Western Times News

Gujarati News

ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકાઃ સૌથી વધુ કચ્છમાં ૧૫૮.૭૩ ટકા

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ :-કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૬ ઇંચથી વધુ વરસાદ-રાપર, નખત્રાણા અને માળિયામાં ૪ ઇંચથી વધુ વરસાદ વરસ્યો

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૧૭૧ મિ.મી. એટલે કે ૬ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, પાંચ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ અને ૪ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ સવારે ૬.૦૦ કલાકે પૂરા થતાં કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ૧૨૪ મિ.મી., નખત્રાણામાં ૧૧૩ મિ.મી., અને માળિયામાં ૧૦૧ મિ.મી., એટલે કે ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ૯૪ મિ.મી., મોરબીના ટંકારામાં ૮૬ મિ.મી., જામનગરમાં ૮૨ મિ.મી., મોરબીના હળવદમાં અને મોરબીમાં ૭૮ મિ.મી., એમ રાજ્યના પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૪ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે એમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ૬૭ મિ.મી., પોરબંદરમાં ૫૪ મિ.મી., મોરબીના વાંકાનેરમાં ૫૨(બાવન) મિ.મી., અને ખેડાના વસોમાં ૫૦ મિ.મી.,વરસ્યો છે. જયારે રાજ્યના અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૮.૭૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૬૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૯૫.૫૨ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૮.૩૧ ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં ૯૬.૧૧ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.