કલ્કિ કરતાં પુષ્પા ૨ના થીયેટર રાઈટ્સ બમણી કિંમતે વેચાયા
મુંબઈ, હિન્દી ફિલ્મના માર્કેટમાં સાઉથ ઈન્ડિયન ટેલેન્ટનો દબદબો વધી રહ્યો છે. ભારતના બે ડિસ્ટ્રિબ્યુટર્સે સાઉથના સ્ટાર્સની આગામી ફિલ્મોના થીયેટર રાઈટ્સ કરોડો રૂપિયામાં ખરીદ્યા છે.
ફિલ્મની સફળતાની સંભાવના ચકાસ્યા બાદ થીયેટર રાઈટ્સની કિંમત નક્કી કરવામાં આવે છે અને પાન ઈન્ડિયા માર્કેટમાં પ્રભાસની સરખામણીએ અલ્લુ અર્જુન વધારે દમદાર જણાય છે. અનિલ થાડાણીએ પ્રભાસની આગી ફિલ્મ કલ્કિ અને અલ્લુની ફિલ્મ પુષ્પા ૨ના નોર્થ ઈન્ડિયા થીયેટર રાઈટ્સ ખરીદ્યા છે. જેમાં પુષ્પા ૨ માટે રૂ.૨૦૦ કરોડ અને કલ્કિ માટે રૂ.૧૦૦ કરોડ નક્કી થયા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રભાસ અને દીપિકા પાદુકોણની બિગ બજેટ ફિલ્મ કલ્કિને સાયન્સ-ફિક્શન કહેવામાં આવે છે. મે મહિનામાં તેની રિલીઝ પૂર્વે અનિલ થાડાણીએ રૂ.૧૦૦ કરોડમાં તેના રાઈટ્સ ખરીદ્યા છે. રામચરણ તેજાની ફિલ્મ ગેમચેન્જરના નોર્થ ઈન્ડિયા રાઈટ્સ રૂ.૭૫ કરોડમાં વેચાયા હોવાનું જાણવા મળ્યું છે. રામચરણની કરિયરમાં અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ તરીકે ગેમ ચેન્જરને ઓળખવામાં આવે છે.
ફિલ્મની રિલીઝ પૂર્વે ઘણી ઉત્સુકતા છવાયેલી છે ત્યારે આ ફિલ્મ પાન ઈન્ડિયા રિલીઝમાં સફળ રહેવાના અંદાજ સાથે ડિસ્ટ્રિબ્યુટર્સે તોતિંગ રોકાણ કર્યું છે. જુનિયર એનટીઆરની બિગ બજેટ ફિલ્મના થીયેટર રાઈટ્સ માટે અનિલ થાડાણીએ રૂ.૪૫ કરોડ નક્કી કર્યા છે.
ફિલ્મની સ્ટોરી આંધ્રપ્રદેશના દરિયા કિનારાના વિસ્તારમાં બનતી ઘટનાઓ આધારિત છે. ફિલ્મના ડાયરેક્ટર ઓછા જાણીતા છે, પરંતુ જુનિયર એનટીઆર અને જાન્હવીની જોડી પર ડિસ્ટ્રિબ્યુટરને વિશ્વાસ છે અને તેમણે હિન્દી રાઈટ્સ ખરીદ્યા છે.
સાઉથ ઈન્ડિયાના લીજન્ડ સ્ટાર કમલ હાસનની ફિલ્મ ઈન્ડિયન ૨ના હિન્દી રાઈટ્સ પેન મરુધરને માત્ર રૂ.૨૦ કરોડમાં મળ્યા છે. કમલ હાસનની બ્લોકબસ્ટર ફિલ્મ ઈન્ડિયનની સીક્વલ ૨૮ વર્ષે આવી રહી છે.
કમલ હાસનની ફિલ્મો હિન્દી માર્કેટમાં ખાસ ચાલતી નથી, પરંતુ કલ્ટ મૂવીની સીક્વલ હોવાના કારણે ઓડિયન્સને પસંદ આવી શકે છે. સાઉથની ફિલ્મો હિન્દી બેલ્ટમાં પણ અસરકારક પુરવાર થઈ રહી છે ત્યારે ઈન્ડિયન ૨માં ડિસ્ટ્રિબ્યુટર્સને વધારે લાભ થઈ શકે છે.SS1MS