અંકલેશ્વરમાં એટીએમને નિશાન બનાવનાર યુવક ઝડપાયો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરમાં એસબીઆઈના એટીએમને તોડી ચોરીનો પ્રયાસ થતા પોલીસતંત્ર દોડતું થઈ ગયું હતું.ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ક્રાઈમ બ્રાન્ચ સહીત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.ગણતરીના સમયમાં તસ્કર અંકલેશ્વરના નવી દીવી ગામમાં હોવાની પોલીસને બાતમી મળતા ક્રાઈમ બ્રાન્ચ અને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે જાેઈન્ટ ઓપરેશન હાથધરી એટીએમ ચોરીનો પ્રયાસ કરનાર ચોરને ઝડપી પાડ્યો છે. આરોપી મન ઉર્ફે ગોલુ તુકારામ વેડેકરને સોમનાથની જાત્રા કરવા માટે રૂપિયા ૫૦૦૦ ની જરૂર હતી જેણે ૫૦૦૦ રૂપિયા મેળવવા એટીએમ તોડવાનો પ્રયાસ કરતા ભરૂચ પોલીસે જેલ યાત્રાએ મોકલી આપ્યો હતો.
પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ તરફથી મિલ્કત સંબંધી ગુનાઓમાં નિયંત્રણ લાવવાના ઉદેશની જીલ્લા પોલીસને અસરકારક નાઈટ પેટ્રોલીંગ રાખવા તથા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી એકશન પ્લાન તૈયાર કરી તે દિશામાં અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવી છે.
ગત ૧૦/૦૨/૨૦૨૩ ના રોજ વહેલી સવારે અંકલેશ્વર શહેર ભરૂચી નાકા પાસે રમણ મુળજીની વાડીમાં આવેલ એસબીઆઈ બેંકનું એટીએમ તોડી રોકડ રકમ કાઢવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું હતું.બનાવની ગંભીરતાને ધ્યાને લઈ નાયબ પોલીસ અધિક અંકલેશ્વર વિભાગ ચિરાગ દેસાઈ,પોલીસ ઈન્સ્પેકટર આર.એચ.વાળા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન તથા પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી ભરૂચ નાઓએ જુદી-જુદી ટીમો બનાવી ઉપરોકત ગુનાના આરોપીને શોધી કાઢવા માટે કાર્યવાહી હાથધરી હતી.