Western Times News

Gujarati News

તાલિબાને આપ્યો જવાબ, પાક સેનાની ચોકીઓ કરી ધ્વસ્ત

નવી દિલ્હી, તાલિબાને અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. તાલિબાની સેનાએ ડુરંડ સરહદ પાસે પાકિસ્તાની સૈન્ય ચોકીઓને ધ્વસ્ત કરી દીધી હતી. અફઘાન મીડિયાએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને હુમલાની પુષ્ટી કરી હતી.

મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાનની આક્રમકતાના જવાબમાં તાલિબાન સરહદી દળોએ ભારે હથિયારોથી પાકિસ્તાની સૈન્ય કેન્દ્રોને નિશાન બનાવ્યા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ દળો કોઈપણ આક્રમક કાર્યવાહીનો જવાબ આપવા માટે તૈયાર છે. અમે દરેક સંજોગોમાં અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરીશું.

વાસ્તવમાં સોમવારે સવારે ૭ વાગ્યે ડુરંડ લાઇન પર તાલિબાન અને પાકિસ્તાની સરહદ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ પછી પાકિસ્તાન દ્વારા રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા. જેના કારણે અફઘાનિસ્તાનના દાંડપાટન વિસ્તારના લોકોએ પોતાના ઘર ખાલી કરવા પડ્યા હતા.

આ પછી પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત અને પક્તિકા પ્રાંતમાં હવાઈ હુમલા કર્યા, જેનાથી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે પાકિસ્તાની ફાઈટર પ્લેન ફરી એકવાર અફઘાન વિસ્તારમાં ઘૂસી ગયા છે. તેઓએ પક્તિકા પ્રાંતના બરમેલ જિલ્લા અને ખોસ્ટ પ્રાંતના સેપેરા જિલ્લામાં બોમ્બમારો કર્યો હતો.

રહેણાંક વિસ્તારોમાં પાકિસ્તાની હુમલાને કારણે મહિલાઓ અને બાળકો સહિત આઠ લોકોના મોત થયા હતા. તાલિબાને આ હુમલાની સખત નિંદા કરી છે. તેમણે કહ્યું કે પાકિસ્તાની હવાઈ હુમલાઓ અફઘાનિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે.

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.

આના ગંભીર પરિણામો આવશે. વધુમાં, તાલિબાનના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું કે અફઘાનિસ્તાનની ઈસ્લામિક અમીરાત આ હુમલાઓની સખત નિંદા કરે છે. જોકે, પાકિસ્તાની વિદેશ મંત્રાલયનું કહેવું છે કે તેઓએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી હાથ ધરી છે. ઓપરેશનનો ઉદ્દેશ્ય હાફિઝ ગુલ બહાદુર જૂથના આતંકવાદીઓને ખતમ કરવાનો હતો.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનની સાથે હાફિઝ ગુલ બહાદુર જૂથ પણ પાકિસ્તાનની અંદર ઘણા આતંકવાદી હુમલા માટે જવાબદાર હતું. બંને પ્રતિબંધિત સંગઠનોના કારણે સેંકડો પાકિસ્તાની નાગરિકો અને અધિકારીઓના મોત થયા છે. શનિવારે જ ઉત્તર વઝીરિસ્તાનના મીર અલી સ્થિત સુરક્ષા ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં સાત પાકિસ્તાની સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.