સરસ્વતીના મંદિરમાં ચોરી : નરોડાની સ્કૂલમાં તસ્કરો બે કમ્પ્યૂટર તોડી છ લાખ ચોરી ગયા
નરોડાના હંસપુરા રોડ પર આવેલી એસ.પી. જેનેસિસ સ્કૂલમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદ, નરોડાના હંસપુરા રોડ પર આવેલી એસ.પી. જેનેસિસ નામની સ્કૂલમાં તસ્કરો બે કમ્પ્યૂટર તોડી તિજાેરીમાંથી છ લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. નિકોલમાં રહેતા વિજયભાઈ પડેલે ચોરીની ફરિયાદ નોંધાવી છે. વિજયભાઈ નરોડા રોડ પર આવેલી હંસપુરા એસ.પૂ. જેનેસિસ નામની સ્કૂલના ટ્રસ્ટી છે. ગઈ કાલે વિજયભાઈને સ્કૂલમાંથી ફોન આવ્યો હતો કે સ્કૂલની ઓફિસમાં દરવાજા તૂટેલી હાલતમાં છે, જેથી તમે જલદી આવો. વિજયભાઈ તરત સ્કૂલ પહોંચી ગયા હતા. સ્કૂલમાં જઈને તપાસ કરી તો ઓફિસનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો તથા ઓફિસની અંદર મૂકેલાં બે કમ્પ્યૂટર જમીન પર પડ્યાં હતાં.
મોડી રાતે અજાણ્યા તસ્કરોએ સ્કૂલને નિશાન બનાવી હતી. તસ્કરો સ્કૂલમાં રહેલી તિજાેરીમાંથી છ લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. સ્કૂલની મેઈન ઓફિસનો ગેટ તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને કમ્પ્યૂટર તોડી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.
ચોરીની ઘટના અંગે વિજયભાઈએ પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. નિકોલ પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ તસ્કરો બિનધાસ્ત સ્કૂલમાં ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. નિકોલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા માટેનાં ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ આ વિસ્તારમાં સ્કૂલની અંદર ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી હતી.