આણંદની પાલિકા અને જિલ્લા – તાલુકા પંચાયતોમાં હોદ્દા માટે અપસેટ સર્જાવાની શક્યતા
ભાજપની પાર્લામેન્ટરી બાદ ઉત્તેજના વધી -નો-રિપીટ થિયરીથી સિનિયરોમાં અસંતોષ
સંભવિતો વચ્ચે રસ્સાખેંચ
આણંદ જીલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના પદ માટે ભરે રસ્સાખેંચ ચાલી રહી હોવાનું જાણવા મળે છે. અહીંયા કુલ ૪૨ બેઠકો છે. જેમાંથી ગત સામાન્ય ચૂંટણી વખતે ભાજપને ૩૫ અને કોંગ્રેસને ૭ બેઠકો મળી હતી. ભાજપની ૩૫ બેઠકોનું જ્ઞાતિ સમીકરણ જાેઈએ તો પટેલ – ૭, સોલંકી – ૬, પરમાર – ૫, ઠાકોર – ૩, પઢિયાર – ૨, ચૌહાણ – ૨ અને ઈતરને ૧૦ બેઠકો મળેલ છે.
આ વખતે પાર્ટીએ નો-રિપીટની થિયરી અમલી બનાવતા સૌથી મજબૂત દાવેદાર પ્રદિપભાઈ પટેલ (મહેળાવ) પ્રમુખની રેસમાંથી લગભગ બહાર નીકળી ગયા છે. મળતી માહિતી મુજબ હવે પ્રમુખના હોદ્દા માટે પ્રકાશભાઈ (બાદલ) પટેલ (ધર્મજ), હસમુખભાઈ પટેલ (હાડગુડ),
કૃષ્ણકાંત (કિશન) પટેલ (પાળજ) અને સંજયભાઈ પટેલ (સારસા) રેસમાં ચાલી રહ્યા છે. જાે પ્રમુખ પદે પટેલ સમાજના ઉમેદવારની પસંદગી થાય તો કદાચ ઉપપ્રમુખ પદ ક્ષત્રિય કે ઠાકોરને આપવાની શક્યતા જાેવાઈ રહી છે. ઉપરાંત જીલ્લા પંચાયતમાં સૌથી મહત્વની કારોબારી સમિતી ઉપર પણ પાટીદારને મૂકવામાં આવે તો નવાઈ નહીં ?
(પ્રતિનિધી)પેટલાદ, આણંદ જીલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાનાર છે. લગભગ આ તમામ સંસ્થાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમત ધરાવે છે. પરંતુ આ હોદ્દા માટે ભાજપમાં જૂથબંધી હોવાને લીધે દાવેદારોની સંખ્યા વધુ હતી. જેથી પાર્ટી દ્વારા ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારોની અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
આ સમય દરમ્યાન પાર્ટીએ નો-રિપીટ થિયરી અપનાવવાનું જાહેર કર્યું હતું. જેથી ઘણાં દાવેદારો પ્રમુખ – ઉપપ્રમુખની રેસમાંથી બહાર નીકળી ગયા હતા. આણંદની જીલ્લા – તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટણી પહેલાં પસંદગી માટે ગતરોજ ભાજપની પાર્લામેન્ટરી બેઠક સંપન્ન થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
એક તરફ કેટલાક સિનિયરોની બાદબાકી થવાની હોવાથી અત્યારથી જ અસંતોષ જાેવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ જીલ્લાની આ તમામ સંસ્થાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સંદર્ભે લોકોમાં ઉત્તેજના વધી રહી છે. જાે કે દરેક ચૂંટણી ટાણે અપસેટ સર્જવામાં માહિર ભાજપ આ વખતે પણ અણધાર્યા નામો જાહેર કરે તો નવાઈ નહીં !
મળતી માહિતી મુજબ આગામી તા.૧૨ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન આણંદ જીલ્લાની પાંચ નગરપાલિકા, સાત તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં બીજી ટર્મના પ્રમુખ – ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાનાર છે. આ ચૂંટણીઓ અગાઉ તા.૧ સપ્ટેમ્બરના રોજ યોજાનાર હતી. પરંતુ ત્યારબાદ તારીખમાં બદલાવ કરી જાહેરનામું નવેસરથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.
જેથી ભાજપ દ્વારા પાલિકા તથા જીલ્લા – તાલુકા પંચાયતોમાં બંન્ને હોદ્દા માટે જે તે સંસ્થાના સભ્યો અને સંગઠનના હોદ્દેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. લગભગ આ તમામ પાલિકા અને પંચાયતોમાં ભાજપની બહુમતી સ્પષ્ટ છે. પરંતુ જૂથબંધીને કારણે આ બંન્ને હોદ્દા માટે દાવેદારોની સંખ્યા વધુ હતી.
જેથી પાર્ટીએ સેન્સ પ્રક્રિયા સંપન્ન થયા બાદ સંભવિત અને મજબૂત દાવેદારોની પેનલ બનાવી પ્રદેશ મોવડી મંડળને મોકલી આપી હતી. જીલ્લા કક્ષાએથી પસંદગી પ્રક્રિયા પૂર્ણ થયા પછી પણ સંભવિતોએ પ્રદેશ સુધી લોબિંગ કરી પોતાની પસંદગી કરાવવા એડી ચોટીનું જાેર લગાવ્યું હોવાનું જાણવા મળે છે.
જાે કે આ સમય દરમ્યાન ભાજપના પ્રદેશ અધ્યક્ષે નો-રિપીટ થિયરી અમલી બનાવી હતી. એટલેકે હાલ પ્રથમ ટર્મમાં જે કોઈ પ્રમુખ, ઉપપ્રમુખ કે કારોબારી ચેરમેન હોય તેઓ દાવેદારી કરી શકશે નહીં. આ જાહેર થતાં જ કેટલાય સિનિયરોનો છેદ ઉડી ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૦૨૧ની સામાન્ય ચૂંટણીઓ વખતે ત્રણ ટર્મ રહ્યા હોય તેવા અને ૬૦ વર્ષથી વધુ જેઓની ઉંમર થઈ હોય તેવા દાવેદારો માટે રૂક-જાઓનો નિયમ લાવ્યા હતા.
જેને કારણે ઘણી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓનો વહીવટ કથળી ગયો હોવાની વાત જગજાહેર છે?. છતાં બીજી ટર્મ વખતે નો-રિપીટ લાવતા ફરી એક વખત સિનિયરોની બાદબાકી થઈ રહી છે. જેને કારણે અનુભવી નેતાઓમાં છૂપો અસંતોષ હોવાનું જાણવા મળે છે.
જાે કે પ્રદેશ અધ્યક્ષના આ ર્નિણયને યુવા નેતાઓએ વધાવી લીધો હોવાની વાત પણ એટલી જ સાચી છે. જેથી કેટલાય યુવા નેતાઓએ પોતાની પસંદગી માટે સંગઠનના હોદ્દેદારો, સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓ વગેરેનો સંપર્ક કરવો શરૂ કર્યો હતો. પરંતુ હવે પસંદગી પ્રક્રિયા પ્રદેશ પાર્લામેન્ટરીની બેઠકમાં થવાની હોય છે.
જે બેઠક ગતરોજ સંપન્ન થઈ ગઈ છે. આ બેઠક પૂર્ણ થતાં જ જીલ્લા – તાલુકા પંચાયત અને પાલિકાઓના પ્રમુખ – ઉપપ્રમુખના નામો વહેતા થયા હોવાની વાતે રાજકીય ગરમાવો લાવી દીધો છે. જીલ્લા પંચાયત, સાત તાલુકા પંચાયતો અને પાંચ નગરપાલિકાના પ્રમુખ – ઉપપ્રમુખ તરીકેના સંભવિત નામોએ જે તે મત વિસ્તારોના સ્થાનિક લોકોમાં ભારે ઉત્તેજના ફેલાવી છે.