પાણીની સમસ્યાના ઉકેલ માટે ગ્રામજનો તળાવ ઊંડા કરવા જરૂરી
લીકેજ-તૂટેલા ચેકડેમો રીપેર કરવાની સાથે અનરાધાર વરસાદથી ખેતરોમાં ભરાતા પાણી બોર મારફતે જમીનમાં ઉતારવાની જરૂરિયાત પર ભાર મૂકતા કિસાન સંઘના આગેવાન
(પ્રતિનિધિ) અમદાવાદ, ચોમાસાનો વરસાદ અને લોકમાતા નર્મદાનું પાણી એ ગુજરાતમાં પાણી માટે મુખ્ય સ્ત્રોત છે. જાે કોઈ વખત વરસાવ વધતો- ઓછો થાય તો પાણીની ખેંચ વર્તાતી હોય છે. ભૂતકાળમાં આપણે આ પ્રકારની સ્થિતિ જાેઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં પાણીની તીવ્ર ખેંચ જાેવા મળતી હોય છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં એપ્રિલ- મે મહિનો નીકાળવો કાઠો પડી જતો હોય છે કુવાઓ- બોરના તળ દિવસે દિવસે ઉંડા ઉતરી રહયા છે. પાણીની ખેંચના સંદર્ભમાં ગ્રામ્ય વિસ્તારોમાં નાના-મધ્યમ કક્ષાના ચેકમડે પહેલા બનાવવામાં આવ્યા હતા તે એકંદરે ખેડૂતોને ખૂબ જ રાહતરૂપ સાબિત થયા હતા
પરંતુ લાંબા સમય પછી આ ચેકડેમ જર્જરિત થઈ ગયા છે અગર તો તેમાંથી પાણી લીકેજ થતુ હોવાની ફરિયાદ કિસાન સંઘને પણ મળી છે કિસાન સંઘના સુત્રોનું માનવું છે કે ચેકડેમના રીપેરીંગની સાથે ગામડાવાળાઓ તળાવ ઉંડા કરવા રસ દાખવે તો પાણીનો પ્રશ્ન હળવો જરૂર થઈ શકે છે.
હાલમાં અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે તેની જગ્યાએ તળાવો ઉંડા કરાય- જૂના ચેકડેમ રીપેર કરાય અગર તો નવા નાના ચેકડેમ ઉભા કરાય તો પાણીનો સંગ્રહ થઈ શકે છે. ઘરે ઘરે નળ ધ્વારા પાણી આપવાની યોજનાને કારણે મોટાભાગના પાણીનો વપરાશ પીવામાં થઈ જશે.
પરિણામે ખેતી માટે જરૂરી જળ ઉપલબ્ધ થઈ શકશે નહિ તેથી ભવિષ્યમાં તળાવ કે ખેતરોમાં રહેલા બોર મારફતે ભૂગર્ભમાં ઉતારેલુ પાણી જ નાના- મધ્યમ કક્ષાના કિસાનો માટે આવકારદાયક રહેશે. ખાસ કરીને ગ્રામજનો સરકારની યોજના સાથે તળાવો ઉંડા કરવાની બાબતને અગ્રતા આપે તો પાણીના સંગ્રહની ક્ષમતા વધશે વળી વધારે વરસાદથી ખેતરોનું થતુ ધોવાણ પણ અટકી જશે.