Western Times News

Gujarati News

જવેલર્સને લુંટવાનો પ્લાન કરી રહેલા યુવકોને પોલીસે રિવોલ્વર સાથે ઝડપી લીધા

પ્રતિકાત્મક

પાલનપુર, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાંથી ઉત્તર પોલીસે દેશી બનાવટની રિવોલ્વર સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. ત્રણે જણા પાલનપુરની જવેલર્સને લુંટવાનો પ્લાન બનાવી રહ્યા હતા. પોલીસે રિવોલ્વર આપનાર તેમજ કારતુસ રાખનાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા ઉત્તર પોલીસ મથકના કોન્સ્ટેબલ જે.ડી.પરમારને બાતમી મળી હતી કે, ડીસાના નહેરુનગર ટેકરા વિસ્તારમાં ત્રણ શખ્સો દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરી રહ્યા છે જેથી પોલીસના માણસોએ સ્થળ પર જઈ તપાસ કરતાં નહેરુનગર ટેકરામાં કબીર આશ્રમની પાછળ તુરી બારોટ વાસ તરફ જતા રસ્તા ઉપર એક મોટરસાયકલ પર ૩ શખ્સો ઉભા હતા

જેથી પોલીસને જાેઈને ભાગવા જતાં પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસે હિતેશપુરી ઉર્ફે એકશન બાબુપુરી ગોસ્વામી, રાહુલ ઉર્ફે પ્રતિક બાબુભાઈ ઠાકોર તેમજ વિષ્ણુજી ઈશ્વરજી ઠાકોરને પકડીને પુછપરછ કરતાં હિતેશપુરી પાસેથી દેશી બનાવટની રિવોલ્વર અને એક જીવતો કારતુસ મળી આવ્યા હતા.

વધુ પુછપરછ કરતાં આ રિવોલ્વર જયારે તે પાલનપુર જેલમાં હતો ત્યારે જેલમાં જીતેન્દ્ર ઉર્ફે ટીલ્લુ તોમર (રહે. મુરેના, જિ.ઉજ્જૈન, મધ્યપ્રદેશ) સાથે મુલાકાત થયેલી તેની પાસેથી રિવોલ્વર ખરીદી હતી તેમજ બીજા જીવતા કારતુસ પાલનપુરના ઈમરાન ઉર્ફે ભુરા સિંધી પાસે હોવાનું જણાવ્યું હતું.

આ તમામ શખ્સો પાલનપુરના એક જવેલર્સને લુંટવાનો પ્લાન કરી રહ્યા હતા. જાેકે લૂંટ કરે તે પહેલાં જ ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. જયારે રિવોલ્વર આપનાર જીતેન્દ્ર તોમર તેમજ ઈમરાન ઉર્ફે ભૂરા સિંધી સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવાની કવાયત હાથ ધરાઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.