ગોધરાની સિવિલમાં ગાયનેક ડોકટર નથીઃ ગંભીર કેસો મોટા શહેરમાં રીફર કરાય છે
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા શહેરમાં આવેલ સીવીલ હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે લોકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે. આ ગંભીર બાબતે સ્થાનિક ધારાસભ્ય અને આરોગ્ય મંત્રી સક્રિય રસ દાખવે તેવી પંચમહાલ જિલ્લાના ગ્રામજનો સહિત સ્થાનિક નગરજનોની માંગ ઉઠવા પામેલ છે.
ગોધરા શહેર સહિત જિલ્લાભરના ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આર્શિવાદ સમાન સીવીલ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં લાંબા સમયથી નિયત સેટઅપ મુજબના નિષ્ણાંત તબીબોના અભાવે દર્દીઓના સ્વજનોને અસંતોષકારક સેવા મળી રહી છે.
એટલુ જ નહિ તેઓ દ્વારા દર્દીઓના સ્વજનોને મનસ્વી જવાબો આપવામાં આવી રહ્યા હોવાની ગ્રામજનોમાં વ્યાપક બૂમો ઉઠવા પામેલ છે. કડકડતી ઠંડીમાં દિવસોમાં દૂર દૂરથી અત્રે તબીબી સારવાર લેવા આવતા દર્દીઓને નિષ્ણાંત તબીબોના અભાવે છાસવારે ધરમધકકાઓ થતા હોય ત્યારે ગોધરા તાલુકાના નદીસર ગામે રહેતા મનોજભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે
તેમની દિકરીને પ્રસુતિનો દુખાવો થતા તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે તાત્કાલિક સારવાર આપ્યા બાદ પ્રસૂતિ વિભાગમાં રીફર કરવામાં આવ્યા હતા જ્યાં પ્રસૂતિ વિભાગમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે
તમારી દીકરીને પ્રસૂતિના દુખાવાના લીધે પાણી ચાલુ થઈ ગયું છે અને જાે વધારે પાણી ચાલુ થશે તો તમારે બહાર ખાનગી હોસ્પિટલ અથવા તો વડોદરા ખાતે સરકારી એસએસજી હોસ્પિટલ લઈ જવા પડશે કારણકે અહીં ગાયનેક વિભાગમાં ડોકટર નથી
જેથી પ્રસુતિથી પીડાતા દર્દીના પિતાએ આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ થી ચાર મહિનાથી ગાયનેક વિભાગમાં ડોકટર નથી અને જાે તાત્કાલિક પ્રસૂતિ માટે ગાયનેક ડોકટરની જરૂર પડે તો ક્યાંથી લઈ જવા આજે મારી દીકરી છે કાલે બીજાની પણ દીકરી આવે તો માટે વહેલી તકે ગાયનેક વિભાગમાં ડોકટરની ફાળવણી કરવામાં આવે તે માટે માંગ કરી રહ્યા છે.
જ્યારે ગોધરા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર મોના પંડ્યા સાથે વાતચીત કરતા જણાવ્યું કે વિભાગમાં પહેલા ગાયનેક ડોક્ટર હતા પરંતુ તેમની ત્રણ મહિના પહેલા બદલી થઈ થવાથી તેમની જગ્યા ખાલી હતી જેથી તેમના સંદર્ભમાં અમે બીજી વ્યવસ્થા કરી હતી.
જેમાં કાલોલના ગાયનેક ડોક્ટર ચેતના ડામોર છે જે અઠવાડિયામાં બે વખત મંગળવાર અને ગુરુવારે ગોધરા સિવિલ હોસ્પિટલમાં આવે છે અને તેમની સેવાઓ ગાયનેક વિભાગમાં જે ગાયનેક વિભાગના દર્દીઓ છે તેમને સારવાર કરવામાં આવે છે અને જરૂર લાગે તો
જે દર્દીઓની હાલત ગંભીર હોય તેવા દર્દીઓને એસએસજી હોસ્પિટલમાં રીફર કરવામાં કરવામાં આવે છે ગાયનેક ડોક્ટર ન હોવાના કારણે ગોધરા સિવિલ સર્જન એ ગાંધીનગર પણ જાણ કરેલ છે અને જ્યારે કોઈ વિઝિટમાં અધિકારીઓ આવતા હોય તેઓને પણ મૌખિક રીતે પણ અમે જાણ કરેલ છે.