SRP જવાને બે વર્ષના બાળક સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
અમદાવાદ, ગાંધીનગરમાં રહેતી ૩૫ વર્ષીય મહિલા, જે સુરેન્દ્રનગરની એક પ્રાથમિક સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરે છે, તેણે રવિવારે ગાંધીનગર મહિલા પોલીસ સમક્ષ સાસરિયાં સામે ફરિયાદ નોંધાવી હતી, જેમાં સેક્ટર-૧૮માં ગુજરાત ભવનમાં તૈનાત એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતા પતિએ તેને તેમજ તેના બે વર્ષના બાળકને તરછોડી દીધા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.
પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે, ૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના રોજ તેના લગ્ન આણંદના તારાપુરમાં રહેતા આરોપી સાથે થયા હતા. તે ગ્રુપ-૪નો એસઆરપી જવાન છે, જેનું હેડક્વાર્ટર દાહોદ જિલ્લાના પાવડી ગામમાં આવેલું છે. ફરિયાદીએ ઉમેર્યું હતું કે, લગ્નના ત્રણ મહિના બાદ પતિનું કોઈ અન્ય મહિલા સાથે લફરું ચાલી રહ્યું હોવાની તેને જાણ થઈ હતી. જ્યારે તેણે આ મુદ્દો ઉઠાવ્યો તો પતિએ તેને માર માર્યો હતો અને આ તેના બીજાલગ્ન હોવાનો ટોણો માર્યો હતો.
ચરિત્ર ખરાબ હોવાથી પહેલા પતિએ છોડી દીધી હોવાનું પતિ ફરિયાદીને કહેતો રહેતો હતો. તેણે તેવો પણ આક્ષેપ લગાવ્યો હતો કે, સાસુ-સસરા પણ તેનું શોષણ કરતાં હતા અને દહેજ માગતા હતા. વેજલપુરમાં ફ્લેટ ખરીદવા માટે તેણે તેના પિતા પાસેથી ૨૦ લાખ રૂપિયા લેવા પડ્યા હોવાનું તેણે જણાવ્યું હતું.
તેણે કહ્યું હતું કે, ૨૦૧૮માં પતિના બર્થ ડે પર તેણે ગિફ્ટમાં ફોન આપ્યો હતો. તે સ્વીકારવાના બદલે તેણે ગિફ્ટ ખરીદવા માટે બોયફ્રેન્ડ પાસેથી પૈસા લીધા હોવાનું કહી ફટકારી હતી. જ્યારે ૨૦૨૦માં તે પ્રેગ્નેન્ટ થઈ ત્યારે પણ પતિએ તેનું ધ્યાન રાખ્યું નહોતું અથવા ડોક્ટર પાસે લઈ જતો નહોતો. તેણે જ પોતાની સંભાળ રાખી હતી અને ડિલિવરી વખતે પણ પતિ સાથે ગયો નહોતો. અત્યાચાર ગુજાર્યા બાદ પતિ અને સાસરિયાં ૧૮ માર્ચ, ૨૦૨૧ના રોજ તેને તેના બાળક સાથે ઘરમાંથી કાઢી મૂકી હતી. મહિલાએ ગાંધીનગર મહિલા પોલીસનો સંપર્ક કર્યો હતો અને પતિ તેમજ અન્ય સાત આરોપીઓ સામે ઘરેલુ હિંસાનો કેસ કર્યો હતો.SS1MS