વડોદરાની શાળામાં પરીક્ષાર્થી કરતા પેપર ઓછા મોકલાયા

વડોદરા, ધો.૧૦ અને ધો.૧૨ ની ગુજરાત બોર્ડ પરીક્ષાની સાથે સાથે સેન્ટ્રલ બોર્ડની પણ પરીક્ષા ચાલી રહી છે. આજે તેમાં પણ ગંભીર છબરડો સર્જાયો હતો. મળતી વિગતો પ્રમાણે આજે સેન્ટ્રલ બોર્ડના ધો.૧૨ના વિદ્યાર્થીઓનુ ઈકોનોમિક્સનુ પેપર હતુ અને શહેરના હરણી વિસ્તારમાં આવેલી બ્રાઈટ સ્કૂલમાં બોર્ડે આ પેપરની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા ઓછા પેપર મોકલતા દોડધામ થઈ ગઈ હતી.
સ્કૂલ ખાતે હાજર રહેલા બોર્ડ પરીક્ષાર્થીઓના વાલીઓના કહેવા પ્રમાણે આમ તો સવારે ૧૦ વાગ્યાથી પરીક્ષા શરૂ થવાની હતી અને એક વાગ્યે પૂરી થવાની હતી પણ સ્કૂલમાંથી કેટલાક વિદ્યાર્થીઓના વાલીઓને સંદેશો આપવામાં આવ્યો હતો કે, બોર્ડમાંથી પેપરની ઓછી કોપીઓ મોકલવામાં આવી છે એટલે કેટલાક વિદ્યાર્થીઓને પેપર આપવામાં વિલંબ થયો છે અને તેમની પરીક્ષા મોડી શરુ થઈ છે. આ પરીક્ષા બપોરે ત્રણ વાગ્યે પૂરી થશે. એટલે તમે તેમને ત્રણ વાગ્યે લેવા માટે આવજાે.
મળતી વિગતો પ્રમાણે સ્કૂલ પાસે બિલ્ડિંગમાં જ ફોટોકોપી મશિન હોવાથી પેપરની વધારાની નકલો કાઢીને વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ કવાયતમાં કેટલાક વિદ્યાર્થીઓની પરીક્ષા બે કલાક મોડી શરુ થઈ હતી. દરમિયાન સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બોર્ડના આ છબરડા પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ થવી જરુરી છે તેવી માંગ કરીને વાલીઓએ કહયુ હતુ કે, ફોટોકોપી મશિનમાંથી કાઢેલી પેપરની કોપીની કાયદેસરતા કેટલી? SS2.PG