Western Times News

Gujarati News

અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રિડેવલપમેન્ટનું કામકાજ સૌથી વધારે

અમદાવાદમાં જુની સોસાયટીઓનું રિડેવલપમેન્ટ કામકાજ ઝડપી બન્યું -રિડેવલપમેન્ટનું કામકાજ સૌથી વધારે નવરંગપુરા, નારણપુરા, પાલડી તેમજ મેમનગર જેવા પોશ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે

અમદાવાદ, છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં જુની સોસાયટીઓનું રિડેવલપમેન્ટનું કામકાજ એટલું ઝડપી બની રહ્યું છે કે શહેરનો દેખાવ જ જાણે તેનાથી ધીરેધીરે બદલાઈ રહ્યો છે. છેલ્લા આઠ મહિનામાં અમદાવાદની ૫૦ જેટલી સોસાયટીઓએ રિડેવલમેન્ટની ડીલ ફાઈનલ કરી નાખી છે, અને ૪૦૦ જેટલી સોસાયટીઓ હાલ રિડેવલપમેન્ટના સોદાના આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે.

રિડેવલપમેન્ટનું કામકાજ સૌથી વધારે અમદાવાદના નવરંગપુરા, નારણપુરા, પાલડી તેમજ મેમનગર જેવા પોશ વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે, અને તમાંય તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે વર્ષોથી જેનું કામકાજ ટલ્લે ચઢ્યું હતું તેવી અમુક સોસાયટીઓના રિડેવલપમેન્ટનો રસ્તો સાફ કરી નાખતા જૂની થઈ ચૂકેલી સેંકડો સોસાયટીઓ પણ રિડેવલપમેન્ટ માટે આગળ આવી રહી છે. જૂની સોસાયટીઓ તોડીને નવી સોસાયટીઓ બનાવવાના કામમાં પ્રગતિ થતાં આ વિસ્તારોમાં હાલ ભાડાંનાં મકાનોની ડિમાન્ડ પણ જોરદાર વધી છે.

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં નવા બાંધકામ માટે કોઈ જગ્યા ના રહી હોવાથી મોટી સંખ્યામાં લોકો શહેરની આસપાસ ડેવલપ થઈ રહેલા નવા વિસ્તારોમાં શિફ્ટ થતા હતા, પરંતુ હવે આવા લોકો પણ પોતાની જ સોસાયટીનું રિડેવલપમેન્ટ થતું હોય તો તેને પહેલું પ્રાધાન્ય આપીને વર્ષોથી જે એરિયામાં રહ્યા હોય તે એરિયા છોડવાનું ટાળી રહ્યા છે.

અર્બન રિડેવલપમેન્ટ હાઉસિંગ સોસાયટી વેલફેર અસોસિએશનના પ્રમુખના જણાવ્યા અનુસાર જંત્રીના દરમાં વધારો થયા બાદ થોડા સમય માટે રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ્‌સ પર બ્રેક વાગી ગઈ હતી. તેનું કારણ એ હતું કે અગાઉ જે સોદો થયો હોય તેની સરખામણીએ જંત્રીના દર વધી જતાં ડેવલપર્સ પણ ભીંસમાં આવી ગયા હતા.

જોકે, નવા જંત્રી દર લાગુ થયાના બે મહિના બાદ હવે રિડેવલપમેન્ટના કામકાજમાં ફરી ઝડપ આવી છે. અમદાવાદ શહેરમાં જ છેલ્લા આઠ મહિનામાં રિડેવલપમેન્ટના ૫૦ જેટલા સોદા ફાઈનલ થઈ ચૂક્યા છે અને બીજી ૪૦૦ જેટલી સોસાયટી પણ રિડેવલપમેન્ટ માટે તૈયાર છે.

નિયમ અનુસાર કોઈપણ સોસાયટીના ૭૫ ટકા સભ્યો જો સહમતી આપે તો રિડેવલપમેન્ટના કામકાજને અટકાવી નથી શકાતું. જોકે, અમુક સોસાયટીઓના લઘુમતી સભ્યોએ રિડેવલપમેન્ટ સામે વાંધો ઉઠાવતા આવા કેસ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. હાઈકોર્ટે પણ આવા તમામ કેસમાં રિડેવલપમેન્ટની તરફદારી કરનારા સભ્યોની તરફેણમાં ચુકાદા આપતા હવે વધુને વધુ સોસાયટીઓ તેમાં રસ બતાવી રહી છે.

અમદાવાદના પોશ વિસ્તારોમાં આવેલી ૨૫ વર્ષથી જૂની મોટાભાગની સોસાયટીઓમાં પાર્કિંગથી લઈને એમિનિટિઝ સહિતની કોઈ સુવિધા ભાગ્યે જ ઉપલબ્ધ છે. એટલું જ નહીં બાંધકામ જૂનું થઈ જતાં અમુક સોસાયટીઓ તો રહેવાને લાયક પણ નથી રહી તેવામાં રિડેવલપમેન્ટ જ આખરી વિકલ્પ રહે છે, પરંતુ અમુક સભ્યોના વિરોધને કારણે રિડેવલપમેન્ટ અટકી જતું હોવાથી સોસાયટીના બહુમતી સભ્યોને પણ તેમના લીધે વગર કારણે રાહ જોવી પડતી હોય છે.

જોકે, ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં જ આપેલા ચુકાદાઓથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે જો સોસાયટીના ૭૫ ટકા સભ્યો સહમત હોય તો તેનું રિડેવલપમેન્ટ અટકાવી ના શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.