રાજ્ય આરોગ્ય મંત્રીએ ઘોઘંબા તાલુકાના મૃતકોના પરિવારને આપી સાંત્વના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/09/1909-godhra.jpg)
ગોધરા, રાજ્યમં શ્રીમતિ નીમિષાબેન સુથાર (રાજયકક્ષા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ) દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના વાવકુલ્લી અને શામળકુવા ગામે મૃતક પરિવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.
અમદાવાદ ખાતે બિલ્ડીંગના બાંધકામ વખતે જિલ્લાના ચાર શ્રમિકોના મૃત્યુ થયા હતા ત્યારે મંત્રી એ તેમના નિવાસસ્થાને પરિવારને મળીને સાંત્વના આપી હતી.તેમણે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નાયક પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી હતી તથા મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ સમયે મૃતક પરિવારની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો હતો ત્યારે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. મંત્રીએ પરિવારના સદસ્યોને ગળે લગાવી હૂંફ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે સરકાર અને વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે.
આ સાથે તેમણે પરિવાર અને ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું હતું કે આજે સરકાર આપની સાથે છે, ઉપસ્થિતોને જણાવ્યું કે સરકારની તમામ યોજનાકીય લાભો લેવામાં આવે, આયુષ્યમાન કાર્ડ અને સરકારી હોસ્પિટલોનો લાભ લેવામાં આવે. આ સાથે તેમણે ઉપસ્થિત અધિકારીગણોને તમામ પ્રકારના મદદ માટે સુચારુ સલાહ સૂચનો કર્યા હતા.
તેમણે સ્થાનિક રોજગારી અને મધમાખી ઉછેર કેન્દ્ર સ્થાપવા અંગે પણ લોકોને માહિતગાર કર્યા હતા.
અહી નોંધનીય છે કે અમદાવાદ ખાતે બિલ્ડિંગના બાંધકામ વખતે જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી અને શામળકુવા ગામના ચાર શ્રમિકોના મૃત્યુ થયા હતા.
જેમાં સરકાર તરફથી તાત્કાલિક પાંચ લાખની સહાય કરાઈ છે તથા કંપની દ્વારા પણ વળતર ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે. આ સ્થળે જિલ્લા વહીવટી તંત્ર, ઘોઘંબા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત તમામે મુશ્કેલ સમયે પરિવારની પડખે ઊભા રહીને પરિવારને સહાય સહિત સાંત્વના આપી હતી.