દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં બે દ્વાર: મોક્ષદ્વાર અને સ્વર્ગદ્વાર
દ્વારકાનાં દ્વાર -મહાભારતમાં પાંડવોના મોસાળ પક્ષના પિતરાઈ કૃષ્ણનો પરિચય કરાવવામાં આવે છે, જે દ્વારકામાં રહે છે. મહાભારતના પુરવણી મનાતા ગ્રંથ ‘હરિવંશ’માં પૃથ્વીવાસીઓએ મોક્ષ કેવી રીતે મેળવવો? એના વિષે અલગ અલગ વિચારોનો સંગમ સુંદર રીતે રજૂ કરાયો છે.આજે એવી પવિત્ર અને રહસ્યથી ભરેલાં દ્વારકાના મંદિર વિષે થોડુંક જાણીયે.
ગુજરાતના જામનગર જિલ્લાના દ્વારકામાં આવેલા દ્વારકાધીશના મંદિરમાં બે દ્વાર છેઃ ઉત્તર દિશામાં આવેલા મુખ્ય પ્રવેશ દ્વારને મોક્ષદ્વાર કહેવામાં આવે છે. દક્ષિણ દિશામાં આવેલા બીજા દ્વારને સ્વર્ગદ્વાર કહેવામાં આવે છે. એ બંને વિરુદ્ધ દિશામાં આવેલા છે. તેમાં હિન્દુ ધર્મનું ભંડારાયેલું અનોખું રહસ્ય છે.
પુરાણોમાં ઉત્તર દિશા સ્થાયિત્વની, શાશ્વતની સૂચક છે, કારણ કે તે ધ્રુવ તારાની દિશા છે. દક્ષિણ દિશા તેનાથી વિપરીત નશ્વરતાની સૂચક છે, કારણ કે તે યમનો પ્રદેશ છે. આપણે સૌ જાણીયે છીએ કે,મૃત્યુ પછી શવનું શીશ દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે.
આ બે દ્વાર યાત્રાળુઓને જીવન ના બે લક્ષ્યોની દિશા સૂચવે છે.તમામ પ્રકારની તકલીફોમાંથી મુક્તિ (મોક્ષ) અને તમામ પ્રકારની ભૂખની સંતુષ્ટિ (સ્વર્ગ). પહેલું શાશ્વત છે જ્યારે બીજું નશ્વર છે.
હિન્દુત્વના ઇતિહાસમાં સૌ પ્રથમવાર મહાકાવ્ય મહાભારતમાં આ બંને વિકલ્પો અંગે ઋષિ મુગદલ ધ્યાન દોરે છે. મહાભારતમાં એક યુદ્ધનું વર્ણન આવે છે જે ૫૦૦૦ વર્ષ પહેલાં થયું હતું તેમ પારંપરિક રીતે માનવામાં આવે છે. પરંતુ આપણી પાસે જે ગ્રંથો છે તે માત્ર ૨૦૦૦ વર્ષ જેટલાં જ પ્રાચીન છે.
અહીંયાં વૈદિક વિધિ-વિધાનો અનુસાર પ્રાપ્ત થતા સ્વર્ગ અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત થતાં ઉપનિષદમાં મોક્ષ કેવી રીતે મળી શકે એ વિષે વિસ્તારથી જણાવાયું છે.
આ મહાભારતમાં જ પાંડવોના મોસાળ દ્વારકામાં વસતા કૃષ્ણને દ્વારકાધીશ કહેવામાં આવે છે અને તે શબ્દનો અર્થ ‘દ્વારકાના રાજા’ સમજવામાં આવે છે કારણ કે (રામથી વિપરીત) કૃષ્ણ માત્ર રાજા નહીં દરેક પ્રજાજનના મિત્ર કે સખા બન્યા છે. જે કદાચ રામ નથી બની શક્યા. કૃષ્ણ દ્વારકાના સંરક્ષક હોય એવી રીતે જ વર્તયા હોય એવું પ્રતીત થાય છે. તેઓ સર્વસંમતિથી શાસન ચલાવવાનું વધારે પસંદ કરતા હતા, દરેકની વાત સાંભળી કુનેહપૂર્વક સાચો રસ્તો શોધી કેમ કાઢવો…
એ કૃષ્ણની અલગ રાજકારણીય છાપ છે.બીજા શબ્દોમાં કહીએ, તો કૃષ્ણ લોકશાહી તરફ ખેંચાતા રહ્યા છે, એવું કહી શકાય. દ્વારકાના કૃષ્ણને રણ—છોડ—રાય પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે રણ છોડીને જનારા. બીજા શબ્દોમાં કહીએ તો ભાગી છૂટનારા. જોકે આ રણ છોડી જનારા કૃષ્ણને મંદિરમાં સ્થાપીને રાજપૂતો તેમની પૂજા કરતા હોય છે. સંભવતઃ રાજપૂતોને એ વાતનું સ્મરણ કરાવવા માટે કે રણનીતિના ભાગ રૂપે પાછા હટવામાં પણ કશું ખોટું નથી. હિન્દૂ ધર્મની પૌરાણિક કથાઓમાં આ વાત વિસ્તારથી લખવામાં આવી છે.
મહાભારતમાં આપણને એમ જાણવા મળે છે કે છેવટે દ્વારકા નગરી જેને સોનાની નગરી તરીકે ઓળખવામાં આવતી હતી એ, સાગરમાં ડૂબી ગઈ હતી.દ્વારકાના કાંઠે કરવામાં આવેલાં પુરાતત્ત્વીય સંશોધનોમાં હડપ્પીય સંસ્કૃતિના અંતિમ ભાગમાં (ઈસ પૂર્વ ૧૫૦૦)માં વસેલા નગરના અવશેષો મળી આવ્યા છે. આ જ હતું કૃષ્ણનું નગર, શ્રદ્ધાળુઓ માટે તો એ આસ્થાનો કીર્તિસ્તંભ છે. પુરાવાઓના અભાવે વૈજ્ઞાનિકો સ્પષ્ટ અભિપ્રાય આપવાનું ટાળે છે કારણ કે આ મુદ્દા સાથે રાજકારણ પણ જોડાયેલું છે અને ઘણા તો કૃષ્ણને માત્ર એક ઐતિહાસિક પાત્ર સમજે.છે
પણ મારા મતે શ્રી કૃષ્ણ એક પૌરાણિક પાત્ર છે જે સમયનાં બંધનોથી મુક્ત છે. એ સમગ્ર દુનિયાનો નિર્વાહ કરે છે. તે સર્વ શક્તિમાન છે.
કૃષ્ણ હજુ પણ દ્વારકાનું રક્ષણ કરતાં એ મંદિરમાં જ વસે છે.જ્યાં મોક્ષ અને સ્વર્ગનાં દ્વાર રહેલાં છે.હિંદુઓનું એક એવું પવિત્ર અને દિવ્ય તીર્થંસ્થળ જ્યાં એમના આરાધ્ય દેવ શ્રી કૃષ્ણનો આત્મા વસે છે. આવો, નટખટ પ્રેમી , પરિપક્વ રાજનીતિજ્ઞન, ચતુર રણ – છોડ અને પ્રેમાળ સખા જેવા વિવિધ સ્વરૂપોમાં સર્વશ્રેષ્ઠ સાબિત થનારા શ્રી કૃષ્ણને સમજવા પ્રયત્ન કરીયે.