કચ્છ જિલ્લામાં પાણીના વહેણમાં નાગરિકો ફસાવાના આઠ બનાવો બન્યા
ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકામાં ૧૧૦ થી વધુ નાગરિકોના રેસ્ક્યુ-સ્થળાંતર કરીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા
રાજ્યના વહિવટી તંત્રની સક્રિયતા અને NDRF-SDRFની ટીમો ઉપરાંત પોલીસ તંત્ર તેમજ સ્થાનિક નાગરિકોની મહેનતને પરિણામે આ તમામ બનાવોમાં એક પણ જાનહાનિ થઇ નથી
મુન્દ્રા તાલુકાના વાપુરા ગામે પાણીના વહેણની વચ્ચે ફસાયેલી ૪ ગાયોને સ્થાનિક તરવૈયા અને તંત્રના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી
ધીણોધર ડુંગરની બંને તરફ પાણીના પ્રવાહના જોર વચ્ચે દોરડા બાંધીને ૪ યુવાનોને રેસ્કયૂ કરી લેવાયા
નદી ઓળંગવા જતા પાણીના વહેણમાં તણાઇ રહેલા ૭૦ વર્ષિય વૃધ્ધાને નદીના વહેણમાંથી સલામત રીતે બહાર નિકાળીને બચાવી લેવાયા
રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને પરિણામે સમગ્ર વહિવટી તંત્ર એલર્ટ મોડ પર છે ત્યારે ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે રાજ્ય સરકાર બચાવ કામગીરી ઉપર વિશેષ ભાર આપી રહી છે. અગમચેતી પગલાના ભાગરૂપે સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા જરૂર જણાય તેવા વિસ્તારોમાં સ્થળાંતરની કામગીરી પુર જોશમાં કરવામાં આવી રહી છે.
અને અસરગ્રસ્ત જિલ્લાઓમાં જ્યા પાણીના વહેણમાં નાગરિકો ફસાયા હોય ત્યાં ત્વરીત NDRF-SDRFની ટીમો ઉપરાંત સ્થાનિક નાગરિકો અને પોલીસ તંત્રની મદદ લઇ ફસાયેલા નાગરિકોના રેસ્ક્યુની કામગીરી કરી તેમના જીવ બચાવવામાં આવી રહ્યા છે. There were eight incidents of citizens getting trapped in flowing water in Kutch district
૨૪ કલાકમાં કચ્છ જિલ્લામાં ભુજ, નખત્રાણા, લખપત, અબડાસા, મુંદ્રા અને માંડવી તાલુકામાં ૧૧૦ થી વધુ નાગરિકોને રેસ્ક્યુ-સ્થળાંતર તેમજ ચાર અબોલ પશુઓને રેસ્ક્યુ કરીને સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યા છે.
સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મળેલી વિગત મુજબ ૨૪ કલાકમાં કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદને પરિણામે અલગ અલગ સ્થળોએ પાણીના વહેણમાં નાગરિકો ફસાઇ ગયા હોવાના ૮ બનાવો બન્યા હતા.
જે તમામ બનાવોને ગંભીરતાથી લઇને ગણતરીની મિનીટોમાં સ્થળ પર પહોંચી જઇ NDRF, SDRFઉપરાંત પોલીસ તંત્રની વિવિધ ટીમોએ સ્થાનિક નાગરિકોના સહયોગથી તમામ ફસાયેલા ૧૧૦થી વધુ નાગરિકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લઇ તેમના જીવ બચાવી લીધા છે. એટલુ જ નહિ, ચાર અબોલ પશુઓ પાણીના વહેણમાં ફસાયા હોવાના કોલને આધારે ત્યાં રેસ્ક્યુ ઓપરેશન કરી તે અબોલ પશુઓના પણ જીવ બચાવી લેવાયા છે.
કચ્છ જિલ્લાના કંટ્રોલરૂમમાં ફોન કરીને ભુજના ૪ યુવાનોએ મદદ માગી હતી. આ યુવાનો ભારે વરસાદમાં ધીણોધર ડુંગર ખાતે ફસાઈ ગયા હતા. ડુંગરના બંને તરફ પાણીનો પ્રવાહ હોવાથી તેઓ ત્યાંથી નીકળી શકે એમ નહતા. જોકે, જિલ્લા કંટ્રોલરૂમને આ કોલ મળતા જ બચાવ કામગીરીમાં નખત્રાણા રેવન્યૂ ટીમ, પોલીસ ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને આગેવાનો રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઇ ગયા હતા. ડુંગરની બંને તરફ પાણીના પ્રવાહનું જોર વધારે હોવાથી દોરડા બાંધીને તમામ ૪ યુવાનોના રેસ્કયૂ કરી લેવાયા હતા.
તે ઉપરાંત કચ્છ જિલ્લામાં નખત્રાણા તાલુકાનાં નિરોણા ગામ ખાતે પાણીમાં ફસાયેલા એક માલધારી ભાઇને NDRF ટીમ અને સ્થાનિક રેવન્યુ/પોલીસ/પંચાયત અને સ્થાનિક આગેવાનોની ટીમનાં સંકલનથી સલામતીપૂર્વક રેસક્યુ કરવામાં આવ્યા હતા.
કચ્છ જિલ્લામાં લખપત તાલુકાનાં ભાડરા ગામના રબારી સમાજના ૭૦ વર્ષના વૃધ્ધા કોટડા ગામની વચ્ચે આવેલી નદી ઓળંગવા જતા પાણીના વહેણમાં તણાયા હતા.તેની જાણ કોટડા મઢ ગામના યુવાનોને થતા તેઓએ તણાઇ રહેલા વૃધ્ધાને નદીના વહેણમાંથી સલામત રીતે બહાર નિકાળીને બચાવી લીધા હતા.
કચ્છના અબડાસા તાલુકાના ભારા ગામે આજે વહીવટી તંત્ર દ્વારા બીએસએફની મદદથી રાશનની ૬૦ કીટો તથા જરૂરી દવાઓ જરૂરીયાત્મંદ પરિવારોને પૂરી પાડવામાં આવી હતી. એટલુ જ નહિ, ત્યાં ફસાયેલા અન્ય ૬ નાગરિકોને રેસ્ક્યુ કરી પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
તે ઉપરાંત અબડાસા તાલુકાના વાડાપાધર ગામમાં કોસ્ટ ગાર્ડની રેસ્ક્યુ ટીમની મદદથી ૫ નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુહતું. તો બીજી તરફ કચ્છના મુન્દ્રા તાલુકાના વાપુરા ગામે પાણીના વહેણની વચ્ચે ફસાયેલી ૪ ગાયોને સ્થાનિક તરવૈયા રાહુલભાઈ મહેશ્વરી અને તંત્રના સંયુક્ત પ્રયત્નોથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી.
કચ્છના મુન્દ્રા તાલુકાનાં ખેંગાર સાગર ડેમ ઓવરફ્લો થવાની સંભાવનાને ધ્યાને લઇ ટોડા ગામે ભૂખી નદીના પટમાં રહેતા ૮ પરિવારોના કુલ ૪૪ સભ્યોને ટોડા પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યુ છે તેમજ ફૂડ પેકેટ અને પાણી સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.
તેવી જ રીતે માંડવી તાલુકાના વિજયસાગર ડેમ છલકાતાતેનું પાણી માંડવીના જતનગરમાં આવતાં ત્યાંથી ૫૧નાગરિકોને NDRF તેમજ નગરપાલિકાની મદદથી બચાવી અને તેમના માટે પણ ફૂડપેકેટ અને પાણી સહિતની અન્ય જરૂરી વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે. રાજ્યના વહિવટી તંત્રની સક્રિયતા અને NDRF-SDRFની ટીમો ઉપરાંત પોલીસ તંત્ર તેમજ સ્થાનિક નાગરિકો સહિતની સમગ્ર ટીમની મહેનતને પરિણામે આ તમામ બનાવોમાં એક પણ જાનહાનિ બનવા પામી નથી.