રાજ્યનું સ્પોર્ટ્સ બજેટ 20 વર્ષમાં 141 ગણું વધીને 352 કરોડ થયું
ગુજરાત સરકારના સહયોગથી ખેલ પ્રતિભાઓને મળી રહી છે અભૂતપૂર્વ તકો, સ્પેશ્યલ કોચિંગથી માંડીને પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે
ખેલ મહાકુંભ 2.0માં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો
આજે ગુજરાતના ખેલાડીઓએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કર્યું છે. એક સમય એવો હતો જ્યારે ગુજરાતની છાપ દાળભાત ખાનાર તરીકેની હતી અને સ્પોર્ટ્સમાં તેનું નામોનિશાન ન હતું. પરંતુ, છેલ્લા બે દાયકામાં ખેલકૂદ ક્ષેત્રે ગુજરાતના યુવાનો આગળ આવ્યા છે અને તેમની ક્ષમતામાં વધારો થયો છે. તેનો શ્રેય ગુજરાત સરકારના અથાક પ્રયાસોને જાય છે.
રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ અનેક નવી પહેલો, કાર્યક્રમો અને નીતિઓ શરુ કરવામાં આવી હતી જેના હેઠળ એથ્લિટ્સને યોગ્ય તાલીમ, નાણાકીય સહાય અને માન્યતા પ્રદાન કરવામાં આવે છે. 2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે આજે 141 ગણું વધીને ₹352 કરોડથી વધુનું થયું છે.
ઉલ્લેખનીય છે કે, હોકીના મહાન ખેલાડી મેજર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે ભારતમાં દર વર્ષે 29 ઓગસ્ટનો દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે.
ગુજરાતમાં વિવિધ યોજનાઓ દ્વારા ખેલાડીઓને મળી રહ્યું છે પ્રોત્સાહન
રાજ્યમાં રમતગમતના વાતાવરણને ઉત્તેજન મળે એ માટે સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત દ્વારા વિવિધ યોજનાઓ કાર્યરત છે જેમાં સેન્ટર ઑફ એક્સલન્સ, ખેલ પ્રતિભા પુરસ્કાર, શક્તિદૂત યોજના, ઇનસ્કૂલ યોજના, ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ, ખેલ મહાકુંભ વગેરેનો સમાવેશ થાય છે. ખેલાડીઓની પ્રતિભાને નિખારવા માટે ગુજરાત સરકાર તેમને યોજના અનુસાર સ્પેશ્યલ કોચિંગ, સ્પોર્ટ્સ કિટ, સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પ્રવાસનો ખર્ચ, પોષણ સહિતની સુવિધાઓ પૂરી પાડે છે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સ્પોર્ટ્સ પોલિસી 2022-2027 લૉન્ચ કરી છે જેનો હેતુ રાજ્યમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ડેવલપ કરવાનો છે. આ પોલિસીથી ગુજરાત આવનારા સમયમાં સ્પોર્ટ્સમાં અગ્રણી બનશે અને રાજ્યના પ્રતિભાવાન ખેલાડીઓને તેમના સપના સાકાર કરવાની વધુ તકો મળશે.
20 વર્ષમાં ગુજરાતે વિશ્વ સ્તરીય સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું, સ્પોર્ટ્સ બજેટ 141 ગણું વધ્યું
ગુજરાતમાં આજે મોટા પાયે સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું આયોજન થઈ રહ્યું છે અને ખેલાડીઓને તેમની પ્રતિભા દર્શાવવાની વિશેષ તકો મળી રહી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગત 2 વર્ષમાં જ 36મી નેશનલ ગેમ્સ અને 19મી NIDJAM(National inter district junior athletics meet)નું ગુજરાતમાં સફળ આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 20 વર્ષમાં ગુજરાત સરકારે રમતગમત ક્ષેત્રે નાગરિકોને ઉત્તેજન આપવાના લક્ષ્ય સાથે વિશ્વ સ્તરીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે.
2002 પહેલાં ગુજરાતનું સ્પોર્ટ્સ બજેટ માત્ર ₹2.5 કરોડ હતું, જે 2024માં ₹352 કરોડને પાર થઈ ગયું છે. 2002માં માત્ર 3 સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હતા અને આજે 22 જિલ્લામાં 24 જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ, 3 તાલુકા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને નડિયાદમાં હાઈ પર્ફોર્મન્સ સેન્ટર કાર્યરત છે. તો સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં પણ અનેક ખેલાડીઓ સ્વદેશી અને આધુનિક બંને પ્રકારના સ્પોર્ટ્સમાં તાલીમ લઈ રહ્યા છે.
ખેલ મહાકુંભથી નાગરિકોમાં નવું જોમ આવ્યું, લાખો લોકો ભાગ લઈ રહ્યા છે
રાજ્યમાં ખેલકૂદનું વાતાવરણ નિર્માણ થાય, પ્રતિભાશાળી ખેલાડીઓની ખોજ થાય, ખેલકૂદના માધ્યમથી સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે તેવા ઉદ્દેશથી ખેલમહાકુંભની નવતર પહેલ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી. ખેલ મહાકુંભ એ એશિયાનો સૌથી મોટો ગ્રાસરૂટ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન અને ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે.
આ મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટથી ગુજરાતીઓમાં નવું જોમ આવ્યું છે અને અંતરિયાળ વિસ્તારોમાંથી પણ પ્રતિભાઓ સામે આવી રહી છે. 9 વર્ષથી માંડી સિનિયર સિટિઝન કક્ષાના સ્પર્ધકો ખેલ મહાકુંભમાં ભાગ લઈ રહ્યા છે. ખેલ મહાકુંભ 2.0 ઇવેન્ટમાં 53 લાખ 66 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખેલ મહાકુંભના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપે રાજ્ય સરકાર આર્થિક પુરસ્કાર પણ આપે છે.