Western Times News

Gujarati News

આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવિરતા, સાહસ અને સમર્પણની ગાથા છે:હર્ષ સંઘવી

*દાહોદ  જિલ્લા ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી-ઝાલોદ ખાતે દાહોદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

*દાહોદ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરેલ કર્મયોગીઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને ઉપસ્થિત મહાનુભાવોના હસતે પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરાયા*

*વંચિતો આદિવાસીઓના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ – ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવી*

દાહોદ:-તા.૧૫ : દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ૭૭માં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવતા, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષ સંઘવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સફળ માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના સંવેદનશિલ નેતૃત્વ હેઠળ પ્રત્યેક સમાજને સાથે રાખીને, સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક ગુજરાતની વણથંભી વિકાસયાત્રાને આગળ ધપાવી રહ્યા છે એમ જણાવ્યું હતું.

આપણા દેશની ભૂમિ માત્ર માટી નથી, એના કણ કણમાં શૂરવિરતા, સાહસ અને સમર્પણની ગાથા છે. તેમણે કહ્યું કે, તા. ૯ ઓગસ્ટથી સમગ્ર દેશમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે માટીને નમન, વીરોને વંદન સાથે માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવાનાં આ અભિયાનમાં સામેલ થઈને આપણે સૌ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવીએ.

મંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના  અમૂલ્ય બલિદાનના કારણે આપણને મળેલી મહામૂલી આઝાદી માટે શહાદત વહોરનાર દરેક વીર જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા દેશના લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ દેશભરનાં તમામ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્યપથ સુધી લઈ જઈ “અમૃત મહોત્સવ સ્મારક” તેમજ ‘અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે.

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સલામતી, શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ વધુ મજબૂત બનાવવાના લક્ષ્ય સાથે કામ કરી રહી હોવાનું જણાવતા ઉમેર્યુ કે, રાજ્યના પોલીસ દળનું મનોબળ વધારીને અસામાજિક તત્વો અને ડ્રગ્સ પેડલરો સહિત ગુનાખોરી અને ગુનાખોરો સામે “ઝીરો ટોલરન્સ”ની નીતિ અપનાવી છે.

ડ્રગ્સ સામેની ઝુંબેશ હોય કે વ્યાજખોરોથી મુક્તિ હોય, રાજ્ય સરકારે ગુનો આચરતા તત્વો સામે કડક હાથે કામ લઈને ગુજરાતમાં કાયદો-વ્યવસ્થાની સંગીન સ્થિતિ સાથે સુરાજ્યની અનુભૂતિ કરાવી છે. તેમણે વ્યાજખોરો સામેના અસરકારક અભિયાન અંગે વિગત આપતા જણાવ્યું કે, ગરીબ નાગરિકોને વ્યાજખોરોની ચુંગાલમાંથી બચાવવા સરકારે ૪ હજાર જેટલા લોક દરબાર યોજ્યા છે. જેમાં ૧.૨૯ લાખથી વધુ લોકોએ હાજરી આપી છે. ઉપરાંત વ્યાજના વિષચક્રમાંથી લોકોને બચાવવા સરકારે ૨૨ હજારથી વધુ જરૂરિયાતમંદોને સ્વરોજગાર માટે લોન આપી છે.

રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આદિવાસીઓના સાચા હ્રદયથી ચિંતા કરતા તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી આદિવાસી સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષની દિશામાં નવતર પહેલ કરી હતી જે આજે પણ કાર્યરત છે.

આદિવાસી સમાજને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી આવાસિય સુવિધાઓ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના થકી શ્રેષ્ઠ સારવારની સુવિધાઓ, આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી પાયલટ, ઇજનેર, ડોક્ટર બને તે માટે સરકારશ્રીની સ્કોલરશિપ યોજનાઓ અમલી બની છે જેનો વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે.


ગૃહ મંત્રી શ્રી એ જણાવ્યું આઝાદીના સ્વતંત્ર સંગ્રામમાં આદિવાસી વીરોનો પણ ફાળો સ્વ વિશેષ રહ્યો છે. તેમને શૂરવીરતા સાહસ અને સમર્પણની ભાવના કેળવી દેશ માટે શહાદત વહોરી છે તેમને આપને ભૂલી શકીએ નહિ. રાજ્ય અને દેશના વિકાસમાં આદિવાસીઓનો ફાળો રહ્યો છે.વધુમાં એમને જણાવ્યું હતું કે દાહોદ શહેરની સ્માર્ટ સિટી તરીકે સમાવેશ કરી નગરનો વિકાસ થશે અને શહેરીજનો ને સુવિધાઓ ઉપલબ્ધ થશે મેક ઇન ઈન્ડિયા દાહોદ પરેલમાં વીસ હાજર કરોડનું ઇન્વેસ્ટ કરવામાં આવ્યું છે. દાહોદ શહેરના વિકાસમાં શોભાનો વધારો થશે.

આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને વિવિઘ ક્ષેત્રે જિલ્લાનું નામ રોશન કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યા હતા.

 


કાર્યક્રમમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વિકાસ અર્થે રૂપિયા ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર શ્રી ને અર્પણ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજુ થયેલા દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમોએ સૌનું મનમોહી લીધુ હતું. કાર્યકમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ડો કમલેશ ગોસાઇ એ કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર,જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શીતલબેન વાઘેલા, ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી,ધારાસભ્ય શ્રી મહેન્દ્ર ભાભોર,ધારાસભ્ય શ્રી મહેશભાઇ ભૂરિયા,ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, નાયબ પોલીસ મહા નિરીક્ષક શ્રી આર.વી.અસારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.રાજદીપસિંહ ઝાલા, પ્રાયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,

પ્રોબેશન આઈ.એ.એસ શ્રી અમોલ આમતે,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, ઝાલોદ પ્રાંત અધિકારી શ્રી ગોહિલ, નાયબ પોલીસ અધિક્ષક સર્વશ્રી, ઝાલોદ મામલતદારશ્રી એ.પી.ઝાલા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેશ મેડા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નિલેશ મુનિયા,અગ્રણી શ્રીઓ સહીત ઉચ્ચ અધિકારીશ્રીઓ,સહિત ગ્રામજનો અને બાળકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણીમાં સહભાગી થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.