પતંગના હોલસેલ માર્કેટમાં કોઈ લેવાલ નથી, ભાવ વધારાના કારણે માર્કેટ ઠંડું
દર વર્ષ કરતાં ઓછો માલ વેચાયો, હોલસેલ વેપારીઓને નુકશાનની ભીતિ
અમદાવાદ, કાચા માલસામાનના ભાવ વધવાને લીધે પતંગના ભાવમાં ર૦ ટકા સુધીનો વધારો થયો છે. પરંતુ પતંગના હોલસેલ માર્કેટમાં વેપારીઓ પાસે આ વર્ષે લેવાલ જ નથી. નવેમ્બર સુધી બરાબર ચાલી રહેલું માર્કેટ અચાનક ડાઉન થતાં હોલસેલના વેપારીઓ પાસે પતંગનો મોટો જથ્થો પડી રહયો છે, પરંતુ તેને ખરીદનારા છુટક વેપારીઓ ફરકતા નથી. ત્યારે આ વર્ષે હોલસેલ માર્કેટના વેપારીઓને નુકશાન જવાની ભીતી સેવાઈ રહી છે.
જાેકે ગત વર્ષે પડી રહેલા માલના લીધે છુટક વેપારીઓ કોઈ જાેખમ લેવા માગતા ન હોવાથી માર્કેટ ઠંડું હોવાનું વેપારીઓ જણાવી રહયા છે. પતંગના એક હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, હોલસેલ માર્કેટમાં ૬ મહીના પહેલાંથી ખરીદી શરૂ થઈ જાય છે. જેમાં છેલ્લી ઘડીએ તો પતંગ ખરીદનારા છુટક વેપારીઓનો ભારે ઘસારો રહે છે. તેમાંય ઉત્તરાયણના પહેલાના રવીવારે છુટક વેપારીઓ પતંગ ખરીદવા અમારા ત્યાં ધામા નાખતા હોય છે.
પરંતુ આ વર્ષે માંડ એકલદોકલ વેપારી જ ખરીદી કરવા આવ્યા છે. જેના લીધે અમારો ઘણો માલ પડયો રહયો છે. ઉત્તરાયણને ગણતરીના દિવસોબાકી હોવાથી નુકશાન વેઠીને પણ હવે માલ વેચવો પડે તેમ છે. નવેમ્બર માસ સુધી તો માર્કેટ બરાબર ચાલતું હતું પરંતેુ અચાનક માર્કેટ ડાઉન થતાં હાલ હોલસેલમાં પતંગના લેવાલ જજ નથી. એટલે આ વર્ષે ખોટ ખાઈને ધંધો કરવા પડે તેવી સંભાવના છે. અન્ય એક પતંગના ઉત્પાદક અને હોલસેલ વેપારીએ જણાવ્યું હતું કે, આ વર્ષમાં પતંગના કાગળમાં ૩ વખત વધારો થયો, કારીગરોએ મજુરી પણ વધારી દેતા પતંગના ભાવમાં ર૦ ટકા સુધી વધ્યા છે.