રાજ્યની મહત્તમ વીજ માંગ વર્ષ 2023 સુધીમાં વધીને ૨૪,૫૪૪ મેગાવોટ થઈ
છેલ્લા બે દાયકામાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો; રાજ્યમાં વધી રહેલી વીજ માંગને પહોંચી વળવા તેમજ નાગરિકો સુધી અવિરત વીજ પુરવઠો પૂરો પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ
ખાનગી પ્રોજેક્ટના માલિકીપણાને ધ્યાને ન લેતા રાજ્ય સરકાર બિડિંગ પ્રક્રિયા થકી સૌથી ઓછો દર બીડ કર્યો હોય તેવા વીજ ઉત્પાદકો પાસેથી વીજ ખરીદી કરે છે
કોલસા આધારિત વીજ ઉત્પાદનથી રીન્યુએબલ વીજ ઉત્પાદન ની દિશામાં આગળ વધતું ગુજરાત; વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીમાં રાજ્યના સોલર જનરેશનમાં ૪ ગણો વધારો
ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૨ થી વર્ષ ૨૦૨૩ સુધીમાં ગુજરાતની વીજ માંગમાં ત્રણ ગણો વધારો થયો છે. વર્ષ ૨૦૦૨માં રાજ્યની મહત્તમ વીજ માંગ ૭૭૪૩ મેગાવોટ હતી, જે વર્ષ ૨૦૨૩માં સુધીમાં વધીને ૨૪૫૪૪ મેગાવોટ થઈ છે. રાજ્યમાં ઉદ્યોગોના વ્યાપક વિકાસ, ખેતી વીજ કનેક્શનમાં વધારો, શહેરીકરણમાં વધારો તેમજ જ્યોતિગ્રામ યોજનાના અમલીકરણ જેવા વિવિધ કારણોસર રાજ્યની વીજ વપરાશમાં વ્યાપક વધારો થયો છે.
મંત્રી શ્રી દેસાઈએ ઉમેર્યું કે, રાજ્યમાં માથાદીઠ વીજ વપરાશમાં પણ અનેક ગણો વધારો થયો છે. રાજ્યમાં વધી રહેલી આ વીજ માંગને પહોંચી વળવા તેમજ રાજ્યના દરેક નાગરિક સુધી સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરું પાડવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને એટલે જ રાજ્ય સરકાર દ્વારા વીજળી ખરીદવામાં આવે છે. ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ (ટાટા પાવર) સાથે ૨૫ વર્ષ માટે રૂ. ૨.૨૬ પ્રતિ યુનિટના લેવલાઇઝડ દરે વીજ ખરીદી કરવા માટે વર્ષ ૨૦૦૭માં કરાર કરવામાં આવ્યા હતા.
મંત્રી શ્રી દેસાઈએ વધુ માહિતી આપતા કહ્યું કે, ઇન્ડોનેશિયન કોલસા ઇન્ડેક્સ (HBA) જે સામાન્ય રીતે સરેરાશ ૯૦ US ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો રહેતો હતો, જેમાં સપ્ટેમ્બર-૨૦૨૧ બાદ અસાધારણ રીતે વધારો થતાં ઓગસ્ટ-૨૦૨૨માં મહત્તમ ૩૩૧ US ડોલર પ્રતિ મેટ્રિક ટન જેટલો થયો હતો. આ સાથે જ રૂપિયાનો ડોલર સામેનો ભાવ પણ વધી ગયો હતો. જે પછીના સમયગાળા દરમ્યાન આયાતી કોલસાના ભાવમાં અતિશય ભાવવધારો થવાના કારણે કરાર અંતર્ગતના વીજ દર પોસાતા ન હોવાથી રાષ્ટ્રીય સ્તરે મોટાભાગના ઈમ્પોર્ટેડ કોલસા આધારિત વીજ પ્રોજેકટો દ્વારા વીજ ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું હતું.
ગુજરાત પાસે ૨૪૮૪ મેગાવોટ ગેસ આધારિત વીજક્ષમતા ઉપલબ્ધ છે. વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૧ સુધીમાં ગેસ આધારિત વીજ પ્રોજેક્ટમાંથી વીજ પુરવઠો ખરીદવામાં આવતો હતો. પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના પરિણામે ગેસમાં શોર્ટેજ આવતા આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં પણ અસાધારણ વધારો થતાં ગેસ આધારિત મથકોમાંથી પણ સ્થાપિત ક્ષમતા મુજબનું ઉત્પાદન મેળવવું શક્ય ન હતું, તેમ મંત્રીશ્રીએ કહ્યું હતું.
તેમણે કહ્યું કે, આવી કપરી સ્થિતિને નિવારવા કેન્દ્ર સરકાર દ્વારા ઈલેક્ટ્રીસીટી એકટ-૨૦૦૩ના સેકશન-૧૧ અંતર્ગત ઈમ્પોર્ટેડ કોલસા આધારિત વીજ પ્રોજેકટોને પૂર્ણ ક્ષમતાએ ચલાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. જે અન્વયે કેન્દ્ર સરકારની કમિટી દ્વારા નિર્ધારિત એનર્જી ચાર્જના દરે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડને ચુકવણી કરવામાં આવી છે. આ સ્થિતિએ કોસ્ટલ ગુજરાત પાવર લિમીટેડ પાસેથી રાજ્ય સરકાર મેરીટ ઓર્ડરના સિધ્ધાંત મુજબ વીજદરની પ્રાથમિકતાના ક્રમે જરૂરિયાત પૂરતું જ વીજ ઉત્પાદન મેળવવામાં આવે છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની વર્ષ ૨૦૦૬ની નેશનલ ટેરિફ પોલિસી મુજબ તેમજ સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરીટી-ભારત સરકાર દ્વારા ઈલેક્ટ્રિક પાવર સર્વેના રિપોર્ટ મુજબની અંદાજિત વીજ માંગને ધ્યાને લઈને, રાજ્યની ભવિષ્યની વીજમાંગને પૂરી પાડવા માટે, રાજ્ય દ્વારા બિડિંગ પ્રક્રિયા થકી સૌથી ઓછો દર બીડ કર્યો હોય તેવા ખાનગી વીજ ઉત્પાદકો સાથે વીજ કરાર કરવામાં આવે છે, જે વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરવામાં આવે છે.
ઊર્જા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખાનગી પ્રોજેક્ટના માલિકીપણાને ધ્યાનમાં લીધા સિવાય GERC દ્વારા જાહેર કરવામાં આવેલી પદ્ધતિ અનુસરતા મેરિટ ઓર્ડર મુજબ જ વીજળી ખરીદવામાં આવે છે. આમ જ્યારે જરૂરિયાત મુજબની વીજળી મેરિટ ઓર્ડર અનુસરતા ટાટા પાવરનો ક્રમ આવે ત્યારે જ વીજ ખરીદવામાં આવી છે.
તેમણે કહ્યું કે, વર્ષ ૨૦૧૭માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ ૩૨ ટકા જેટલી વીજળી ખરીદવામાં આવી હતી, જ્યારે ૨૦૨૩માં ખાનગી આયાતી કોલસા આધારિત પ્રોજેક્ટ્સમાંથી કુલ વીજ ખરીદીના લગભગ ૧૬ ટકા જેટલી જ વીજળી ખરીદવામાં આવી છે. ૨૦૧૭ થી ૨૦૨૩ સુધીમાં સોલર જનરેશનમાં ૪ ગણા જેટલો વધારો થયો છે.
તેમણે સભ્યશ્રીના પૂરક પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહ્યું કે, ઇલેકટ્રીસીટી એક્ટ-૨૦૦૩ની સેક્શન ૬૧ તથા ભારત સરકારની નેશનલ ટેરીફ પોલીસી ૨૦૧૬ની જોગવાઈ ૫.૧૧(h) મુજબ, નામદાર વીજ નિયમન આયોગે Multi Year Tariff ફ્રેમ વર્ક અંતર્ગત વીજકંપનીઓ માટે પ્રતિ વર્ષ વીજ દર નક્કી કરવાના રહે છે. જે અનુસાર, વીજ વિતરણ કંપનીઓ દ્વારા ઇલેકટ્રીસીટી એક્ટ ૨૦૦૩ની સેક્શન ૬૧થી૬૪ અંતર્ગત તથા GERC Multi Year Tariff જાહેરનામું
અન્વયે પ્રતિ વર્ષ ખર્ચાઓ તથા આવકના હિસાબો રજુ કરવાના રહે છે જેમાં પાછલા વર્ષનું True-up (reconciliation) અને આવનાર વર્ષ માટે વાર્ષિક રાજસ્વની જરૂરિયાત (Aggregate Revenue Requirement) અને ગ્રાહકોના વીજદર નક્કી કરવાની અરજી દાખલ કરવાની રહે છે. વધુમાં, સદર અરજી તમામ લાગુ પડતા દસ્તાવેજી પુરાવાઓ સહીત વીજવિતરણ કંપનીની વેબસાઈટ પર જાહેર જનતાની જાણ સારું ઉપલબ્ધ હોય છે.
ગુજરાત વીજ નિયમન આયોગ વીજ વિતરણ કંપનીઓના તમામ ખર્ચ અને આવક સંલગ્ન દસ્તાવેજી પુરાવાઓ સહીત ચકાસે છે અને જાહેર સુનાવણીની પ્રક્રિયા અનુસરી અરજદારોના વાંધાઓ/સૂચનો ધ્યાને લઇ પ્રત્યેક કક્ષાના વીજગ્રાહકોના વીજદર પારદર્શક પ્રક્રિયા દ્વારા નક્કી કરે છે. વીજવિતરણ કંપનીઓ દ્વારા કરવામાં આવતા તમામ ખર્ચાઓ, આવક અને વાર્ષિક હિસાબો જરૂરી દસ્તાવેજી પુરાવાઓ સહીત નામદર આયોગ દ્વારા ચકાસવામાં આવે છે.
વાર્ષિક વીજ દર નક્કી થયા બાદ, વીજકંપની દ્વારા વીજ ઉત્પાદકને કરાર હેઠળ વીજ પુરવઠા અન્વયે ચૂકવવામાં આવેલ રકમ ત્રિમાસિક ધોરણે ફયુલસર ચાર્જ માટે ગુજરાત વીજ નિયમન આયોગ સમક્ષ રજૂ કરવામાં આવે છે.
વધુમાં, વાર્ષિક વીજ દર નક્કી થયા બાદ વીજ ઉત્પાદન માટે વપરાતા બળતણ, પરિવહન વિગેરેના દરોમાં જે ફેરફાર થાય તેના માટે, ફ્યુઅલ સરચાર્જની ગણતરી અન્વયે વીજમથક દીઠ હકીકતમાં થયેલ ચુકવણીની તમામ માહિતી ચકાસણી અન્વયે રજૂ કરવામાંઆવે છે અને સમગ્ર પ્રક્રીયા પારદર્શી છે. નામદાર ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા વીજ વિતરણ કંપનીઓના ખર્ચાઓની સંપૂર્ણ પણે ચકાસણી પારદર્શી રીતે કરવામાં આવે છે.
આ ઉપરાંત, વીજ વિતરણ કંપનીઓના ખર્ચાઓનું કેગ (CAG) દ્વારા પણ સંપૂર્ણ ઓડીટ કરવામાં આવે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.