સરદાર સરોવર ડેમની જળ સપાટી વધીને ૧૩૭.૬૦ મીટર થઈ ગઈ

નર્મદા, રાજ્યમાં ફરી મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે. ત્યારે રવિવારના રાતના ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના કુલ ૧૬૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ સાથે સરદાર સરોવર ડેમની સપાટીમાં પણ વધારો થયો છે. ૨૪ કલાકમાં ૧૨ સેમીનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની સપાટી ૧૩૭.૬૦ મીટર થઇ છે. નર્મદા ડેમના બે દરવાજા ખોલીને ૬૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઇ રહ્યુ છે.
આજે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૭.૬૦ મીટર થઈ ગઇ છે. ૨૪ કલાકમાં ડેમની જળ સપાટીમાં ૧૨ સેમીનો વધારો નોંધાયો છે. નોંધનીય છે કે, ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર થઇ છે. હાલ ડેમમાં ૬૫૮૮૧ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે.
આ સાથે બે દરવાજા ૦.૨૦ સેમી ખોલીને ૬૦૦૦ ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાંથી ૬૫,૩૭૪ ક્યુસેક પાણીની કુલ જાવક થઇ રહી છે.
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસે આવેલો ભાદર -૨ ડેમ ફરી ઓવર ફ્લો થયો છે. ડેમના ત્રણ દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામા આવ્યા છે. ડેમમાં ૧૨,૫૪૦.૦૩ ક્યુસેક પાણીની આવક સામે ૧૨,૫૪૦.૦૩ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમ ઓવરફ્લો થતા ભાદર ડેમ સાઈટના ૩૭ ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.
જેમાં ધોરાજી તાલુકાના ચાર ગામ ભોળા, ભોળ ગામડા, છાડવાવદર અને સુપેડીને એલર્ટ કરાયા છે. ઉપલેટા તાલુકાના ૧૫ ગામ, કુતિયાણાના ૧૦ ગામ, માણાવદરના ૪ ગામ અને પોરબંદરના ચાર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ લોકોને નદીના પટમાં ન જવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઉપલેટા પાસે આવેલો મોજ ડેમ પણ ઓવરફ્લો થયો છે. ઉપલેટા તાલુકાના મોજ ડેમનો એક દરવાજાે ૦.૨૫ ફૂટ ખોલવામાં આવ્યો છે.
ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલા મોજ ડેમમાં પાણીની નવી આવક નોંધાઈ છે.
મોજ ડેમની કુલ સપાટી ૭૨.૫૪ મીટર છે. પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળીયા, નવાપર, સેવંત્રા, ઉપલેટા, વાડલા ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સૂચના આપવામાં આવી છે.SS1MS