પશુ ખાણદાણમાં કેમિકલની ભેળસેળ કરતાં ઈસમો સામે રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે
પશુ ખાણદાણમાં થતા ભેળશેળને અટકાવવા ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલ અને પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ
રાજ્યમાં પશુઓના ખાણદાણ ખાસ કરીને કપાસિયાના ખોળમાં વેપારીઓ, ઓઈલ મિલો તેમજ ઉત્પાદકો દ્વારા જુદા-જુદા કેમિકલો, બેન્ટોનાઈટ માટી, લાકડાનો વેર, અખાદ્ય અનાજ જેવા પદાર્થોની ભેળસેળ કરતા હોવાની ઘટનાઓ સામે આવી છે.
પશુઓ અને માનવના હિતમાં આવી ઓઇલ મીલો અને વેપારીઓ સામે પગલાં કાર્યવાહી સુધીના કડકમાં કડક પગલાં લેવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે પશુપાલન મંત્રી શ્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં તેમજ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અધિકારીશ્રીઓ સાથે આ અંગે એક ખાસ બેઠક મળી હતી.
વધુ વિગતો આપતા મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યમાં આ ભેળસેળયુક્ત ખાણદાણ સસ્તા ભાવે વેચાણના કારણે સાચા ખાણદાણ ઉત્પાદક વેપારીઓને પણ નુકસાન થાય છે. આવા ભેળસેળયુક્ત ખાણદાણના કારણે પશુઓમાં રોગચાળો, પશુ દૂધમાં આવા ઝેરી તત્વ ભળતા માનવીના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. જેનાથી કેન્સર જેવા ભયાનક રોગ થાય છે, તેવી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશન, ગ્રાહક સુરક્ષા અને કિસાન સંઘ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રશ્નને ગંભીરતાથી ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા ભેળસેળયુક્ત પશુદાણ બનાવતા ઉત્પાદકો સામે દરોડો પાડીને કડક કાર્યવાહી કરીને પશુઓ અને પશુપાલકોના હિતમાં આ ભેળસેળની પ્રક્રિયા સદંતર બંધ કરાવવા તેમજ પશુ આહાર ઉત્પાદનની ભારતીય માનક બ્યૂરોમાં નોંધણી ફરજીયાત કરાવવા જેવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી, પશુપાલન ખાતાના અધિકારીશ્રીઓ ઉપરાંત રાજ્ય સરકારના ગ્રાહક બાબતો વિભાગના અધિકારીશ્રીઓ, ભારત સરકારના ભારતીય માનક બ્યૂરો સંગઠનના અધિકારીશ્રીઓ, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડના અધિકારીશ્રીઓ અને રાજ્ય સરકારના કાયદા વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.