‘હાલના સમયમાં સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂર: સામંથા
મુંબઈ, સામંથા રુથ પ્રભુએ નાગ ચૈતન્યથી અલગ થવાનું નક્કી કર્યું ત્યારથી તેનો કપરો સમય ચાલી રહ્યો છે. ડિવોર્સ બાદ માનસિક રીતે તો તે વ્યથિત રહે જ છે, સાથે તેને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સામંથાને માયોસિટીસનું નિદાન થયું હતું, જે એક ઓટોઇમ્યુન સ્થિતિ છે.
તેના માટે હાલ સામંથાની સારવાર ચાલી રહી છે. બીમારી અને પીડામાંથી બહાર આવવા માટે સમગ્ર વિશ્વને આધ્યાત્મિકતાની જરૂર હોવાનું સામંથા માને છે. સામંથાએ થોડા સમયથી હેલ્થ પોડકાસ્ટની શરૂઆત કરી છે. તેની તબિયતના કારણે સામંથા વધુ આધ્યાત્મિક બની રહી હોવાનું તેણે જણાવ્યું હતું. તાજેતરનાં એક ઇન્ટરવ્યૂમાં સામંથાએ તેનાં જીવનના આ અનુભવો વિશે વાત કરી હતી.
“આપણે બધાં જ ઇચ્છીએ છીએ કે આપણે આપણા જીવનની અમુક બાબતો બદલી શકીએ, ક્યારેક હું એવું વિચારુ છું કે, જીવનમાં હું જે પરિસ્થિતિનો સામનો કરી રહી છું, તે ખરેખર જરૂરી હતું કે નહીં. પરંતુ જો હું જીવનમાં પાછી વળીને જોઉં છું તો લાગે છે કે મારું જીવન આથી અલગ જ હોઈ જ ન શકે.”
આધ્યાત્મિકતા બાબતે સામંથાએ કહ્યું,“હું થોડા વખત પહેલાં મારા મિત્ર સાથે આ અંગે ચર્ચા કરતી હતી અને હું હંમેશા વિચારું છું કે મારા જીવનના ત્રણ વર્ષ મારે જોઈતા નથી. પરંતુ હવે મને લાગે છે કે જીવન તમને જે પણ પડકારો આપે તેનો સામનો તમારે કરવો જ પડે છે.
અને તમે જેવા તે સ્થિતિમાંથી બહાર આવો કે તમે જીતી જાઓ છો. હાલ હું મારી જાતને પહેલાં ક્યારેય નહોતી તેટલી મજબૂત અને વિનમ્ર અનુભવું છું. કારણ કે અહીં સુધી પહોંચવા માટે હું જીવનની આગમાં તપી છું. તેને આધ્યાત્મિક જાગૃતિ કહી શકો છો.”
આજના સમયમાં આધ્યાત્મિકતાની જરૂરિયાત વિશે સામંથાએ જણાવ્યું, “આજના વિશ્વમાં આધ્યાત્મિકતાની સૌથી વધુ જરૂરિયાત છે કારણ કે હાલ બહુ જ પીડા અને બીમારીઓ છે. મને લાગે છે કે આધ્યાત્મિકતા તમારો શ્રેષ્ઠ મિત્ર અને શક્તિનો એક અખૂટ સ્ત્રોત બની શકે છે.”
સામંથાએ વરુણ ધવન સાથે ‘સિટેડાલ’ કર્યા બાદ એક બ્રેક લઈ લીધો છે. આ સિરીઝનું ભારતનું વર્ઝન ‘સિટાડેલ –હની બની’ કહેવાય છે. જેમાં સામંથા અને વરુણ હાર્ડકોર એક્શન સીનમાં જોવા મળશે. ઓગસ્ટથી સામંથા ફરી શૂટ અને કામ શરૂ કરશે.
તેણે જણાવ્યું,“હું મારાથી થાય એટલાં બધાં જ પ્રયત્નો કરવા ઉત્સુક છું. હું મારા નવા રોલ માટે હાલ ટ્રેઇનિંગ પણ કરી રહી છું. મેં એવા પ્રોજેક્ટ્સ સાઇન કર્યા છે, જે મને કશુંક નવું શીખવા તરફ ધક્કો મારે છે એ મને બહુ ગમે છે.”સામંથાની સિટાડેલ આ વર્ષ દરમિયાન એમેઝોન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થશે.SS1MS