અમદાવાદના SP રિંગ રોડ પર શટલ રિક્ષામાં ફરતી લૂંટારૂ ટોળકીનો આતંક
ઓગણજ સર્કલ નજીક બી.ટેક.ના વિદ્યાર્થીને છરી બતાવી લૂંટી લેવાયોઃ ઓઢવ પોલીસે રિક્ષામાં લૂંટ કરતી ટોળકી ઝડપી
અમદાવાદ, એસપી રિંગ રોડ પર શટલ રિક્ષામાં બેસતાં પહેલાં દસ વખત વિચાર કરજો, કારણ કે તે લૂંટારું પણ હોઈ શકે છે. જે તમને છરી બતાવીને લૂંટી લેશે. રિક્ષામાં લૂંટ કરતી ટોળકી સક્રિય થઈ છે. જે એસપી રિંગ રોડ પર યુવાનોને ટાર્ગેટ કરી રહી છે. રિંગ રોડ પર કોઈ યુવાન રિક્ષાની રાહ જોતો હોય તો તેને આ ટોળકી શિકાર બનાવે છે.
યુવાનને રિક્ષામાં બેસાડી લીધા બાદ અવાવરું જગ્યા પર લઈ જવામાં આવે છે જ્યાં તેને છરી બતાવીને લૂંટી લેવાય છે. છેલ્લા એક અઠવાડિયામાં એસપી રિંગ રોડ પર લૂંટની બે ઘટના બની છે. ઓગણજ સર્કલ નજીક વિદ્યાર્થીને છરી બતાવીને લૂંટી લેવાયો છે જ્યારે ઓઢવ રિંગ રોડ ઉપર પણ યુવકને છરી બતાવીને લૂંટી લેવાયો છે.
શહેરના છેવાડે આવેલા લપકામણ ગામ પાસે ન્યૂ સંદીપ હોસ્ટેલમાં રહેતા ૧૯ વર્ષીય ઋષિત બોદરાએ સોલા પોલીસ સ્ટેશનમાં રિક્ષામાં છરી બતાવીને લૂંટ કરતી ટોળકી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ઋષિત મૂળ સુરતના ડભોલી વિસ્તારનો રહેવાસી છે અને ગોતા ખાતે આવેલી ઈÂન્સ્ટટ્યૂટ ઓફ ટેકનોલોજી નામની કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કરે છે.
થોડા દિવસ પહેલાં ઋષિતને રાતે સવા આઠ વાગ્યાની આસપાસ લપકામણ ખાતે હોસ્પિટલમાં જવાનું હોવાથી તે ભાડજ સર્કલ પાસે રિક્ષાની રાહ જોઈને ઊભો હતો. થોડો સમય રાહ જોયા બાદ એક રિક્ષા ત્યાં આવી પહોંચી હતી. જેમાં પહેલેથી ત્રણ શખ્સ પેસેન્જર તરીકે બેઠા હતા, શટલ રિક્ષા હોવાના કારણે ઋષિત તેમાં અન્ય પેસેન્જર સાથે બેસી ગયો હતો.
ઋષિતની બાજુમાં બે પેસેન્જર બેઠા હતા, જ્યરે રિક્ષા ચાલકની બાજુમાં એક પેસેન્જર બેઠો હતો. ચાલકે ભાડજ સર્કલથી ઓગણજ વચ્ચે આવેલા સર્વિસ રોડ પર રિક્ષા લઈ લીધી હતી. રિક્ષાચાલકે શક્તિ ફાર્મ નજીક અંધારામાં પોતાની રિક્ષા ઊભી કરી દીધી હતી.
ઋષિત કાંઈ વિચારે તે પહેલાં તેની બાજુમાં બેઠેલા પેસેન્જરે પોતાની પાસે રહેલી છરી કાઢી હતી. છરી કાઢતાની સાથે જ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા ગઠિયાએ કહ્યું હતું કે ચૂપચાપ બેસી જા. ઋષિતને બે ગઠિયાઓએ વચ્ચે બેસાડી દીધો હતો. ઋષિતને છરી બતાવીને મોબાઈલ ફોન, બેગ, પાકીટની લૂંટ ચલાવી હતી. ઋષિતની બેગમાં કોલેજનું આઈડી કાર્ડ તેમજ પાકીટમાં આધારકાર્ડ, એટીએમ કાર્ડ તેમજ ૫૫૦ રોકડા હતા. ગઠિયાઓએ ઋષિતને ગૂગલ પેનો પાસવર્ડ પણ માગી લીધો હતો.
જીવ બચાવવા માટે ઋષિતે ગઠિયાઓને ગૂગલ પેનો પાસવર્ડ આપી દીધો હતો. પાસવર્ડ મળી જતાં ઋષિતને અંધારામાં ઉતારી દીધો હતો અને બાદમાં રિક્ષાચાલક સાગરીતોને લઇને નાસી ગયો હતો. અંધારુ હોવાના કારણે ઋષિત રિક્ષા નંબર જોઈ શક્યો નહીં અને તે ચાલતો ચાલતો પોતાના રૂમમાં આવી ગયો હતો. ઋષિતે તેનાં માતા-પિતાને સમગ્ર ઘટના કહ્યા બાદ અંતે પોલીસ ફરિયાદ કરી છે. સોલા પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.