તસ્કરોનો તરખાટ: બંગલાના મંદિરમાં ઘુસી ચાર લાખની મત્તા ચોરી
(એજન્સી) અમદાવાદ, શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલા એક બંગલામાં તસ્કરોએ ચોરી કરતા ચકચાર મચી ગઈ છે. તસ્કરો મોડી રાતે બારીની જાળી તોડીને મંદિરના રૂમમાં પ્રવેશ્યા હતા અને તિજાેરી તોડીને ચાર લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને નાસી ગયા હતા.
વહેલી સવારે વૃદ્ધે ઉઠીને મંદિરનો દરવાજાે ખોલવાની કોશિશ કરી ત્યારે ચોરી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો હતો. એલિસબ્રિજ પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
આંબાવાડી વિસ્તારમાં આવેલી વાલકેશ્વર સોસાયટીમાં રહેતા વૃદ્ધ જયેશભાઈ મોરે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી હતી. જયેશભાઈ મોર તેમના પત્ની, બાળકો તેમજ પુત્રવધુ સાથે સંયુકત પરિવારમાં રહે છે અને સી.જી રોડ પર જયેશ આર. મોર એન્ડ કંપની નામની ઓફિસ ધરાવે છે.
બે દિવસ પહેલાં જયેશભાઈ તેમના પત્ની સાથે ટાગોર હોલમાં મ્યુઝિકલ પ્રોગ્રામ જાેવા માટે ગયા હતા, જયારે તેમના પુત્ર-પુત્રવધુ અને પૌત્ર ઘરમાં હાજર હતા. રાતના એક વાગ્યે જયારે જયેશભાઈ ઘરે પ્રોગ્રામ પતાવીને આવ્યા ત્યારે તેમના બાળકો સૂઈ ગયા હતા.
જયેશભાઈ સૂઈ ગયા બાદ વહેલી સવારે જયારે ઉઠ્યા ત્યારે મંદિરના રૂમનો દરવાજાે ખુલ્યો નહી. જયેશભાઈએ પુત્ર સાથે મળીને મંદિરનો દરવાજાે ખોલ્યો હતો, જયાં જઈને જાેયું તો સામાન વેર-વિખેર પડ્યો હતો અને તિજાેરી પણ ખુલ્લી હતી તસ્કરો મોડી રાતે બારીની જાળી કાપીને મંદિરના રૂમમાં પ્રવેશ્યા હતા અને તેઓ સોના-ચાંદીના દાગીનાની ચોરીને નાસી ગયા હતા. તસ્કરોએ ચાર લાખના મુદ્દામાલની ચોરી કરતાં જયેશભાઈએ પોલીસને જાણ કરી દીધી હતી.