Western Times News

Gujarati News

રાજ્યમાં હજુ ત્રણ દિવસ વરસાદી આફતનો ખતરો

ગાંધીનગર, રાજ્યમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કપરી પરિસ્થિતિમાં વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી કામગીરી અને બચાવ રાહત પગલાં અંગે ઈમરજન્સી સમીક્ષા સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી મુખ્યસચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એમ.કે.દાસ સહિત મહેસુલ, ઊર્જા, આરોગ્ય, પાણી પુરવઠા, માર્ગ મકાન અને અન્ય સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવોની ખાસ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીડિયો કોન્ફરન્સથી કરી હતી. જેમાં આ તમામ વિગતો મુખ્યમંત્રીને આપવામાં આવી હતી.

બોટાદના ખાંબડા ડેમામાંથી પાણી છોડવાની શક્યતા પૂર્વે બરવાળા તાલુકાના ખાંબડા ગામના ૧૯૮ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું. મોરબી જિલ્લાના માળિયાના મોટા દહીંસરા સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીને રેસ્ક્યૂ કરાયા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા પ્રસુતિની સંભાવના ધરાવતી ૩૦ જેટલી સગર્ભાને તબીબી નિરીક્ષણ માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી. પંચમહાલ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા આશરે ૪,૦૦૦ જેટલા નાગરિકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતરિત કરાયા અને ૨૦ જેટલા રસ્તાના કોઝ-વે પણ બંધ કરાયા.

વડોદરા શહેરમાં એક જ દિવસમાં ૧૦૮ એમ્બ્યુલન્સને ૨૮૫ કોલ મળ્યા હોવા છતાં, એમ્બ્યુલન્સ સેવા અટકી નહીં. પાણી ભરાયેલા હોય તેવા વિસ્તારમાંથી ૪૯ દર્દીને એમ્બ્યુલન્સના માધ્યમથી સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા.

એક સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરવામાં આવી. મોરબી જિલ્લામાં મચ્છુ નદીનું જળ સ્તર વધતા સામખિયાળીથી માળિયા સુધીના નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૦ ખાસ ટીમો દ્વારા નાગરીકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા.

રાજ્ય સરકારે તાજેતરના ભયંકર પૂરથી અસરગ્રસ્ત અનેક જિલ્લાઓમાં તાત્કાલિક પૂર રાહત કામગીરી માટે આર્મીની છ કોલમની સહાયની માગ કરી છે. રાહત કામગીરી માટે આર્મી કોલમની તૈનાતી નીચે મુજબ ફાળવાઈ છે.

મોરબી જિલ્લામાં એક કોલમ રવાના કરાઇ છે, આણંદ અને ખેડા જિલ્લામાં બે કોલમ, દ્વારકા અને રાજકોટ જિલ્લામાં બે કોલમ, વડોદરા જિલ્લામાં એક કોલમ હાલમાં સ્થળ તરફ આગળ વધી રહી છે. જરૂરી માનવબળ, તબીબી અને ઇજનેરી ઉપકરણોથી પર્યાપ્ત રીતે સજ્જ આ કોલમોને એકત્રિત કરવામાં આવી છે અને સક્રિયપણે તેમના સંબંધિત સ્થળોએ જવા રવાના થઈ રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.