Western Times News

Gujarati News

માનવ નિર્માણનું કાર્ય સૌથી કઠિન છતાં આવશ્યક છે : રાજ્યપાલ

સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૫ માં દીક્ષાંત સમારોહ પ્રસંગે પદવી ધારકોને શુભકામના પાઠવતા રાજયપાલ આચાર્ય દેવવ્રત

(માહિતી) અમદાવાદ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના ૬૫ માં દીક્ષાંત સમારોહમાં પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, માનવીનું નિર્માણ કરવું સૌથી કઠિન છતાં જરૂરી છે, આ મહત્વપૂર્ણ કઠિન કાર્ય જવાબદાર શિક્ષક જ કરી શકે છે. શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ ચરિત્રવાન અને જવાબદાર તેમજ રાષ્ટ્ર પ્રતિ સમર્પણ ભાવ રાખનારા શ્રેષ્ઠ નાગરિક દ્વારા જ થઈ શકે છે, જેનું ઘડતર શિક્ષણ સંસ્થાઓમાં થાય છે. પ્રાચીન ભારતમાં ગુરુકુળ શિક્ષણ પરંપરામાં દીક્ષાંત સમયે ગુરુ પોતાના શિષ્યોને અવશ્ય કહેતા કે, સત્યના માર્ગ પર, કર્તવ્ય ધર્મનું પાલન કરી, સતત સ્વાધ્યાયરત રહીને, સદ્દગુણોને ધારણ કરીને જીવનમાર્ગ પર આગળ વધો.
તેમણે વિદ્યાર્થીઓ ભૌતિક શિક્ષણની સાથે જીવન શિક્ષણના, રાષ્ટ્ર ભક્તિના પાઠ શીખે ત્યારે જ સાચા અર્થમાં વ્યક્તિ શિક્ષિત થાય છે. તેમ જણાવી કહયું હતુ કે, સદ્દવિચારથી

શ્રેષ્ઠ વાણી અને શ્રેષ્ઠ કર્મનું નિર્માણ થાય છે, અને સદ્દવિચાર માટે મૂલ્યનિષ્ઠ શિક્ષાની આવશ્યકતા છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી જેમના નામ સાથે સંકળાયેલી છે, તેવા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વયં પ્રત્યેક ભારતીય માટે પ્રેરણાસ્ત્રોત છે. અખંડ ભારતના નિર્માણ માટે જીવનપર્યંત યોગદાન આપનારા સરદાર પટેલ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત ભાવથી સતત કાર્ય કરવા પ્રત્યેક દેશવાસીને પ્રેરણા આપે છે.

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે દીક્ષાંત સમારોહને ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે, જે લક્ષ્ય સાથે વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિશ્વવિદ્યાલયમાં આવ્યા તે જ્ઞાન સાધના દ્વારા રાષ્ટ્રના જવાબદાર – કૌશલ્યવાન શ્રેષ્ઠ નાગરિક બની શક્યા છે કે નહીં, તેનું ચિંતન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ વિચારવું જાેઈએ કે, માતા-પિતા, પરિવાર પ્રત્યે પોતાનું શું ઉત્તરદાયિત્વ છે, સમાજ પ્રત્યે અને રાષ્ટ્ર પ્રત્યે તે કેટલા જવાબદાર છે, તેનો ઉત્તર વિદ્યાર્થીએ શોધવાનો છે. અન્યના સુખ દુઃખને પોતાના સુખ દુઃખ

માનનારા વ્યક્તિનું નિર્માણ જ આપણું લક્ષ્ય છે. રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, ભૌતિક વિકાસની સાથે સાથે ભારતીય જીવન મૂલ્યોનો જે હ્રાસ થઈ રહ્યો છે, તે ચિંતાનો વિષય છે. ઘટી રહેલાં પારિવારિક મૂલ્યો ચિંતા ઉપજાવે છે. આજે અધિકારોની વાત થઈ રહી છે, પરંતુ કર્તવ્ય પાલનની દ્રઢતા કોઈ દર્શાવતા નથી. જાે પ્રમાણિકતાથી જવાબદાર નાગરિક બનીએ તો ભારતને વિશ્વ ગુરુ બનતા કોઈ નહીં રોકી શકે.

પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ ભારતીય સંસ્કૃતિના જીવનમૂલ્યોને સફળ જીવનનો આધાર બનાવવા અનુરોધ કર્યો હતો. સદ્દગુણોનો સ્વીકાર અને બુરાઈઓને તિલાંજલિ આપી રાષ્ટ્ર સર્વોપરીતાના ધ્યેય સાથે જવાબદાર નાગરિક બનવા સૌ પુરૂષાર્થ કરે તેવી ભાવના વ્યક્ત કરી પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના ઉજ્વળ ભવિષ્ય માટે રાજયપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કુલપતિ અને ઈન્ટરનેશનલ લો કમિશન – યુ.એન.ના સભ્યશ્રી ડૉ. બિમલ પટેલે દિક્ષાંત પ્રવચન કરતાં વિદ્યાર્થીઓને સરદાર પટેલના આદર્શ મૂલ્યો અને વિચારોને અનુસરવાની સાથે ગુરૂજનોએ શીખવેલા નૈતિક મૂલ્યોને અનુસરવું એ આપણી પવિત્ર ફરજ હોવાનું કહ્યું હતું. ડૉ. પટેલે સરદાર પટેલ યુનિવર્સિટીએ સરહદના સીમાડાઓ ઓળંગીને જ્ઞાનના વટવૃક્ષ તરીકેની ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેમ જણાવી ઉપસ્થિત વિદ્યાર્થીઓને તેઓ જયારે જ્ઞાનનું ભાથું લઇને શિક્ષણની દુનિયામાંથી બહાર આવી એક નવતર જીવનનો પ્રારંભ કરવા જઇ રહ્યા છે, ત્યારે આદર્શ ભારતના સર્જનમાં યુવાનોને પોતાની મહત્વની ભૂમિકા પ્રમાણિકતા અને ખંતથી નિભાવવાની સાથે પદવીધારક યુવાઓને તેમનું લક્ષ્ય માત્ર મેડલ મેળવવાનું ન રાખતા તેમના માતા-પિતાએ સેવેલા સપનાંને ઉજાગર કરવાની સાથે જ્ઞાનને સતત વહેંચતા રહેવાની પ્રક્રિયા અવિરત ચાલુ રહે તે જાેવાની શીખ આપી હતી.

ડૉ. બિમલ પટેલે કઠોર પરિશ્રમથી કૌશલ્યને સહેલાઇથી પ્રાપ્ત કરી શકાય છે, તેમ જણાવી બીજાના નહીં પણ પોતાના પ્રતિસ્પર્ધી બનવાનું જણાવી આર્થિક સફળતા સામાજિક જીવન ઉપર સવાર ન થાય તે માટે સજાગ રહેવાની સાથે દરેક કાર્ય સભાનતા અને સજાગતાથી કરવા કહયું હતું. તેમણે યુવાનોને નિષ્ફળતાઓ વિશે ચિંતા ન કરતાં જીવનમાં નવી દિશાઓ અને નવી તકોને શોધતા રહી જીવનમાં આગળ વધતા રહેવાનો મંત્ર આપી ૨૦૪૭ ના ભારતની પરિકલ્પના મુજબ ભારત તમામ ક્ષેત્રે વિશ્વ ગુરૂ બને તે દિશામાં કામ કરતા રહી જીવનમાં આગળ વધવા યુવાઓને અનુરોધ કરી પદવીધારક વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડૉ. નિરંજનભાઇ પટેલે સ્વાગત પ્રવચન કરી સરદાર પટેલ યુનિવર્સિટીએ શૈક્ષણિક સહિત વિવિધ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓ વર્ણવી હતી. આ પ્રસંગે કુલાધિપતિ અને રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે વિવિધ વિદ્યાશાખાના ૧૦૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ/ગોલ્ડ પ્લેટેડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જયારે સરદાર પટેલ યુનિવર્સિટીની વિવિધ ૧૧ વિદ્યાશાખાઓના ૧૮,૧૯૩ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી હતી.

જેમાં આર્ટસ ફેકલ્ટીના-૪૪૫૦, સાયન્સ ફેકલ્ટીના-૬૦૬૭, એન્જિનિયરીંગ એન્ડ ટેકનોલોજીના-૧૩૮, કોમર્સ ફેકલ્ટીના-૩૯૧૧, મેનેજમેન્ટ ફેકલ્ટીના-૬૫૩, લૉ ફેકલ્ટીના-૯૩૯, એજયુકેશન ફેકલ્ટીના-૯૫૪, હોમ સાયન્સ ફેકલ્ટીના-૧૮૪, હોમિયોપેથી ફેકલ્ટીના-૧૭૯, ફાર્માસ્યુટિકલ સાયન્સ ફેકલ્ટીના-૦૯ અને મેડીસીન એન્ડ સર્જરી ફેકલ્ટીના-૭૦૯ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે સંશોધન ક્ષેત્રે કામગીરી કરનાર પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓને કુલાધિપતિ અને રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શ્રી દાદાભાઇ નવરોજી અને સરદાર પટેલ રીસર્ચ એવોર્ડ અંડર સ્ટુન્ડન્ટ અને ટીચર્સ કેટેગરીના એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલસચિવ શ્રી ભાઇલાલભાઇ પટેલ, વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ, કલેકટર શ્રી ડી. એસ. ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રવિણ કુમાર, સિન્ડીકેટ સભ્યો, વિવિધ ફેકલ્ટીના ડીનશ્રીઓ, પ્રાચાર્યગણ, પ્રાધ્યાપકશ્રીઓ, વિવિધ સામાજિક-શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ, પદવીધારક વિદ્યાર્થીઓ, યુનિવર્સિટીના અધિકારી/કર્મચારીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.