Western Times News

Gujarati News

શિક્ષકે હોમવર્ક મામલે ઠપકો આપતા વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો

જામનગર, જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર મચી ગઇ છે. શિક્ષકે આપેલું લેશન કર્યું ન હોવાથી શિક્ષકે ઠપકો આપતા આ પગલું ભર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે.

જામનગર જિલ્લાના મૂળ લાલપુર તાલુકાના મેઘપર પડાણા ગામની વતની અને હાલ ધ્રોલ નજીક ખારવા ગામ પાસે આવેલી ગણેશ વિદ્યા સંકુલમાં રહીને અભ્યાસ કરતી મહેશ્વરીબા સંજયસિંહ જાડેજા નામની ૧૪ વર્ષીય વિદ્યાર્થીનીએ પોતાના રૂમમાં પંખામાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે ચકચાર જાગી છે.

આ બનાવને લઈને વિદ્યા સંકુલમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને તેમાં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓમાં ભારે સનસનાટી મચી ગઈ હતી. આ બનાવ અંગે મૃતક વિદ્યાર્થીનીના વાલીને જાણ કરાતા સંજયસિંહ જાડેજા તુંરત જ વિદ્યા સંકુલ માં પહોંચી ગયા હતા.

સમગ્ર મામલે ધ્રોલ પોલીસને જાણ કરાતાં ધ્રોલ પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજાે સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. બાદમાં વિદ્યાર્થિની મહેશ્વરીબાનો મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીનીને શિક્ષકે લેશન આપ્યું હતું, જે પૂર્ણ કર્યું ન હોવાથી તેણીને ઠપકો મળતાં મનમાં લાગી આવ્યું હતું અને આપઘાત કરી લીધો હતો.

સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે. શિક્ષકોના અભ્યાસ માટે આપેલા લેસન ન થતા ડરના બીકે જીવન લીલા ટૂંકાવી તરૂણાવસ્થામાં જ મોત મીઠું કરવાની ઘટનાને લઈને મૃતક વિદ્યાર્થીનીના પરિવારમાં ભારે ગમગીની છવાઈ છે.

પોલીસ સ્ટેશને નોંધાયેલા આ સમગ્ર ઘટનાની ફરિયાદ બાદ ધ્રોલ પોલીસે શિક્ષકો અને શાળા સંચાલકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. આ બનાવને લઈને મૃતકના પરિવારજનોમાં તેમજ અન્ય વિદ્યાર્થી ગણમાં ગમગીની ફેલાઈ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.