શોપિંગ સેન્ટરના વેપારીઓએ માર્કેટનાં રિ-ડેવલોપમેન્ટ અંગે કલેકટરને આવેદનપત્ર આપ્યું
વલસાડ નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને નકલ આપી
(પ્રતિનિધી) વલસાડ, વલસાડ શહેરના મધ્યભાગમાં આવેલ શ્રી મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ એન્ડ શોપિંગ સેન્ટર ના રિ ડેવલોપમેન્ટ ને લઈ સર્જાયેલી પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી વાણિજ્ય દુકાનો ના એસોસિએશન શ્રી મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટર ના વેપારીઓએ વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રે ને આવેદનપત્ર આપ્યું હતું
તથા વલસાડ નગરપાલિકાના વહીવટદાર અને પ્રાંત અધિકારી નિલેશ કુકડિયા અને ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ ને નકલો આપી રજૂઆત કરી હતી અને જરૂરી માંગણીઓ કરી હતી.
વલસાડ કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વેપારીઓના વેપારી મંડળને સાંભળી જરૂરી સહકાર આપવાની ખાતરી આપી હતી. જ્યારે નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરે વેપારીઓને તમામ સમસ્યાઓનું સમાધાન કરવાની ખાતરી આપી હતી અને જણાવ્યું હતું કે રિ ડેવલોપમેન્ટ માં માર્કેટ નો નકશો તૈયાર થાય ત્યારે દુકાનો ની સાઇઝ,ભરવાપાત્ર રકમ, કબ્જાે કેટલાં સમય માં આપી શકાશે વગેરે ની સમ્પૂર્ણ માહિતી ટૂંક સમયમાં લેખિતમાં આપવામાં આવશે.
એસોસિએશન ના પ્રમુખ વિજય ગોયલ, ઉપપ્રમુખ માંગીલાલ જૈન મંત્રી અરૂણ ત્રિપાઠી, સહમંત્રી ચિરાગ પોપટ અને કોષાધ્યક્ષ પ્રદીપ કોઠારી સહિત ના વેપારીઓએ આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વહીવટદાર ના ઠરાવ નં. ૨૦૨૩ તારીખ ૨/૭/૨૩ ના મુજબ માર્કેટ ને જમીન દોસ્ત કરવાનો ર્નિણય કર્યો છે
જેનાથી વાણિજ્ય દુકાનદારોને અવગત કરાયાં નથી, દુકાનો ખાલી કરવા કોઇપણ પ્રકારની લેખિત સૂચના નથી, સૂચિત માર્કેટ ની કોઈ માહિતી આપી નથી, દુકાનો કેટલાં સમય માં આપવામાં આવશે એનો પણ ખુલાસો નથી, જરૂરી ફેરફાર આધીન દુકાન ફાળવવામાં આવશે જેનો કોઈ સ્પષ્ટતા નથી તથા વૈકલ્પિક વ્યવસ્થા અંગે કોઇ ઉલ્લેખ નથી. વેપારીઓએ ઉપરોક્ત મુદ્દાઓ પર સ્પષ્ટતા તથા વૈકલ્પિક વ્યવસ્થા અથવા વળતરની માંગણી કરી છે.