Western Times News

Gujarati News

પિતરાઈ ભાઈઓ પાકિસ્તાની હોવાનો આક્ષેપ કરી કાકાના દીકરાએ ચૂંટણી કાર્ડ કેન્સલ કરાવ્યા

અમદાવાદ, શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા એક સિંધી પરિવારમાં ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડામાં હવે પાકિસ્તાન વચ્ચે આવી ગયું છે. આ પરિવાર વચ્ચેની લડાઈ જાણે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધનું સ્વરુપ ધારણ કરી ચૂકી છે ત્યારે આ સમગ્ર મામલો હવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે.

એક જ પરિવારના કાકા-બાપાના ભાઈઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં અત્યારસુધી અનેક પોલીસ ફરિયાદો પણ થઈ ચૂકી છે. વર્ષો પહેલા આ ભાઈઓના માતાપિતા પાકિસ્તાનના સિંધથી ભારત આવ્યા હતા અને અમદાવાદના કુબેરનગરમાં સ્થાયી થયા હતા.

જાેકે, તેમાંથી એક ભાઈએ આખાય પરિવાર માટે ભારતની સિટીઝનશીપ લઈ લીધી હતી, જ્યારે બીજાએ તેમાં આળસ કરતાં હવે પ્રોપર્ટી બાબતે થયેલા ડખામાં પાકિસ્તાનનું કનેક્શન વચ્ચે આવી ગયું છે. કુબેરનગરમાં રહેતા મુરલી અને અનીલ પાપરિયાણી પર તેમના કાકા અને કાકાના દીકરાએ તેઓ પાકિસ્તાની હોવાનો આક્ષેપ કર્યો છે.

બંને ભાઈઓએ નકલી દસ્તાવેજાે દ્વારા ચૂંટણી કાર્ડ લઈ લીધું હોવાની રજૂઆત કરતા ઈલેક્શન કમિશને તેમનું ચૂંટણી કાર્ડ રદ્દ કરી દીધું હતું. એટલું જ નહીં, તેમણે આ જ રીતે પાસપોર્ટ પણ નકલી દસ્તાવેજાેના આધારે લીધો હોવાની તેમણે પાસપોર્ટ ઓફિસમાં ફરિયાદ આપતા આ મામલે પણ મુરલી અને અનીલને નોટિસ પાઠવવામાં આવી છે.

મુરલી અને તેનો ભાઈ પોતાના માતાપિતા સાથે ૧૯૮૦ના અરસામાં પાકિસ્તાનના સિંધથી અમદાવાદ આવ્યા હતા, તે વખતે બંને ભાઈઓ અવયસ્ક હતા, મતલબ કે તેમની ઉંમર ૧૮ વર્ષથી ઓછી હતી. મુરલી અને અનીલના માતાપિતાએ ઈન્ડિયા આવીને સિટીઝનશીપ મેળવવા માટેની જે કંઈ પ્રોસેસ હતી તે પૂરી કરીને ભારતનું નાગરિકત્વ મેળવી લીધું હતું.

જાેકે, મુરલી અને અનીલે તેના માટે ખાસ દરકાર નહોતી લીધી. ૧૯૮૦માં મુરલીના પિતા વાધુમલ સાથે તેમનો ભાઈ કોરોમલ પણ પરિવાર સાથે ઈન્ડિયા આવી ગયો હતો.

કોરોમલે પત્ની અને પોતાના દીકરા દિનેશને ભારતનું નાગરિકત્વ પણ અપાવી દીધું હતું. પાકિસ્તાનથી આવેલા વાધુમલ અને કોરોમલ પોતાના પરિવારો સાથે જાેડે જ રહેતા હતા. જાેકે, આગળ જતાં બંને પરિવારો વચ્ચે નાણાકીય વ્યવહાર તેમજ અન્ય બાબતોને લઈને ગંભીર મતભેદ ઉભા થયા હતા.

જેણે એટલું ગંભીર સ્વરુપ ધારણ કરી લીધું હતું કે બંને પરિવારો એકબીજા સામે પાછલા કેટલાક વર્ષોમાં અનેક પોલીસ ફરિયાદ પણ નોંધાવી ચૂક્યા છે.

બંને પરિવાર વચ્ચે ચાલી રહેલા વિખવાદ વચ્ચે દિનેશે પોતાના પિતરાઈ ભાઈઓ અનીલ અને મુરલી ભારતીય નહીં પરંતુ પાકિસ્તાની છે તેવો મુદ્દો ઉઠાવતા આ સમગ્ર મામલામાં એક નવો જ વળાંક આવ્યો હતો. દિનેશે તો એવી પણ ફરિયાદ કરી હતી કે મુરલી અને અનીલે બનાવટી દસ્તાવેજાે દ્વારા ચૂંટણી કાર્ડ અને ભારતીય પાસપોર્ટ કઢાવી લીધા છે.

બીજી તરફ, મુરલી અને દિનેશે ઈન્ડિયન સિટીઝનશીપ માટે અરજી કરી હતી, પરંતુ તેમણે ફેક દસ્તાવેજાે દ્વારા ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ કઢાવ્યા હોવાની વિગતો બહાર આવતા તેમની સિટીઝનશીપની પ્રક્રિયા પણ અટકાવી દેવાઈ છે. આખરે મુરલી અને અનીલે આ બાબતે ૨૦૨૧માં હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેમની વિરુદ્ધ જે કંઈ પગલાં લેવાયા છે તેને પડકાર્યા હતા.

સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન મુરલી અને અનીલના વકીલે કોર્ટમાં એવી દલીલ કરી હતી કે ચૂંટણી પંચ દ્વારા કુબેરનગરમાં વોટર આઈડી ઈશ્યૂ કરવા માટે એક કેમ્પ શરુ કરાયો હતો, જ્યાં દરેક લોકોને સિટીઝનશીપનો કોઈ પુરાવો માગ્યા વિના જ ચૂંટણી કાર્ડ ઈશ્યૂ કરાયા હતા. જેથી બનાવટી દસ્તાવેજ દ્વારા ચૂંટણી કાર્ડ અને તેના પર પાસપોર્ટ લીધા હોવાના આરોપ ટકી શકે તેમ છે જ નહીં.

મુરલી અને અનીલના વકીલે એવી પણ દલીલ કરી હતી કે બંને ભાઈઓ વર્ષોથી ઈન્ડિયામાં રહે છે, અને તેમની પત્નીઓ પણ ભારતની નાગરિક છે જેથી તે બંને પણ ભારતનું નાગરિકત્વ મેળવવા હક્કદાર બને છે.

આ કેસમાં દિનેશે પણ પાર્ટી તરીકે જાેડાવવા માટે અરજી કરી હતી. તેની દલીલ હતી કે આ બંને ભાઈઓ તેના પરિવાર માટે ખતરારુપ છે. જાેકે, કોર્ટે જુલાઈ ૨૦૨૨માં તેની અરજી ફગાવી દીધી હતી.

આ મામલે વધુ સુનાવણી હવે ૦૭ ફેબ્રુઆરીના રોજ હાથ ધરવામાં આવશે. કોર્ટે અનીલ અને મુરલીનું ચૂંટણી કાર્ડ રદ્દ કરવા મામલે ચૂંટણી પંચને પણ પોતાનો જવાબ રજૂ કરવા જણાવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.