રાજ્યમાં લવ જેહાદ ડામવા કાયદો બનાવવા હાલ કોઈ ર્નિણય નહિઃ દેવેન્દ્ર ફડણવીસ
મુંબઈ, મહારાષ્ટ્ર સરકાર અન્ય રાજ્યો દ્વારા પસાર કરવામાં આવેલા ધર્માંતરણ અંગેના કાયદાઓનો અભ્યાસ કરી રહી છે તેમજ આવો કાયદો ઘડવા વિશે કોઈ ર્નિણય નથી લીધો એવી જાણકારી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે આપી હતી. તેમણે જણાવ્યું કે આવા કાયદાના તમામ પાસા તેમજ અન્ય રાજ્યોમાં ઘડાયેલા સમાન કાયદાનો અભ્યાસ કર્યા પછી ર્નિણય લેવાશે.
રાજ્ય વિધાનસભાના આગામી શિયાળુ સત્ર પહેલાં આવો કાયદો રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા ફડણવીસે કહ્યું, કે અમે હજુ સુધી કોઈ ર્નિણય લીધો નથી. અમે તમામ પાસાઓનો તેમજ અન્ય રાજ્યોમાં સમાન કાયદાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ.
લવ જેહાદનો મુદ્દો વસઈની રહેવાસી શ્રદ્ધા વાલકરની હત્યા બાદ સામે આવ્યો છે, જેની તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પૂનાવાલાએ તેમના દિલ્હીના નિવાસસ્થાને કથિત હત્યા કર્યા બાદ તેના ૩૫ ટુકડા કરીને જંગલમાં ફેંકી દીધા હતા.શ્રદ્ધાના પિતા વિકાસ વાલકર ફડણવીસને મુંબઈમાં તેમના સાગર બંગલો સ્થિત સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા.
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ શુક્રવારે એક નિવેદનમાં દાવો કર્યો હતો કે લવ જેહાદ અટકાવવા સરકાર આગામી દિવસોમાં એક કાયદો લાવી શકે છે.
તેમણે પોતાના નિવેદનમાં વધુ જણાવ્યું હતું કે એક મજબૂત અને સક્ષમ ધર્માંતર અથવા લવ જેહાદ વિરોધી કાયદો રાજ્યમાં આજના સમયની જરૂરીયાત છે. રાજ્યના ખૂણે ખાંચરે હિન્દુ કન્યાઓને લક્ષ્યાંક બનાવવાની અને તેમની સાથે છેતરપિંડી થવાની ઘટનાઓ બની રહી છે. આથી સરકાર આગામી દિવસોમાં કાયદો બનાવી શકે છે.
ભાજપે છેલ્લા એક મહિના દરમ્યાન રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનો યોજીને દિલ્હી પોલીસને શ્રદ્ધા હત્યાકાંડમાં લવ જેહાદનો એન્ગલ ચકાસવાની વિનંતી કરી હતી. ભાજપના અન્ય એક મંત્રીએ રાજ્યના મહિલા પંચને પણ પરિવારોથી વિખુટી પડી ગયેલી કન્યાઓને શોધી કાઢવા વિશેષ જૂથ રચવાનો નિર્દેશ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુસ્લિમ યુવકો દ્વારા હિન્દુ કન્યાઓને ફોસલાવીને તેમજ પોતાની ઓળખ છુપાવીને લગ્ન દ્વારા ધર્માંતરણ માટે મજબૂર કરવા કરાતા ષડયંત્રને જમણેરી જૂથો લવ જેહાદ તરીકે ઓળખાવે છે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, હરિયાણા અને ગુજરાત સહિત કેટલાક ભાજપ શાસિત રાજ્યોએ પ્રલોભન, બળનો ઉપયોગ, કપટ કરીને અથવા બળજબરીથી કરાતા ધર્માંતરણ અટકાવવા તેમના મોજુદ કાયદામાં કાં તો ફેરફાર કર્યા છે અથવા નવા કાયદા ઘડયા છે.HS1MS