SOU ના વિવિધ એજન્સીના કર્મચારીઓએ તેમના પ્રશ્નોને લઈને આપેલ હડતાલનું એલાન પાછું ખેંચ્યું
SOU ઓથોરિટી, શ્રમ વિભાગ અને કર્મચારીઓ વચ્ચે ફળદાયી બેઠક બાદ જાહેરહિતમાં નિર્ણય -કર્મચારીઓના પ્રશ્નો પર સર્વગ્રાહી ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલવા તંત્રની હૈયાધારણા
એકતાનગર ખાતે વિવિધ એકમોમાં કાર્યરત કર્મચારીઓએ પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં હડતાલ પર જવા અંગે એલાન આપ્યું હતું, જે દરમ્યાન sou ઓથોરિટી દ્વારા કર્મચારી પ્રતિનિધિઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજાઈ હતી.
શનિવારે સાંજે SoU ઓથોરિટી, શ્રમવિભાગ અને કર્મચારીઓના પ્રતિનિધિઓ વચ્ચે પડતર પ્રશ્નોની ચર્ચા અને નિરાકરણ માટે એક ખાસ બેઠક યોજાઇ હતી.જેમાં ભરૂચના મદદનીશ શ્રમ આયુક્ત આશિષ જોષી અને નર્મદા જિલ્લાના લેબર ઓફિસર રશ્મિ ચૌધરીએ સમગ્ર બાબતને કુનેહપૂર્વક બન્ને પક્ષને સાંભળી સમાધાન કરાવ્યુ હતુ.
આગામી દિવસોમાં શ્રમ વિભાગના અધિકારીઓ દ્વારા નિયમિત સુપરવિઝન તેમજ બેઠકો થઇ તમામ પ્રશ્નોનું સુખદ સમાધાન થશે એવી SOU ના કર્મચારીઓમા આશા બંધાઈ છે.
આ બેઠકમાં કર્મચારીઓના પ્રશ્નો પર સર્વગ્રાહી ચર્ચા બાદ આગામી દિવસોમાં પ્રશ્નો ઉકેલવા તંત્રએ હૈયાધારણા આપતા આખરે કર્મચારીઓના પ્રતિનિધિઓએ પ્રવાસીઓ અને તમામ પક્ષોના જાહેર હિતમાં હડતાલનું એલાન પાછું ખેંચ્યું હતું.
આગામી તા. 17/11/2023ના રોજ sou ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ અને મદદનીશ શ્રમ કમિશનરની હાજરીમાં અગત્યની બેઠક કર્મચારીઓ સાથે થનાર છે જેમાં કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવા માટે હકારાત્મક ચર્ચા થશે અને તે બેઠકમાં કર્મચારીઓના હિતમાં નિર્ણય કરવામાં આવનાર છે.
આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તા મંડળના ચેરમેન શ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી શ્રી ઉદિત અગ્રવાલના માર્ગદર્શનમાં તમામ કર્મચારીઓના વ્યાપક હિતમાં નિર્ણય લેવા માટે અમારા તમામનો અભિગમ હંમેશા હકારાત્મક રહ્યો છે. ટૂંક સમયમાં તમામ પ્રશ્નો ઉકેલી લઈને તમામને ન્યાય મળે તે માટે અમારો અભિગમ રહેશે.
હડતાળના પરત ખેંચવાના એલાન બાદ તમામ કર્મનિષ્ઠ કર્મચારીઓએ દિવાળીના વેકેશનમાં અત્રે આવનાર પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે પ્રતિબદ્ધ થઈને કાર્ય કરી રહ્યા છે.