Western Times News

Gujarati News

મોરબી પુલ કાંડમાં સીબીઆઈ તપાસ માટે પીડિતોને ફ્રેશ પિટિશન કરવા સુપ્રીમ કોર્ટે છૂટ આપી

અમદાવાદ, મોરબીના ઐતિહાસિક ઝૂલતા પુલ કાંડના મામલે ચાલી રહેલી ફોજદારી તપાસ સીબીઆઈને સોંપવાની દાદ માગતી અપીલનો સુપ્રીમ કોર્ટે નિકાલ કર્યાે છે.

જોકે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.એમ. સુંદ્રેશ અને જસ્ટિસ રાજેશ બિંદલની ખંડપીઠે એવો મહત્ત્વપૂર્ણ આદેશ પણ કર્યાે છે કે અમે અરજદારોને આ મામલે બંધારણના અનુચ્છેદ ૩૨ અન્વયે આ મુદ્દે ફ્રેશ રિટ પિટિશન કરવાની છૂટ આપીએ છીએ. જે પિટિશનનો નિર્ણય તેના ગુણદોષના આધારે જ કરવાનો રહેશે અને એ સમગ્ર પ્રક્રિયા અલાયદી રહેશે.

જેમાં હાઇકોર્ટે તેના ચુકાદામાં આપેલા કારણો અને અવલોકનોની કોઇ અસર રહેશે નહીં. આ સમગ્ર મામલે મોરબી ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન અને અન્ય પીડિતો દ્વારા હાઇકોર્ટના આદેશની સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ એડવોકેટ મારફતે સ્પેશિયલ લીવ પિટિશન ફાઇલ કરવામાં આવી હતી.

જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતાં કે અરજદાર એસોસિએશન મોરબી કાંડમાં મૃત્યુ પામેલા ૧૧૩ પીડિતોના સ્વજનો અને કુટુંબીજનો સાથે સંકળાયેલું છે. જેમણે હાઇકોર્ટ સમક્ષ આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરતી અરજી કરી હતી. જે અરજીને નામદાર હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવી હતી, પરંતુ એ નિર્ણય ભૂલભરેલો હોઇ તેની સામે સુપ્રીમ કોર્ટ સમક્ષ અપીલ કરવામાં આવી છે.

જેથી નામદાર સુપ્રીમ કોર્ટ યોગ્ય આદેશ કરી આપે. જે અપીલનો નિકાલ કરતાં સુપ્રીમે અરજદારોને ફ્રેશ પિટિશન કરવાની છૂટ આપી છે. ઉલ્લેખનીય છે કે અરજદાર પીડિતો દ્વારા હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો જાહેરહિતની અરજીની અંદર જ એક વધારાની અરજી કરીને સીબીઆઈ તપાસ ઉપરાંત ચાર્જશિટ સહિતના કાર્યવાહી રદ કરવા તથા તત્કાલીન કલેક્ટર અને મોરબી નગરપાલિકાના અધિકારીઓની જવાબદારી નક્કી કરી કાર્યવાહી કરવાની દાદ માગવામાં આવી હતી. જે અરજી ૧૭મી ઓક્ટોબરે હાઇકોર્ટે રદ કરી હતી.

જેના આદેશમાં ખંડપીઠે નોંધ્યું હતું કે સેશન્સ કોર્ટ સમક્ષ પેન્ડિંગ ટ્રાયલની તપાસ અને ચાર્જશીટને રદ કરવાની અને સ્વતંત્ર એજન્સી સીબીઆઈને તપાસ આપવાની દાદ ફગાવવામાં આવે છે.

આ જાહેરહિતની અરજીમાં કોર્ટ પીડિતોના પુનર્વસન સંદર્ભે જ ચિંતિત છે અને એ જ કોર્ટ સમક્ષનો મુખ્ય મુદ્દો છે. જાહેરહિતની અરજીમાં કોર્ટ તપાસની ખરાઈ સંદર્ભે વિચારણા કરી શકે નહીં, તેથી આ અરજી રદ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.