હાઈટેક એપાર્ટમેન્ટમાં નવ લાખની ચોરીનો ભેદ ઉકેલાયો
સુરત, મોબાઈલનું વળગણ બાળકોને કઈ હદ સુધી લઈ જઈ શકે, તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ગેમ રમવા અને તેમાં સીઆઈડી જેવી સિરિયલ જોવા માટે એક બાળકે સુરતના ડુમસ રોડ પર વાય જંકશન પાસે આવેલા વાસ્તુ લક્ઝુરીયા જેવા અલ્ટ્રા હાઈટેક બિલ્ડીંગમાં બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો.
ફ્લેટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા ૮.૯૪ લાખની ચોરી કરી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જરે કહ્યુ હતું કે, ડુમસરોડ ઉપર વાય જંકશન પાસે વાસ્તુ લક્ઝુરીયામાં રહેતા પ્રિયંકા ધર્મેશભાઈ કોઠારી ગતરોજ પોતાના પરિવાર સાથે રવિવારે બપોરે ૧ વાગ્યાથી સાંજે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન બહાર ગયા હતા. આ દરમિયાન તસ્કરે તેમના ફ્લેટને નિશાન બનાવ્યો હતો.
બપોરે ૧ થી સાંજે ૮ઃ૩૦ વાગ્યાના સમયગાળા દરમિયાન ચોર ફ્લેટના પહેલા માળે આવેલા બેડરૂમના એટેચ્ડ બાથરૂમના બારીના કાચ તોડી ત્યાંથી ફ્લેટમાં અંદર પ્રવેશ કર્યો હતો, પ્રિયંકાના બેડરૂમના ડ્રોઅરમાં મૂકેલા સોનાના દાગીના જેમાં સોનાનું બ્રેસલેટ, સોનાની ચેઈન, સોનાની ડાયમંડ વાળી વિંટી સહિતના દાગીના તથા રોકડા રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ રૂપિયા ૮.૯૪ લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ડીસીપીએ વધુમાં કહ્યું હતું કે, અમે ફ્લેટના જે બાથરૂમમાંથી ચોર અંદર પ્રવેશ્યો હતો, તે વધારે ઉપયોગ થતો નહતો.
એટલે, ત્યાં ધૂળમાં ફૂટ પ્રિન્ટ હતી તે મેળવી હતી. એફએસએલની મદદથી તેના આધારે ત્રીજા માળે રહેતા પરિવારને ત્યાં કામ કરતા વ્યક્તિના ગામથી એક સગીર બાળક આવ્યો હતો. તેના ફૂટપ્રિન્ટ તેની સાથે મળતા હતાં. અમે તેની પૂછપરછ કરતાં તેણે ત્રીજીવારમાં કબૂલી લીધું હતું કે, તેણે ચોરી કરી હતી. તે પાછળના ભાગેથી પાઇપની મદદથી નીચે પહેલા માળે પહોંચ્યો હતો.
બાથરૂમમાંથી તે અંદર ફ્લેટમાં પ્રવેશ્યો હતો અને ચોરી કરીને નીકળ્યો હતો. તેણે ચોરીનો સામાન પણ તેના ત્રીજા માળના ફ્લેટના બાથરૂમમાં જ છૂપાવી રાખી હતી. બાળકે કબૂલાત પણ કરી હતી કે, તેણે એક મોબાઈલ ખરીદવો હતો. મોબાઈલમાં ગેમ રમવાનું અને તેમાં સીઆઈડી સિરિયલ જોવાનું તેને વળગણ હતું. આ વળગણ તેને ચોરી કરવા સુધી લઈ ગયુ હતું.SS1MS