દર્દીઓથી ધમધમતી સિવિલ હોસ્પિટલ બહાર શટલ રિક્ષાનો આતંક

પ્રતિકાત્મક
પેસેન્જર ભરવાની લાયમાં શટલ રિક્ષાવાળા અડિંગો જમાવી બેસતા હોવાથી દર્દીઓ સમયસર હોસ્પિટલ પણ પહોંચી શકતા નથીઃ સિવિલના સાત ગેટ બહાર રિક્ષાચાલકો બેસી રહેતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વકરી
અમદાવાદ, શહેરમાં ઠેર ઠેર શટલ રિક્ષાનો આતંક જાેવા મળી રહ્યો છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાતી હોય છે. પોલીસ અનેક વખત ડ્રાઈવ યોજીને શટલ રિક્ષાચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરતી હોય છે, પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી.
પેસેન્જર ભરવાની લાયમાં રિક્ષાચાલકો આડેધડ પોતાની રિક્ષા લઇને ઊભા રહે છે, જેના કારણે બીજા વાહનચાલકો પરેશાન થાય છે. શહેરના અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની આસપાસ રિક્ષાનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે દર્દીઓને ટ્રીટમેન્ટ માટે લાવતી એમ્બ્યુલન્સને પણ હેરાન થવાના દિવસો આવી ગયા છે.
કોઈ પેસેન્જર બૂમ પાડે ત્યારે રિક્ષાચાલક ટ્રાફિક જામ થશે તેની ચિંતા કર્યા વગર ગમે ત્યાં રિક્ષા ઊભી કરી દેતા હોય છે. પેસેન્જર રિક્ષામાં બેસે ત્યાં સુધી ચાલક તેની સાથે ભાડાના મામલે રકઝક કરતા હોય છે અને જાે શટલ રિક્ષા હોય તો પેસેન્જર્સને ખીચોખીચ બેસાડવા માટે રિક્ષાને ઊભી રાખી દેતા હોય છે. તેઓ જ્યાં-ત્યાં રિક્ષા ઊભી કરી દેતા હોવાથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેના કારણે બીજા વાહનચાલકો હેરાન-પરેશાન થાય છે.
શહેરની દરેક જગ્યા પર રિક્ષાચાલકોનો આતંક જાેવા મળતો હોય છે ત્યારે સૌથી વધુ પ્રોબ્લેમ સિવિલ હોસ્પિટલ ખાતે જાેવા મળી રહ્યો છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં યુએન મહેતા, કિડની હોસ્પિટલ, ૧૨૦૦ બેડ, કેન્સર સહિતની હોસ્પિટલો આવેલી છે, જ્યાં રોજેરોજ હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરી રહ્યાં છે. હોસ્પિટલ સંકુલમાં સંખ્યાબંધ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. દર્દી તેમજ તેમના સંબંધીઓથી ધમધમતી સિવિલ હોસ્પિટલની બહાર રિક્ષાચાલકોનો ત્રાસ જાેવા મળી રહ્યો છે.
સિવિલ હોસ્પિટલમાં એન્ટ્રી માટે સાત ગેટ બનાવાયેલાં છે, જેમાં તમામ ગેટ બહાર રિક્ષાચાલકો કાગડોળે પેસેન્જરની રાહ જાેઈને બેઠા હોય છે. આ સિવાય કિડની હોસ્પિટલ સામે આવેલા હનુમાન મંદિર પાસે પણ રિક્ષાચાલકો ઝૂંડમાં ઊભા હોય છે. જ્યારે એમ્બ્યુલન્સ તેમજ અન્ય કોઈ વાહન હોસ્પિટલમાં આવે ત્યારે રિક્ષાચાલકોના કારણે તેમને પરેશાની થતી હોય છે. રોડ તેમજ હોસ્પિટલ ગેટ આગળ જ્યાં-ત્યાં રિક્ષાચાલકો વાહન પાર્ક કરી દેતા હોય છે.
હાલ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગરમીના કારણે હીટસ્ટ્રોકના કેસમાં પણ સતત વધારો થશે તેવામાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી. જ્યારે એમ્બ્યુલન્સ સાઈરન વગાડીને હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં આવે છે
ત્યારે પણ રિક્ષાચાલકો હઠીલાની જેમ ત્યાં જ ઊભા હોય છે. પસેન્જર જ્યાં સુધી રિક્ષામાં બેસે નહીં ત્યાં સુધી તેઓ હટતા નથી. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આસપાસ શટલ રિક્ષાની સૌથી વધુ બોલબાલા છે. ચાંદખેડા, વાડજ, કાલુપુર, ઈન્કમટેક્સ સહિતના વિસ્તારોનાં શટલ સિવિલ હોસ્પિટલથી ભરાય છે. જ્યાં સુધી શટલ રિક્ષા પેસેન્જરોથી ભરાય નહીં ત્યાં સુધી રિક્ષાચાલક સ્થળ છોડીને જતો નથી.
એક પછી એક રિક્ષાઓ કેમ્પસ બહાર આવીને ઊભી રહી જતાં રોડ બ્લોક થઇ જાય છે. આ સિવાય હોસ્પિટલ સામે એસટી બસ સ્ટેન્ડ આવેલું છે, જ્યાં રોજ સંખ્યાબંધ એસટી બસ આવે છે અને ત્યાં જ આ રિક્ષાચાલકો પોતાનો અડ્ડો બનાવીને ઊભા રહે છે. એસટી બસની સાથે બીજાં વાહનોને પણ નીકળવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. ટ્રાફિકના જેસીપી એન.એન.ચૌધરીએ જણાવ્યું કે, સિવિલની હોસ્પિટલની આસપાસ દબાણકર્તા રિક્ષાચાલકોને હટાવાશે.