કન્સ્ટ્રકશન સાઈટ પર ચપ્પુ બતાવી 875 કિલો લોખંડની રીંગોની ચોરી
હિંમતનગરના કાંકણોલની સીમમાંથી ૮૭પ કિગ્રા લોખંડની રિંગ્સની લૂંટ-હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પાંચ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવાઈ
હિંમતનગર, હિંમતનગર તાલુકાના કાંકણોલની સીમમાં આવેલી એક સાઈટ પર પાંચ અજાણ્યા વ્યક્તિઓએ સિકયુરિટી ગાર્ડ તથા સાઈટ પર કામ કરતા અન્ય બે જણાને ચપ્પુ બતાવી સાઈટ પરથી અંદાજે રૂ.૬૦ હજારની કિંમતની ૮૭પ કિલોગ્રામ લોખંડની રીંગોની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
કાંકણોલ ગામની સીમમાં સમાજવાડીની બાજુમાં કોમ્પ્લેક્ષનું બાંધકામ કોન્ટ્રાકટર દ્વારા કરાઈ રહ્યું છે. કોમ્પ્લેકસનું બાંધકામ ચાલુ હોવાથી લોખંડ સહિતની અન્ય ચીજવસ્તુઓ રખાઈ હતી અને કોઈ ચોરી ન જાય તે માટે સિકયુરીટી ગાર્ડ તરીકે જયંતિભાઈ દિનેશભાઈ પાંડોરને રાખ્યા હતા.
આ ઉપરાંત સાઈટ પર સુભાષભાઈ કાંતિલાલ મણાત અને અશોક દિનેશભાઈ મણાત પણ રહેતા હતા. દરમિયાન મંગળવારે વહેલી પરોઢે પિકઅપ ડાલામાં પાંચ વ્યક્તિઓ કોન્ટ્રાકટરની સાઈટ પર આવ્યા હતા અને સાઈટ પર રહેતા સિકયોરિટી ગાર્ડ જયંતિભાઈ કાંતિલાલ મણાત, અશોકભાઈ દિનેશભાઈ મણાતને ચપ્પુ બતાવી કોઈને જાણ કરશો તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકી આપી હતી
તે પછી આ પાંચેય અજાણ્યા વ્યક્તિઓએ સાઈટ પર રહેલા ૮૭પ કિલોગ્રામની ૧રપ૦ લોખંડની રીંગો જેની કિંમત અંદાજે રૂ.૬૦ હજારની લૂંટ કરી પિકઅપ ડાલામાં ભરી નાસી ગયા હતા જે અંગેની જાણ માલિક નિલેશભાઈ પ્રજાપતિને કરવામાં આવતા તેઓ દોડી આવ્યા હતા. જાેકે બનાવ અંગે કોન્ટ્રાકટર નિલેશભાઈ પ્રજાપતિએ હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથકમાં પાંચ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.