સરકારી નિમણૂંકમાં ક્વોટા હોવો જ જોઈએ, તેમાં કોઈ બહાનાબાજી ન ચાલેઃ ચિરાગ પાસવાન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/08/Chirag-Paswan.jpg)
નવી દિલ્હી, કેન્દ્રમાં ભાજપના સાથી પક્ષ લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સરકારમાં સીધી ભરતીની હિલચાલની ટીકા કરી હતી અને ભારપૂર્વક કહ્યું હતું કે તેઓ નોકરીમાં અનામતનો મુદ્દો કેન્દ્ર સમક્ષ ઉઠાવશે.
તાજેતરમાં સરકાર દ્વારા કોન્ટ્રેક્ટને આધારે લેટરલ એન્ટ્રી મારફતે કેટલાક પદ પર નિમણૂંક અંગે જાહેરખબર આપવામાં આવી હતી જે અંગે કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ મુદ્દો ઉઠાવ્યો હતો અને આક્ષેપ કર્યો છે કે વંચિતો માટેની અનામત જગ્યા તેમની પાસેથી આંચકી લેવામાં આવી રહી છે.
ચિરાગે કહ્યું હતું કે ‘કોઈપણ સરકારી નિમણૂંકમાં અનામતની જોગવાઈ કરવી જ પડશે. તેમાં કોઈ બહાનાબાજી ન ચાલે. ખાનગી સેક્ટરમાં તો અનામત નથી, સરકારમાં પણ તેનું પાલન ન થાય તો….મારી પાસે આ અંગે (આજે)રવિવારે માહિતી આવી છે અને મારે માટે આ ચિંતાની બાબત છે.’
પાસવાને કહ્યું કે સરકારનો ભાગ હોવાથી આ મુદ્દો ઉઠાવવા માટે તેમની પાસે એક મંચ છે અને તેઓ આ મુદ્દો ઉઠાવશે. તેમણે કહ્યું કે તેમનો પક્ષ સીધી ભરતીનું બિલકૂલ સમર્થન નથી કરતો. ગત શનિવારે યુપીએસસીએ ૪૫ પદ માટે ભરતીની જાહેરખબર પ્રસિદ્ધ કરાવી હતી.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લેટરલ એન્ટ્રી એટલે કે સરકારમાં ચોક્કસ નિષ્ણાતોની સીધી ભરતી મુદ્દે સરકાર પર સતત બીજા દિવસે પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આ પ્રકારે લેટરલ એન્ટ્રી દલિતો, ઓબીસી, આદિવાસીઓ પર પ્રહાર છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે શાસક ભાજપ ‘બહુજનો’નું અનામત છીનવી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે.
ભાજપ રામ રાજ્યની વિકૃત આવૃત્તિ બંધારણનો નાશ કરવા માટે અને બહુજનોનું અનામત છીનવી લેવા માટે કરી રહ્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે કહ્યું હતું કે સીનિયર બ્યૂરોક્રેટ્સમાં લેટરલ એન્ટ્રીની વ્યવસ્તા કોંગ્રેસ દ્વારા જ લાગુ કરવામાં આવી હતી અને હવે કોંગ્રેસ જ તેનો વિરોધ કરી રહી છે જે તેનું ‘પાખંડ’ બતાવે છે.
તેમણે કહ્યું કે યુપીએના શાસનમાં ૨૦૦૫માં વીરપ્પા મોઈલીના વડપણ હેઠળ દ્વિતીય વહીવટી સુધારા પંચની સ્થાપના તત્કાલીન કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી.SS1MS