લોકોના વાહનોમાં પંચર પાડવાના શોખને કારણે યુવકને જેલની હવા ખાવી પડશે
અંકુર વિસ્તારમાં યુવક ભેદી રીતે કપડા ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને પંચર પાડે છે-100થી વધુ વાહનમાં પંચર પાડીને ‘વિકૃત’ આનંદ લૂંટતા યુવકથી લોકો ત્રાહિમામ
(એજન્સી)અમદાવાદ, શહેરના અંકુર વિસ્તારમાં આવેલી હરિપાર્ક સોસાયટીમાં રહેતા એક યુવકનો પંચર પાડવાનો વિકૃત શોખ લોકોને ભારે પડતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાજિત ૧૦૦થી વધુ વાહનોને પંચર પાડીને યુવકે અનેરો આનંદ લીધો હતો. આ મામલે સ્થાનિકો વિરોધ કરે તો તેમની સાથે યુવક મારઝૂડ કરતાં પણ અચકાતો નથી. સોસાયટીમાં રહેતી મહિલાઓએ તેના વિરૂદ્ધ ૩૦થી વધુ અરજીઓ પણ કરી છે.
યુવક બાઈક લઈને બહાર જાય, ત્યાર બાદ કપડાં, ટોપી તેમજ મોઢા પર રૂમાલ બાંધીને ભેદી રીતે આવતો હતો. ત્યારબાદ વાહનોને પંચર પાડીને જતો રહેતો હતો. બે દિવસ પહેલાં યુવકે સોસાયટીના રહીશો પર હુમલો કરતાં મામલો સામે આવ્યો છે.
અંકુર વિસ્તારમાં આવેલા આશિષ બંગલોઝમાં રહેતા આશિષ પટેલે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ધવલ પટેલ (રહે.હરિપાર્ક સોસાયટી, અંકુર) વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ કરી છે. આશિષ પટેલની સામેની સોસાયટીમાં ધવલ પટેલ રહે છે, જે કોઈને કોઈ કારણોસર સોસાયટીના રહીશો સાથે અવારનવાર બોલાચાલી તથા ઝઘડો કરે છે. ધવલ પટેલ અને સોસાયટીના રહીશો વચ્ચે સામસામે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદો થઈ હતી.
આશિષ સોસાયટીમાં પાર્ક કરેલાં વાહનોમાં પંચર પાડનાર વિકૃત યુવકને ઝડપી પાડવા માટે સભ્યોએ નક્કી કર્યું હતું. હરિપાર્ક સોસાયટીના પણ રહીશોએ આશિષ સોસાયટીના રહીશોને સાથ આપ્યો હતો. રહીશોએ તપાસ કરી ત્યારે ખબર પડી કે હરિપાર્ક સોસાયટીમાં રહેતો ધવલ પટેલ આ કૃત્ય આચરી રહ્યો છે. પહેલાં ધવલ પટેલ બાઈક લઈને બહાર જાય છે. ત્યારબાદ પોતાનાં કપડાં બદલે છે અને મોઢા પર ટોપી-રૂમાલ બાંધીને આવે છે. ચાલતાં ચાલતાં ધવલ પટેલ આવીને વાહનોને પંચર પાડીને જતો રહે છે.
તા.૧૮ જાન્યુઆરીના રોજ હરિપાર્ક સોસાયટીમાં રહેતા પાર્થ બ્રહ્મભટ્ટની બાઈકમાં ધવલ પટેલે પંચર પાડતો હોય તેવું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે. સોસાયટીના રહીશોએ ધવલ પટેલને આવું કૃત્ય નહીં કરવા માટે પણ સમજાવ્યો હતો, પરંતુ તે કોઈની વાત સમજતો નથી. સોસાયટીના માણસો મારી નોંધ લેતા નથી તેવું કહીને ધવલ પટેલ ઉડાઉ જવાબ આપીને જતો રહે છે.
ધવલ અવારનવાર સોસાયટીના રહીશો સાથે બબાલ પણ કરે છે અને ગાળો પણ આપે છે. ધવલ હરિપાર્ક સોસાયટીના રહીશોને ફસાવવા માટે પોલીસ કંટ્રોલરૂમમાં પણ ફોન કરતો હતો, જ્યારે મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચે ત્યારે પોલીસ સામસામે ફરિયાદ લેતી હતી.
તા.૨૭ જાન્યુઆરીના રોજ આશિષ પટેલ તેમના મિત્ર સાથે બેઠા હતા ત્યારે ધવલ પટેલ આવ્યો હતો અને જોરજોરથી બોલવા લાગ્યો હતો કે તમે સોસાયટીના રહીશોએ મારા વિરુદ્ધ ઘણી બધી ફરિયાદો કરી હતી તો પોલીસે મારું શું બગાડી લીધું છે ? ધવલે આશિષ પટેલને ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું, જેથી તેણે ગાળો બોલવાની ના પાડતાં મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
ધવલ આશિષ પટેલના મોઢા પર ફેંટો મારવા લાગ્યો હતો. આશિષ સોસાયટીના કારોબારી સભ્ય અતુલ પટેલ છોડાવવા વચ્ચે પડતાં ધવલે તેમના ઉપર પણ હુમલો કરી દીધો હતો. ધવલ રસ્તા પર પડેલી લાકડી લાવ્યો હતો અને આ બંનેને મારવા લાગ્યો હતો.
ધવલે હુમલો કરતાં આશિષ પટેલ સહિતના લોકો નારણપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમણે ફરિયાદ આપી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.