ટીટોડીએ ૪ ફૂટ ઉંચે ઈંડાં મૂકયાંઃ અવનવી લોકવાયકા
ચાર ઈંડાં મુકયા હોવાથી ૪ મહીના વરસાદ વરસવાનો સંકેતઃ ગ્રામીણ લોકોનો વરતારો
ગોડલ, ચોમાસું સારુ રહેવા પર સજીવ-નિર્જીવ સૌ કોઈનો આધાર છે. અર્થતંત્ર પણ સારા ચોમાસા પર નિર્ભર રહે છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અવનવી રીતે ચોમાસામાં સારો વરસાદ પડશે કે નહી? તેના વરતારા થતાં હોય છે. જેમાં હોળીની ઝાળની દીશાથી માંડીને ટીટોડી પક્ષીનાં ઈંડાંનો પણ સમાવેશ થઈ જાય છે.
ગોંડલ તાલુકામાં હાલ જુનવાણી લોકવાયકાઓના આધારે આવા જ વરતારા થવા લાગ્યા છે. કારણ કે અહી જામવાડી ગામે ટીટોડીએ જમીનથી ૪ ફૂટ ઉંચે કાંકરીના ઢગલા ઉપર ઈડાં મુકયા છે. જો ટીટોડી ૪ ઈંડાં મુકે તો તેને ૪ મહીના અને ૩ ઈંડાં મુકે તો ૩ મહીહના સુધી વરસાદ વરસવાનો સંકેત માનવામાં આવે છે. તે જ રીતે ંઈંડાંની સ્થિતી પરથી ઝડપી અથવા ધીમા વરસાદનો પણ વરતારો કરવામાં આવે છે.
ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકો અને ખેડૂતો હવામાનની આગાહી માટે કુદરતી સંકેતોનો સહારો લેતા હોય છે. જેમાં ટીટોડીના ઈડાં દ્વારા ચોમાસાની આગાહી કરવાની પરંપરા પણ ઘણી જુની માનવામાં આવે છે. ખેડૂતો માને છે કે, ટીટોડી આગામી ચોમાસું કેવું હશે ? તેને ધ્યાનમાં રાખીને ઈંડાં મુકવાની જગ્યા નકકી કરે છે. ટીટોડી દ્વારા ઉંચી જગ્યાએ ઈંડાં મુકવાથી પુષ્કળ વરસાદની શકયતા રહે છે.
અને નીચી જગ્યાએ ઈંડાં મુકવાથી ઓછા વરસાદની સંભાવના રહે છે. કારણ કં ટીટોડી વધુ વરસાદની શકયતા હોય છે. ત્યારે પોતાનાં ઈડાંને બચાવવા ઉંચા સ્થાને મુકે છે. બીજી બાજુ જો ટીટોડી ખેતરમાં અથવા ખાડામાં ઈંડા મુકે તો તે દુષ્કાળ જેવી સ્થિતીનો સંકેત માનવામાં આવે છે.