આવક અને પગાર સાથે ઉત્પાદકતાનો સુસંગત માપદંડ જોડવાની તાતી જરૂરિયાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/03/Cash-1024x576.webp)
પ્રતિકાત્મક
અમદાવાદમાં કાપડ ઉધોગ ખલાસ થઈ ગયો તેનું કારણ માત્ર નવી પેઢીના માલિકોએ પેઢીઓની લૂંટફાટ કરી તેટલુંજ નહોતુ પણ કામદાર સંગઠનોએ ઉંચા પગાર લઈને ઓછું કામ કરવાની પ્રવૃતિ કરી અને તે રીતે તેમણે પણ સામાજીક ઉત્પાદનમાંથી લૂંટફાટ કરી તે કારણે આખો ઉધોગ માંદો પડયો.
હડતાલ સામે પ્રતિબંધ મૂકતા સુપ્રિમના શકવર્તી ચુકાદાનો સખ્તાઈથી અમલ જરૂરી
દેશ પાસે માગતા પહેલાં દેશને પોતે શું આપ્યું તેનો પ્રમાણિક જવાબ આપવાનો સમય આવ્યો છે
(વેસ્ટર્ન ટાઈમ્સ દૈનિકના સ્થાપક રામુભાઈ પટેલની નોંધપોથીમાંથી તા. 09-08-2003)
આઝાદ હિંદુસ્તાનમાં રાજકીય પક્ષોએ અને તેમના ધ્વારા ચાલતી સરકારોએ જે કરવાનું હતુ તે કર્યું નહિ. અને ભણેલા ગણેલા અને સામાજીક જવાબદારી સમજતા એવા લોકજુથોએ જે કરવું જોઈતુ નહોતું છતાં તેમના સ્વાર્થ માટે સમાજ અને લોકોના ભોગે હડતાલો, દેખાવો, અને હરેક પ્રકારના સંગઠિત દબાણો ધ્વારા દેશની ભારે કુસેવા થાય છે તે અટકાવવાની જરૂર હતી તે કર્યુ નહી. દાયકાઓ સુધી તકવાદી અને નબળા રાજકીય પક્ષો અને સત્તાધીશોને દબાવીને રાષ્ટ્રીય ઉપ્તાદનમાંથી સિંહભાગ ધરમેળે કરવાની પ્રવૃતિ કરી હતી
તેને તામીલનાડુના મહિલા મુખ્યમંત્રી જયલલિતાએ હિંમત કરીને પડકારી અને બે લાખ સરકારી કર્મચારીઓની હડતાલ સામે ટકકર લીધી.તે પછી આઝાદ હિંદુસ્તાનમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટે સમાજને બાનમાં લેવાની અને અજુગતા ફાયદા મેળવવાની પ્રવૃતિ સામે એક શકવર્તી ચુકાદો આપીને સંભવિત ઈતિહાસનું નવું પાનુ ખોલ્યુ છે.તામિલનાડુના હડતાલીયા કર્મચારીઓને સબક મળે તેવુ વલણ લીધા પછી સુપ્રીમ કોર્ટે આગળ વધીને એવો ચુકાદો આપ્યો છે કે,સરકારી કર્મચારીઓને કોઈપણ કારણસર હડતાલ કરીને સરકારને અને લોકોને બાનમાં લેવાનો કોઈ મુળભૂત,કાનૂની,નૈતિક કે,વ્યાજબી અધિકાર નથી.
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/02/Ramubhai-Patel-WesternTimes-scaled.jpg)
વારંવાર હડતાલનું એલાન કરીને દેશના ઘણી નાની સંખ્યા ધરાવતા સંગઠનોએ ૯૦ ટકા અસંગઠિત સમાજના ભોગે પોતાનો સ્વાર્થ સાધવાની અને વધુને વધુ લાભ મેળવવાની કુટેવનું પ્રદર્શન કર્યુ છે તેને સુપ્રીમ કોર્ટે જબરજસ્ત ફટકો માર્યો છે. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો આખા દેશના સામાન્ય જન સમાજ માટે આનંદ જનક સમાચાર છે.કારણ કે, સામાન્ય લોકો, વેપારીઓ,ગૃહિણીઓ, તમામને જાહેર અને ખાનગી ક્ષેત્રના કર્મચારી મંડળો ધ્વારા કરાતી હડતાલને કારણે ખુબ સહન કરવુ પડે છે.
આ હડતાલો કોઈ અન્યાયને સામે થતી હોય તેવુ પણ નથી. મોટાભાગના કેસોમાં આ સંગઠીત વર્ગોને જે મળે છે તેમાં વધારે મેળવવાની માંગણી માટે હડતાલ કરવાની ટેવ પડી છે અને નબળી સરકારો અને જેઓ પણ પોતાના સ્વાર્થ ખાતર જ રાજકારણમાં છે તેવા તમામ પક્ષોના રાજકારણીઓ પણ જરાક દબાણ ઉભું થાય એટલે સરકારને, દેશને અને લોકોને નુકશાન થતુ હોય તો પણ સંગઠીત લઘુમતીઓને તાબે થઈ જાય છે. અને વિશાળ જન સમાજની ગરીબી, પ્રાથમિક અને લધુત્તમ માનવીય જરૂરીયાતોને નજર અંદાજ કરે છે.
લોકશાહી કહેવડાવતા કેટલાય દેશોમાં અને સામ્યવાદી કહેવડાવતા એવા ચીન જેવા દેશમાં પણ કામદારોની સરકાર ગણાતી સરકારો હડતાલ થવા દેતી નથી. ત્યારે આપણા જેવા અણવિકસીત અને ગરીબ દેશમાં હડતાલના પવને અને સંગઠીત લઘુમતીઓની પ્રવૃતિઓને કારણે ભયાનક અસમાનતા ઉભી કરી છે.પચાસવર્ષ પછી પણ આપણે આપણા દેશના કરોડો લોકોને પ્રાથમિક જરૂરીયાતોથી વંચિત રાખ્યા છે. એ દ્રષ્ટીએ જોતાં સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો ઐતિહાસિક છે અને તેની દુરગામી અસર ઉભી થશે. અગાઉ કેરાલાની હાઈકોર્ટે પણ કર્મચારીઓની હડતાલને ગેરકાયદેસર ગણાવી હતી.સુપ્રીમ કોર્ટે અગાઉ વકીલોને હડતાલ પાડવાનો અધિકાર નથી.
તેવો ચુકાદો પણ આપ્યો હતો પરંતુ હવે જે ચુકાદો આપ્યો છે તે આપણા દેશમાં સીમાચિન્હરૂપ બનવાનો સંભવ છે. આ ચુકાદાની અસર દરેક ક્ષેત્રમાં પડવી જોઈએ અને એટલેજ કામદાર યુનિયનોએ ચુકાદાનો વિરોધ કર્યો છે. કારણ કે, તેમને માટે તેમની રોજીરોટી અને સંગઠનની જરૂરીયાત પણ ખૂંચવાઈ જાય તેવુ બની શકે.કામદારો (ર્ઝ્રઙ્મઙ્મીષ્ઠૌદૃી મ્ટ્ઠખ્તિટ્ઠૈહૈહખ્ત)સામૂહિક શકિત મુજબ ફાયદો લેવાની પધ્ધતિને મુળભુત અધિકાર ગણે છે.
એટલે સંગઠિત વર્ગોના પગાર ધોરણો ઘણા ઉંચા હોવા છતાં વધુને વધુ લાભો મેળવી જાય છે.એમાં માત્ર કામદાર અને માલિકનો સવાલ નથી. પણ વપરાશકાર અને આમ સમાજનું હિત પણ સમાયેલું છે તે આ સંગઠનો ભૂલી જાય છે. દેશમાં રપ કરોડ લોકોને બે ટંક ખાવાન ુંમળતુ નથી. ત્યારે સંગઠિત કર્મચારીઓ એલટીસી માટે હડતાલ કરે તેમાં ન્યાય કયાં આવ્યો ?સાચી હકિકત એ છે કે, કામદાર સંગઠનોએ ધંધાદારી નેતાગીરીની મદદથી વધુમાં વધુ કમાણી કરવાનું અને ઓછામાં ઓછુ કામ કરવાની પ્રવૃતી કરી છે.
અમદાવાદમાં કાપડ ઉધોગ ખલાસ થઈ ગયો તેનું કારણ માત્ર નવી પેઢીના માલિકોએ પેઢીઓની લૂંટફાટ કરી તેટલુંજ નહોતુ પણ કામદાર સંગઠનોએ ઉંચા પગાર લઈને ઓછું કામ કરવાની પ્રવૃતિ કરી અને તે રીતે તેમણે પણ સામાજીક ઉત્પાદનમાંથી લૂંટફાટ કરી તે કારણે આખો ઉધોગ માંદો પડયો. દેશભકિત અને
જવાબદાર નાગરિકત્વ તો પોતે દેશ પાસે શું માંગે છે તેનો વિચાર કરતા પહેલાં પોતે દેશને શું આપ્યુ છે તેની ચિંતા રાખે છે. આપણા કમનસીબે આવી ચિંતા રાખનારૂ નાગરીક જીવન રાષ્ટ્રિય જવાબદારીની સમજના અભાવે વિકસી શકયું નથી.એવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાએ સ્વભાવિક રીતેજ જેમણે આજસુધી સંગઠનનો લાભ લઈને હડતાલો કરીને સમાજને બાનમાં લેવાનું કામ કર્યુ છે તેઓ ચોંકી ગયા છે.
કામદાર યુનિયનોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કર્યો છે. ખાસ કરીને સીપીએમને તો આ ચુકાદાથી ઝાટકો લાગ્યો છે. કારણ કે, સામ્યવાદી અસ્ત્તિત્વજ હવેતો ગણ્યા ગાંઠયા કામદાર સંગઠનો પરજ નભે છે. બીજા યુનીયનો પણ વિરોધ કરશેજ. પણ સૂચક બાબત તો એ છે કે, રાજકીય પક્ષોએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશહિતમાં અને લોકહિતમાં આવકાર આપવો જોઈતો હતો. અને બીરદાવવો જોઈતો હતો. પણ એવું કરવાનો ઉત્સાહ બતાવ્યો નથી. અને દિવસમાં દસ વાર ટીવી સમક્ષ દુનિયાના કોઈપણ વિષયો અંગે નિવેદન આપવા તૈયાર રહેતા રાજકીય તત્વો મૌન રહયા છે.
કારણ કે, તેમની ટુંકી દ્રષ્ટિમાં તેમને સત્તાના શાંતિમય ભોગવટા માટે કર્મચારી સંગઠનો હડતાલો કરે, દેખાવો કરે, તે માફક આવતું નથી.દેશનુ ગમે તે થાય. જાહેર તીજોરીમાં તળિયુ દેખાય તોયે કર્મચારીઓનું મોંધવારી ભથ્થુ અને પગારવધારો વધેજ જાય રાજનીતિની આ નબળાઈ અને રાજકારણીઓની બે જવાબદારીની જનસમાજે ભારે કિંમત ચુકવી છે.
સરકારી કર્મચારીઓની નોકરીની સલામતી અને ગુનેગાર હોય તો પણ તેને લગભગ કાઢી શકાતો નથી, પેન્શનની સવલત, જીપીએફ અને પગારના પ્રમાણમાં કામ આપવાની કોઈ જવાબદારી કે, માપદંડ પણ નહી હોવાને કારણે પ્રજાના પરસેવાના નાણાનો ઘણો મોટો ભાગ કહેવાતા વહીવટી ખર્ચમાં જાય છે. આવા લોકો જયારે હડતાલ કરે ત્યારે તેઓ સરકારને અને આખા સમાજને બાનમાં લે છે.
તે ભૂલી શકાય તેમ નથી.એટલે તેમને અને અન્ય સંગઠિત કામદાર મંડળોને કામચોરી, મનચોરી દિલચોરી અને કરચોરી જેવી કુટેવો માટે ડીવીડન્ડ આપી શકાય નહી. સંગઠિત વર્ગો જયારે અધિકાર માંગે ત્યારે તેના ભોગવટાની સાથે જવાબદારી પણ આવે છે તે સ્વીકારતા નથી. સંગઠીત વર્ગો અધિકાર માંગે છે, ભોગવે છે પણ જવાબદારી નિભાવવા તૈયાર નથી. અને જવાબદારી નિભાવવા માટે તેમને કોઈ સત્તા ફરજ પાડી શકતી નથી.આ પરિસ્થીતિ સંપૂર્ણપણે અસહય છે.
અને કોઈપણ તંદુરસ્ત સમાજ માટે ધાતક પૂરવાર થાય તેમ છે.એટલે તેમાંથી નીકળવુજ પડે. સુપ્રીમ કોર્ટે તેના ઐતિહાસિક ચુકાદા ધ્વારા જે કામ રાજસત્તાએ બંધારણીય ફરજ રૂપે કરવાનું હતુ તે કરી આપ્યુ છે. હવે રાજસત્તાની જવાબદારી થાય છે કે,તેણે સંગઠિત જુથોના બ્લેકમેઈલમાંથી મુકત થવુ જોઈએ અને દેશને મુકત કરવો જોઈએ.હડતાલ એટલે સામાન્ય લોકોના નાગરિક અધિકારના ઈન્કાર.આ મુખ્ય વાત અત્યાર સુધી કોઈ સ્વીકારવા તૈયાર નહોતુ.
હવે તે સ્વીકારવાની ફરજ પાડવા માટે પણ લોકજાગૃતિ જરૂરી રહેશે. કારણ કે, રાજકીય પક્ષોમાંથી કોઈ રાજકીય પક્ષ કે જુથ સંગઠિત વર્ગોને નારાજ કરવા માટેની હિંમત ધરાવતુ નથી.રાજકીય જુથોની દ્રષ્ટી સાવ ટુંકી,શંકુચીત અને રાષ્ટ્રહિતનેજ પોષક હોય તેવી અત્યાર સુધી તો જોવામાં આવી નથી.અને જે રીતે રાજનીતિનું વિઘટન થયુ છે, નાના નાના જુથોની રજવાડી રાજનીતિઓ ઉભી થઈ છે અને તે કારણે રાજસત્તામાં ભારે નુકશાનકારક અસ્થિરતા ઉભી થઈ છે તે જોતાં સંગઠિત વર્ગો, શ્રીમંતો, માથાભારે જુથો અને મતબેંકોનું વર્ચસ્વ રાજકીય જુથો પર ઘટવાને બદલે વધી રહયુ છ,
તેવા સંજોગોમાં તામીલનાડુના મુખ્યમંત્રી જય લલિતાએ બે લાખ હડતાલીયાઓને એક ઝાટકે બરતરફ કર્યા અને છેવટે બધાને નાકલીટી તણાવીને માફી મંગાવી તેવી હિંમત અન્ય રાજકીય જુથો અને અગ્રણીઓ કરે તેવો વિશ્વાસ ઉભો થતો નથી.હકિકતમાં વિઘટિત રાજનીતિને કારણે હરેક ક્ષેત્રમાં રાષ્ટ્રહિત વિરોધી તત્વો અને પ્રવૃતિઓનું મહત્વ વધતુ જતુ હોય તેવી છાપ દેશભરમાં છે.
સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેનો સખ્તતાઈથી અમલ થાય તો તેના આનુસંગીક પરીણામોથી સમગ્ર સમાજને ઘણો લાભ થાય તેમ છે.એટલુંજ નહી પણ આપણા જેવા દેશમાં જે વર્ક કલ્ચર ઉભુ થવુ જોઈએ પણ થયુ નથી. તેને માટેના સંજોગો પેદા થાય તેમ છે.આપણા જેવા ગરીબ દેશમાં વ્યકિતની આવક, પગાર, એટલે કે, રાષ્ટ્રીય ઉત્પાદનમાંથી તેને ફાળે આવતો હિસ્સો તેની પોતાની ઉત્પાદકતા અને રાષ્ટ્રીય ઉત્પાદનમાં હિસ્સા સાથે સંબંધ ધરાવતો હોવો જોઈએ. આપણે કોઈપણ ઠેકાણે હજી વ્યવસ્થિત રીતે ઉત્પાદકતાનું મહત્વ પ્રસ્થાપિત કરી શકયા નથી.
તે આપણા વિકાસની પ્રવૃત્તિમાં મોટો અવરોધ ઉભો કરેછે. હજી અમેરીકાની જેમ આપણા દેશમાં ઉંચા પગારો મેળવતા લોકો માટે પણ હાયર એન્ડ ફાયરની નીતિનો અમલ કરી શકયા નથી.પણ એ દિશામાં જવુ પડશે તે વિશે શંકા નથી.રાજકારણીઓએ ઉદારીકરણ,વૈશ્વીકરણ ને નામે જે પગલાંઓ લીધા તેમાં ઉત્પાદકતા અને જવાબદારીના તત્વને મહત્વ આપ્યુ નથી.
અસંગઠિત ક્ષેત્રોમાં લાખ્ખો લોકો બેકાર થયા છે.પરંતુ સંગઠીત ક્ષેત્રોમાં ઉત્પાદન વધારવા માટે સંગઠીત કર્મચારીઓ પર કોઈ નીતિ નિયમો લાદી શકાયા નથી. છેવટે ઓછી ઉત્પાદકતાનું પરિણામ માત્ર લાગતા વળગતા ઉધોગનેજ નહી પણ સમાજને પણ વ્યાપક રીત ેભોગવવું પડે છે. એટલેજ સર્વની જવબાદારી થાય છે કે, વ્યકિતગત અને જુથ અધિકારોનો આગ્રહ રાખવાની સાથે જવાબદારીનું સંપૂર્ણ ભાન અને દાયિત્વ પણ સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. આમ નહી થાય તો તેમાંથી ઉભી થતી વિકૃતીઓનું નુકશાન છેવટેતો સમાજને ભોગવવું પડે છે.
સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે તે શાસન કરતા રાજકીય જુથોના હાથમાં એક સબળ હથિયાર રૂપે ઉપલબ્ધ છે. રાજકીય પક્ષોએ તેમની નબળાઈઓ બાજુએ રાખીને સુપ્રીમ કોર્ટે આપેલી સત્તાનો ઉપયોગ કરીને માત્ર સરકારી તંત્રમાંજ નહી પણ અન્ય તમામ ક્ષેત્રોમાં શ્રમની શિસ્ત ઉભી કરવા માટેની સમજ અને હિંમત બતાવવી જોઈએ. તેઓ આ કરશે કે નહી તે વિશે વિશ્વાસથી કોઈ અંદાજ બાંધી શકાતો નથી.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી રાજકીય પક્ષોએ ઉત્સાહભેર ચુકાદાને આવકારવો જોઈતો હતો તે કરવાની કોઈએ હિંમત બતાવી નથી. અને જવાબદારી નિભાવી નથી. તે જોતાં આ ચુકાદાને કારણે દેશમાં શ્રમના મહત્વ વિશે નવો માહોલ ઉભો થશે કે નહી તે વિશે પણ કોઈ ચોકકસ અંદાજ બાંધી શકાય તેમ નથી. આનાથી મોટી કમનસીબી કયી ગણાય ?