Western Times News

Gujarati News

રાજ્યભરમાં ત્રીજા રાઉન્ડના વરસાદને કારણે જનજીવન ખોરવાયું

અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ, અમદાવાદ, સુરત, વડોદરામાં ઠેર-ઠેર પાણી ભરાયા, અનેક સ્થળે ટ્રાફિક જામ, જૂનાગઢ- ગીર સોમનાથમાં મેઘતાંડવ, ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા

અમદાવાદ,  હવામાન વિભાગ દ્વારા આગામી ૫ દિવસ સુધી રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે આગાહી મુજબ આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાએ માજા મુકી છે. તો જૂનાગઢ અને ગીર સોમનાથમાં મેઘતાંડવનું રૌદ્રસ્વરૂપ જાેવા મળી રહ્યું છે.

વરસાદને પગલે ઘણા જિલ્લાઓમાં પાણી ભરાયા છે. જ્યારે સુરતમાં પણ વરસાદી પાણી ભરાતા અડાજણ પાટિયા વિસ્તારમાં ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો કલાકો સુધી ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જામનગર જિલ્લામાં મેઘરાજાનો ચોથો રાઉન્ડ જાેવા મળી રહ્યો છે, અહીં સાવર્ત્રિક અડધાથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

દમણમાં ૨૪ કલાકમાં ૯.૫ ઈંચ વરસાદ પડતા નિંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જ્યારે વાપીમાં માત્ર ચાર કલાકમાં ૬ ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન સુત્રાપાડામાં આભ ફાટતા ૨૨ ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અહીં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૪ ફુટ ખોલવામાં આવ્યા છે. વડોદરાની વાત કરીએ તો બપોરે બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદથી પાણી ભરાયા છે. બારડોલીમાં બે, કામરેજમાં એક ઇંચ સહિત અન્ય તાલુકામાં છુટોછવાયો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરુ થઈ ગયો છે. આજે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ હળવાથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. જાે કે શહેરમાં સવારે ૮ વાગ્યા બાદ વરસાદનું જાેર વધતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે.

શહેરમાં અનેક વિસ્તારોમાં બે ત્રણ દિવસમાં વરસાદી ઝાંપટા જાેવા મળ્યા હતા ત્યારે આજે એસ.જી હાઈવે, સેટેલાઈટ, ગોતા, બોડકદેવ, પાલડી, શિવરંજની, શ્યામલ ચાર રસ્તા, પ્રહલાદગર, વસ્ત્રાપુર, રખિયાલ, બાપુનગર, નારોલ, મણિનગર તેમજ ચાદલોડિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકો તેમજ કાર ચાલકોને વાહનોની લાઈટ ચાલુ રાખવાની નોબત આવી છે.

આજે સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જૂનાગઢ શહેર તેમજ તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે નદી નાળાઓમાં પૂર આવ્યા છે આ સિવાય જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ પણ છલકાઈ ગયો છે.

ગિરનાર તળેટીમાં તેમજ દાતાર પર પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના પગલે ગિરનાર પર્વત પરથી ઝરણા વહેતા થયા હતા. આ સાથે જ સોનરખ નદી પણ વહેતી થઈ હતી. માંગરોળમાં સવારના ૬ વાગ્યાથી ૧૨ વાગ્યા સુધીમાં પોણા બાર ઇંચ વરસાદ ખાબકતાં અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા.

માંગરોળ સિવાય કેશોદમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે જેના પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે. કેશોદમાં સિલોદર ગામના પુલનો એક બાજુનો ભાગ તૂટ્યો હતો તેમજ પુલ પર બે વિદ્યાર્થીઓ ફસાયા હતા જેને મહામહેનતથી બચાવી લેવાયા હતા. કેશોદના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો રેવદ્રા ગામમાં અનરાધાર વરસાદથી વાહનો તેમજ ઘરવખરી, અનાજ તેમજ માલઢોર પાણીમાં ગરકાવ થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.