ખારીકટ કેનાલની કામગીરી 4 મહિના માટે ખોરંભે ચઢી
(એજન્સી) અમદાવાદ, અમદાવાદ શહેરના સૌથી મોટા પ્રોજેક્ટ એવા પૂર્વ વિસ્તારના ખારીકટ કેનાલ પ્રોજેક્ટની કામગીરી હવે આગામી ચોમાસાને લઈ ચાર મહિના સુધી બંધ રાખવામાં આવશે.
ખારીકટ કેનાલની ૫૦ ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પૂર્વ વિસ્તારનું વરસાદી પાણી ખારીકટ કેનાલમાં આવે છે. જેથી કામગીરીના પગલે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે અને ઝડપી થાય તેને લઈ આજે મ્યુનિસિપલ કોર્પોરેશનને શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ અને વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરીયા એક ખારીકટ કેનાલ પ્રોજેક્ટ અને ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી. ખારીકટ કેનાલમાં ૬૪ વરસાદી સ્તંભ મૂકી ૧૧૨ પંપ મૂકવામાં આવ્યા છે. જેથી, ઝડપી પાણીનો નિકાલ થઈ શકશે.
મ્યુનિસિપલ વોટર સપ્લાય કમિટીના ચેરમેન દિલીપ બગરિયાએ જણાવ્યું હતું કે, ખારીકટ કેનાલની કામગીરી ચાલી રહી છે. ચોમાસાના કારણે હવે કામગીરી બંધ કરવામાં આવશે. વરસાદ પડે ત્યારે નાગરિકોને હાલાકી ન પડે તે હેતુસર માટીના પાળા ખોલી નાંખવામાં આવ્યા છે અને વિવિધ સ્થળે પંપ મૂકાયા છે. ખારીકટ કેનાલની કામગીરી માટે હાલ માટીનો એક જ પાળો છે.
જેમાં હિટાચી મશીન મૂકીને દૂર કરી દેવા માટે તાકીદ કરાઈ છે. ખારીકટ કેનાલમાંથી પાણીનો નિકાલ કરવા માટે મૂકાયેલા પંપોના ઈનલેટ ખોલી નાંખવામાં આવ્યા છે. ખારીકટ કેનાલને સમાંતર આવેલ ૩૦ સ્ટ્રોમ વોટર પંપીંગ સ્ટેશનમાં ૭૧ પંપ મૂકવામાં આવ્યા છે તેમજ જી્ઁ ડીપાર્ટમેન્ટ દ્વારા ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સની કામગીરી જુદી-જુદી એજન્સીઓને સોંપવામાં આવી છે.