાદ દિવસ ગોવા રોકાયા બાદ મહેશભાઈ મુંબઈ આવી ગયા હતા. જ્યાં પ્રભાબહેનનો ફોન આવ્યો હતો અને ઘરમાં ચોરી થઈ હોવાની જાણકારી આપી હતી. પ્રભાબહેને કહ્યું હતું કે ઘરઘાટી વતનથી પરત આવ્યા ત્યારે તેમણે ઘરનો સામાન અસ્તવ્યસ્ત જોયો હતો અને તિજોરી તુટેલી હાલતમાં હતી.
મહેશાભાઈએ તરત જ તેમના કૌટુંબિક ભાઈ કમલેશ મોદીને જાણ કરી દીધી હતી જેથી તે તરત જ ઘરે પહોંચી ગયા હ તા. મહેશભાઈ તાત્કાલિક ફ્લાઈટમાં બેસીને અમદાવાદ આવી ગયા હતા. જ્યાં ઘરે જઈને જોયું તો સામાન વેરવિખેર પડ્યો હતો.
મોડી રાતે પ્રભાબહેન પણ વાપીથી પરત અમદાવાદ તેમના ઘરે આવી ગયાં હતાં. તસ્કરોએ મહેશભાઈના ઘરમાંથી પાંચ સોનાની વીંટી, પાંચ સોનાના હાર, એક ડાયમંડ જડિત સોનાનો સેટ, પાંચ સોનાની ચેઈન, ત્રણ કાનની બુટ્ટી, ત્રણ હાથમાં પહેરવાની સોનાની બંગડી, દોઢ લાખ રૂપિયા રોકડા વાસણ, મોંઘી દાટ ઘડિયાળ ચોરી લીધા હતાં. મહેશભાઈએ તરત જ પોલીસને જાણ કરી હતી. જેથી સરખેજ પોલીસે, લોકલ ક્રાઈમ બ્રાંચ સહિતની ટીમ પહોંચી ગઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.