પત્નીને થાઈલેન્ડ ટ્રીપની ખબર ના પડે એટલે પાસપોર્ટના પાનાં ફાડયાંઃ પછી શું થયું?

થાઈલેન્ડ જઈને જલસા કરી આવનારો પતિ ફસાયો-શખ્સ માલદિવ્ઝ જવા એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે ચેકિંગ દરમિયાન તેના પાસપોર્ટમાં ચેડા થયા હોવાનું જણાયું
પુણે, પોતે થાઈલેન્ડ જઈ આવ્યો છે તેની પત્નીને ખબર ના પડી જાય તે માટે એક વિચિત્ર કરતૂત કરનારા પતિને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. વાત એમ છે કે આ મહાશય થાઈલેન્ડ ફરીને આવ્યા ત્યારબાદ તેમણે પોતાના પાસપોર્ટમાંથી કેટલાક પાનાં ફાડી નાખ્યા હતા.
જાેકે, ગુરુવારે તેઓ માલદિવ્ઝ જવા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ચેકિંગ દરમિયાન તેમના પાસપોર્ટમાં ચેડા થયા હોવાનું લાગતા ઈમિગ્રેશન કાઉન્ટર પર તેમને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી. પાસપોર્ટને ચેક કરતાં અધિકારીઓના ધ્યાન પર આવ્યું હતું કે તેમાંથી કેટલાક પાનાં ગુમ છે.
આ મામલે મુંબઈના સહાર પોલીસ સ્ટેશનમાં સમદર્સી યાદવ (ઉં. ૩૨ વર્ષ) નામના શખસ સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરવામાં આવી છે. તેના પેજમાંથી ૧૦ પાનાં ગુમ છે. પોલીસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ૨૦૧૯ પહેલા તે અવારનવાર થાઈલેન્ડ જતો હતો. આ જ વર્ષમાં તેના લગ્ન થયા હતા, પરંતુ પત્નીને પોતાની થાઈલેન્ડ ટ્રીપની ખબર ના પડી જાય તે માટે તેણે પાસપોર્ટના પાનાં ફાડી નાખ્યા હતા.
એફઆઈઆરમાં જણાવ્યા અનુસાર, આરોપીએ પોતાના પાસપોર્ટમાંથી પાના નંબર ૩થી ૬ અને ૩૧થી ૩૪ ફાડી નાખ્યા છે. ૨૦૧૯ની પોતાની થાઈલેન્ડની ટ્રાવેલ હિસ્ટ્રી છૂપાવવા માટે તેણે આ કરતૂત કરી હતી. પોલીસે શુક્રવારે આરોપીને અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેને ૨૫ હજાર રુપિયાના જામીન પર છોડી દેવા હુકમ કરવામાં આવ્યો
હતો. સમદર્શી યાદવ સામે કલમ ૪૨૦ (ચિટિંગ), ૪૬૫ (બનાવટ), ૪૯૮ અને ૪૭૧ (ચેડા કરાયેલા દસ્તાવેજને અસલી દસ્તાવેજ તરીકે વાપરવા બદલ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, આરોપીના વકીલ સંજય તિવારીએ જણાવ્યું હતું કે તેમના અસીલ નિર્દોષ છે. તેમણે પાસપોર્ટમાં કોઈ ચેડા નથી કર્યા અને તેમનો પાસપોર્ટ જેન્યુઈન છે.
પોલીસે જે કલમ તેમની સામે લગાવી છે તે પણ ટકી શકે તેમ નથી તેવું વકીલે કહ્યું હતું. તેમણે તો ત્યાં સુધી કહ્યું હતું કે આ મામલો પાસપોર્ટ એક્ટનો છે, કારણકે તેનું બાઈન્ડિંગ યોગ્ય ના હોવાના કારણે પાસપોર્ટમાંથી કેટલાક પાનાં છૂટા પડી ગયા છે.