Western Times News

Gujarati News

1 લી ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ થશે

File

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં લેવાયેલા અગત્યના નિર્ણયો સંદર્ભે મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતુ કે,

સુજલામ સુફલામ જળઅભિયાનની સફળતાને પગલે માર્ચ-એપ્રિલના સ્થાને આ વર્ષે રાજ્ય સરકારે જળસંચય અભિયાનને ફેબ્રુઆરી – 2023 થી જ પ્રારંભ કરીને રાજ્યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચાડવાનો નિર્ધાર કર્યો છે. જેના ભાગરૂપે 1 લી ફેબ્રુઆરી-2023ના રોજ થી સુજલામ સુફલામ જળસંચય અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં મે – 2018 થી શરૂ થયેલી સુજલામ-સુફલામ જળ અભિયાનના અત્યાર સુધીમાં પાંચ તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.જનભાગીદારી થકી યોજાયેલ આ અભિયાનમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજયભરમાં  જળસંગ્રહ માટેના ૭૪,૫૧૦ કામો પૂર્ણ થયા છે.

જેના થી જળ સંગ્રહ ક્ષમતામાં ૮૬,૧૯૯ લાખ ઘનફુટ વધારો થયો અને રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ૨૬,૯૮૧ તળાવો ઉંડા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2022માં સુજલામ સુફલામ જળ અભિયન દ્વારા અત્યાર સુધીમાં સૌથી વધું ૧૭,૮૧૨ કામો પૂર્ણ થયા હતા. જેમાં ૨૦.૮૧ લાખ માનવદિનની રોજગારી શ્રમિકોને મળી હતી  જ્યારે ૨૪ હજાર ૪૧૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો હતો તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.

મંત્રીશ્રીએ કહ્યું હતુ કે, રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી અભિયાનને સ્થાનિક સ્તરે નાગરિકોનો પણ ખૂબ સહયોગ મળ્યો છે. જનભાગીદારી દ્વારા હાથ ધરાયેલ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ જળ સંચયનો વ્યાપ વધારવો, ભૂગર્ભ જળસ્તર ઉંચા લાવવા, સિંચાઇ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી, ખેત ઉત્પાદનમાં વધારો કરવો, પાણીનો બગાડ ઘટાડવો તથા પર્યાવરણમાં સુધારો લાવવાનો રહ્યો છે એમાં પણ સૌ લોકોએ સહયોગ આપ્યો છે જેના પરિણામે આ અપ્રતિમ સફળતા મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.