૨૫માંથી ૧૩ નદીઓનું પાણી પીવાલાયક તો શું નહાવાલાયક પણ નથી
અમદાવાદ, ગુજરાતની કેટલીક નદીઓનું પાણી પીવાલાયક તો દૂર નહાવાલાયક પણ નથી. ગુજરાતની સાબરમતી, ખારી, ભાદર, અમલાખાડી, વિશ્વામિત્રી અને ઢાઢર સૌથી વધુ પ્રદૂષિત નદીઓ છે.
જ્યારે મીંઢોળા, માહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપી નહીં ન્હાવાલાયક પ્રદૂષિત નદીઓના લિસ્ટમાં છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને ગુજરાતની નદીઓના પ્રદૂષણ અંગે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર કેવી રીતે ઉદાસીન છે? તે અંગે જણાવ્યું હતું.
કોંગ્રેસના કહેવા પ્રમાણે, લોકસભામાં કેન્દ્ર સરકારે નદીઓનાં પ્રદૂષણ ઘટાડવા અંગે વર્ષ ૨૦૨૨-૨૩માં એક પણ રુપિયો ફાળવ્યો છે. ભારતમાં ૬૦૩ નદીઓમાં પાણી શુધ્ધ નથી. સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી સાબરમતી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થીવરાજસિંહ કઠવાડીયાએ જણાવ્યું હતું કે, લોકસભામાં સાંસદના સવાલના જવાબમાં આ ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ગુજરાત રાજ્યની ૨૫ નદીઓમાંથી ૧૩ નદીઓના પાણી નહાવાલાયક નથી.
એક સમયે નદીના પાણી પીવાલાયક હતા પણ પ્રદૂષણના લીધે હવે તે નહાવાલાયક પણ નથી રહ્યા. લોકસભાના અહેવાલ મુજબ કેન્દ્રના પર્યાવરણ મંત્રીએ જણાવ્યું હતું કે, દેશની ૬૦૩ નદીઓના પાણીની શુદ્ધતાની ગુણવત્તા તપાસવામાં આવી તે પૈકી ૨૭૯ નદીઓના નીર ન્હાવાલાયક નથી.
ગુજરાત રાજ્યમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ૨૫ નદીઓના પાણીની ગુણવત્તા ૬૪ સ્થળો ઉપર ચકાસવામાં આવી હતી. સાબરમતીનું વેલ્યુ સ્તર સામાન્ય કરતા ૯૭ ઘણું વધારે છે. સંશોધનમાં ગુજરાતની ૧૩ નદીઓ પ્રદૂષિત હોવાનું તારણ મળ્યું છે.
આ માટે પાણી ગુણવત્તા તપાસવામાં આવી અને તેમાં BOD વેલ્યુ તપાસવામાં આવી હતી. BOD એટલે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ જે ૩ મિલિગ્રામ પ્રતિ લીટર સુધીનું હોવું જાેઈએ તો જ એ ન્હાવાલાયક ગણાય, જ્યારે સાબરમતીની BODવેલ્યુ સ્તર ૨૯૨ જેટલું આવ્યું તે સામાન્ય કરતા ૯૭ ઘણું વધારે મળી આવ્યું છે. જ્યારે ભાદર નદીનું BOD વેલ્યુ ૨૫૮.૬ છે જે સામાન્ય કરતા ૮૬ ઘણું વધારે મળી આવ્યું છે.
સાબરમતી, ભાદર, ખારી, ધાડર, અમલાખાડી, વિશ્વામિત્ર, મીંઢોળા, મહી, શેઢી, ભોગાવો, ભૂખી ખાડી, દમણગંગા, તાપીના નીર હવે ન્હાવાલાયક પણ નથી રહ્યાં. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩માં સૌથી વધુ ૬ પ્રદૂષિત નદીને એકપણ રુપિયો ન ફાળવીને ગુજરાતના પર્યાવરણને તમાચો માર્યો હોય તેવું લાગે છે.
ગુજરાતની સૌથી વધુ પ્રદુષિત નદીને સાફ કરવા માટે ન તો ગુજરાત સરકાર તૈયાર છે ન તો કેન્દ્ર સકાર. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જની અસર ગુજરાતની નદીઓની સ્થિતિ જાેઈને આંકી શકાય તેમ છે.
કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ચાબખાં મારતાં જણાવ્યું કે, સમગ્ર ભારતમાં બીજા નંબરની સૌથી વધુ પ્રદુષિત નદી સાબરમતીના કિનારે ચાઈનાના શી જિનપિંગને ઝુલે ઝુલાવ્યા, સી-પ્લેનના તાયફા, અટલ બ્રીજના તાયફા, વોટર સ્પોર્ટસ દ્રારા નદીના વિકાસ અંગે વાત થઈ પરંતુ સાબરમતીને પ્રદૂષણથી બચાવવામાં સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ છે.SS1MS