ખેડા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર ખાડે ગયાની બૂમ
શિક્ષકો શાળામાં મોડા આવવાની અને વહેલા જતા હોવાની ફરિયાદ ઃ પ્રાથમિક શાળાના બાળકોને વાંચતા, લખતા કે ગણતા આવડે છે તેની તપાસ કરવી જરૂરી
ડાકોર, ખેડા જિલ્લામાં આવેલ ગળતેશ્વર અને ઠાસરા તાલુકો શિક્ષણ બાબતે વિવાદમાં રહે છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બદલાતા ગુલ્લીબાજ પ્રાથમિક શિક્ષકો શાળામાં મોડા આવવા અને વહેલા નીકળી જવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. સરકારી કામ અર્થે કહીને ગળતેશ્વર અને ઠાસરા તાલુકાના પ્રાથમિક શિક્ષકો શાળાકીય કામગીરીથી દૂર ભાગતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. ગળતેશ્વર તાલુકામાં કેટલાક શિક્ષકો શાળા દરમિયાન અન્ય આર્થિક પ્રયોજન લગતી પ્રવૃત્તિઓ કરવામાં વ્યસ્ત રહેતા હોય છે.
ગુજરાત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને પાયાનું શિક્ષણ આપવામાં આવે તેવા ઉદ્દેશને બંને તાલુકાના પ્રાથમિક શિક્ષકો ઘોળીને પી ગયા હોય તેવું લાગે છે. ગળતેશ્વર અને ઠાસરા બંને તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી ઈન્ચાર્જ હોવાને કારણે બંને તાલુકાઓમાં શિક્ષણનું સ્તર તળિયે આવી ગયું છે. બંને તાલુકાઓની અનેક શાળામાં બાળકોને હજી વાંચતા, લખતા કે ગણતાં આવડતું નથી જેથી ઉચ્ચસ્તરીએ શાળાઓનું મુલ્યાંકન કરવું જરૂરી છે.
ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં કેટલાક શિક્ષકોની ફરિયાદો અનેકવાર ઉઠતી રહી છે. ગળતેશ્વર તાલુકાના એક પે-સેન્ટર આચાર્ય વિરુદ્ધ ગ્રામજનોએ બંધ પાળીને સજ્જડ વિરોધ કરતાં કાર્યવાહીના નામે બદલી કરીને સંતોષ માની લેવાતો રહ્યો છે. જોકે તેમની ઠાસરા તાલુકામાં બદલી કરતા ગ્રામજનોનો ઉગ્ર વિરોધ થતાં ખેડા જિલ્લાના છેવાડે આવેલા તાલુકામાં બદલી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દવારા કરવામાં આવી હતી. જે થોડાક જ સમય બાદ મૂળ જગ્યાએ પરત આવતા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગળતેશ્વર અને ઠાસરા તાલુકામાં કેટલાક પે-સેન્ટરના આચાર્યો ૮૦ થી ૧૦૦ કિ.મી. દૂરથી અપ-ડાઉન કરતા હોવાની જાણકારી બહાર આવી રહી છે. નિયમિતપણે આટલું અપ-ડાઉન કરીને થાકેલા આચાર્ય કે શિક્ષક શાળામાં માત્રને માત્ર આરામ કરતા હોવાથી બાળકોને ભણવવાથી માંડીને શાળાકીય કામગીરીથી દૂર ભાગતા હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી રહી છે.
ગળતેશ્વર તાલુકાના એક તેમજ ઠાસરા તાલુકાના એક પે-સેન્ટરના આચાર્યો અમદાવાદથી રોજ રોજ અપડાઉન કરતાં જોવા મળે છે જેને લઈને પે-સેન્ટર સહિત તાબાની પ્રાથમિક શાળાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠતાં રહ્યાં છે. ખેડા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગળતેશ્વર અને ઠાસરા તાલુકાની પ્રાથમિક શાળાઓના બાળકોના કથળી રહેલા પ્રાથમિક શિક્ષણની ફિકર કરીને શાળાઓ ચલાવે તેવી બંને તાલુકાના વાલીઓની માંગ ઉઠી છે.