ટ્રકે કારને એટલી જોરદાર ટક્કર મારી કે કાર ખેતરમાં પડીકું વળીને ફંગોળાઈ

મોરબીથી કડી જતા પરિવારની કારને ટ્રકે ટક્કર મારતા ચારના મોત-સુરેન્દ્રનગરનો દસાડા-પાટડી હાઈવે પર ગોઝારો અકસ્માત
સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરનો દસાડા-પાટડી હાઈવે પર આજે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોનાં કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. રૂસ્તમગઢ ગામના પાટીયા પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરિવાર મોરબી કડી તરફ જઈ રહ્યો હતો ત્યારે આ કાળમુખી ટ્રકે તેમની કારને કચડી નાંખી હતી.
જેમાં કાર રોડ પાસેના ખેતરમાં પડીકું વળીને ફંગોળાઈ હતી. હાલ મૃતદેહોને પાટડી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વીફ્ટ કારમાં સવાર થઈને કડી તરફ જઈ રહ્યા હતા. કાર દસાડા પાટડી હાઈવે તરફથી પસાર થઈ રહી હતી ત્યારે સામેથી માતેલા સાંઢની જેમ આવતી એક ટ્રકે સ્વીફ્ટ કારને જાેરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી કે, કાર ફંગોળાઈને પડીકા જેવી થઈ ગઈ હતી. કાર બાજુના ખેતરમા જઈને પટકાઈ હતી.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાજસ્થાન પાસિંગની ટ્રકને કારને ટક્કર મારી હતી. કારમાં સવાર ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિકો મદદે આવ્યા હતા, તેઓએ પોલીસને જાણ કરી હતી. જેથી દસાડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખાણ હજી થઇ શકી નથી પણ આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારન નામે બોલતી હોવાનું ખુલવા પામ્યું છે.