Western Times News

Gujarati News

ગુજરાતના આ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશત

દિવસ દરમ્યાન ધૂપ છાવ વાળું વાતાવરણ રહે છે, જેનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જવા પામ્યો છે

ગાંધીનગર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગાંધીનગરના વાતાવરણમાં છેલ્લા ઘણા દિવસથી પલ્ટો આવવાની સાથે કમોસમી વરસાદ પડતાં બેવડી ઋતુનો માહોલ સર્જાયો છે.

ગાંધીનગરમાં ધૂપછાવનું વાતાવરણ રહેવાની સાથે ભેજનું પ્રમાણ પણ વધી જતાં મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે મનપા તંત્રની મેલેરિયા શાખા દ્વારા એક્શન મોડ આવી ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ શરૂ કરી દેવાયું છે.

રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ પડવાથી ખેતીના ઉભા પાકને નુકશાન થવાથી ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વખત આવ્યો છે. છેલ્લા ઘણા દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગાંધીનગરના વાતાવરણમાં પણ પલ્ટો આવ્યો છે. ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ સર્જાતા દિવસ દરમ્યાન ધૂપ છાવ વાળું વાતાવરણ રહે છે. જેનાં કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી જવા પામ્યો છે.

કમોસમી માવઠાથી નીચાણવાળા વિસ્તારો માં પાણી ભરાઈ ગયા હતા. એમાંય તંત્ર દ્વારા ઠેર ઠેર ખોદવામાં આવેલા ખાડાઓ માં પણ વરસાદી પાણીના ખાબોચિયાં ભરાઈ જવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. બેવડી ઋતુના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનીયા તેમજ તાવના દર્દીઓ વધવા લાગ્યા છે. એમાંય ભેજનું પ્રમાણ વધી જવાથી પણ મચ્છરજન્ય રોગચાળો વકરવાની દહેશત સેવાઈ રહી છે.

જેનાં પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનની મેલેરિયા શાખા દ્વારા ખાસ એક્શન પ્લાન ઘડી કાઢી શહેરી વિસ્તારમાં ડોર ટુ ડોર સઘન સર્વેલન્સ શરૂ કરી મચ્છરજન્ય રોગોનાં દર્દીઓનો રેકોર્ડ એકઠો કરાઈ રહ્યો છે. જેનાં માટે અર્બન હેલ્થ સેન્ટર વાઈઝ દરેક વિસ્તારને આવરી લેવા માટેની સૂચનાઓ આપી દેવાઈ છે.

તદુપરાંત ખાડા ખાબોચિયાંમાં ઓઈલ બોલ / ડાયફ્લૂબેન્ઝૂરોનનો છંટકાવ તેમજ ફોગીંગ ની કામગીરી શરૂ કરી દેવાઈ છે.આ અંગે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે કે, પાણીની ટાંકીઓ, ફૂલદાનીઓ, પક્ષીકુંજ, કુલર, ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવી.

મોટા પાણીના ભરાવામાં બળેલુ ઓઈલ કે કેરોસીન નાંખવું જેથી મચ્છર ઉત્પત્તિ પર નિયંત્રણ લાવી શકાય. મચ્છરોના કરડવાથી બચવા માટે દિવસે અને રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરો.

ખાસ કરીને ડ્રાય ડે ઉજવો દર અઠવાડિયે એકવાર ૧૦ કલાકે ૧૦ મિનિટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીના પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.