ભારતની 500 ખાનગી કંપનીઓનું કુલ મૂલ્ય ૩.૮ ટ્રિલિયન ડોલરને સ્પર્શ્યું

નવી દિલ્હી, હુરુન ઇન્ડિયાએ દેશની ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદી જાહેર કરી છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પહેલા નંબરે છે.
નોંધનીય છે કે ટોચની ૧૦ સૌથી મૂલ્યવાન કંપનીઓનું સંયુક્ત બજાર મૂલ્ય સાઉદી અરેબિયાના જીડીપી કરતાં વધુ છે. ૨૦૨૪ની બર્ગન્ડી પ્રાઇવેટ હુરુન ઇન્ડિયા ૫૦૦ યાદી અનુસાર આ ૧૦ કંપનીઓનું કુલ મૂલ્ય ૨૨.૭ લાખ કરોડ રૂપિયા વધીને ૯૬ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જે ભારતના જીડીપીના લગભગ ત્રીજા ભાગ જેટલું છે.
લિસ્ટમાં સામેલ ૫૦૦ ખાનગી કંપનીઓનું કુલ મુલ્ય ૩.૮ ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે,જે દેશના કુલ વાર્ષિક જીડીપી ૩.૫ ટ્રિલિયન ડોલર કરતા વધુ છે. રિપોર્ટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સતત ચોથા વર્ષે યાદીમાં ટોચ પર છે, જ્યારે ભારતી એરટેલ અને એનએસઈએ પ્રથમ વખત ટોચની ૧૦ કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.
મંગળવારે જાહેર થયેલી આ યાદીની ચોથી આવૃત્તિમાં ઘણી કંપનીઓએ જબરદસ્ત વૃદ્ધિ દર્શાવી છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૭,૫૨,૬૫૦ કરોડ રૂપિયાના મૂલ્ય સાથે ટોચનું સ્થાન ધરાવે છે, ત્યારબાદ કે. કૃથિવાસનની આગેવાની હેઠળની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ૧૬,૧૦,૮૦૦ કરોડ રૂપિયા સાથે બીજા જ્યારે એચડીએફસી બેંક ૧૪.૨ લાખ કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.
ભારતી એરટેલે ૭૫%ની જબરદસ્ત વૃદ્ધિ નોંધાવી અને ૯.૭૪ લાખ કરોડની માર્કેટ વેલ્યુ સાથે ચોથા સ્થાને છે. તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ૨૦૧% વધીને ૪.૭૦ લાખ કરોડની વેલ્યુ સાથે ટોચના ૧૦માં સ્થાન મેળવ્યું છે.SS1MS