અમદાવાદમાં વોર્ડદીઠ એક ફૂડ ઇન્સપેક્ટર રહેશે
ફૂડ વિભાગમાં નવી ૮૭ જગ્યા ભરવામાં આવશેઃ દેવાંગ દાણી
(પ્રતિનિધિ)અમદાવાદ અમદાવાદમાં દિન-પ્રતિદિન હોટલ- રેસ્ટોરન્ટ અને અન્ય જગ્યાએ ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાની તેમજ બેરોકટોક અખાદ્ય પદાર્થોનું વેચાણ થતું હોવાની ફરિયાદો અવારનવાર બહાર આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફૂડ સેફટી ઓફિસરો ન હોવાના કારણે દરેક વિસ્તારમાં ચેકિંગ યોગ્ય રીતે થતું ન હતું.
જેનું મુખ્ય કારણ ફૂડ વિભાગમાં સ્ટાફની અછત છે. શહેરના વ્યાપ અને વસ્તીના વધારા સાથે સ્ટાફમાં પણ વધારો કરવો જરૂરી બને છે. જેને ધ્યાનમાં લઈ ડેઝીગનેટેડ ફૂડ ઓફિસર , સિનિયર ફૂડ ઓફિસર અને ફૂડ સેફ્ટી ઓફિસરો સહિત ૮૭ જગ્યાઓ ભરવા માટેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. જેથી હવે વોર્ડદીઠ એક ફૂડ ઇન્સ્પેક્ટર હશે.
મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં આરોગ્યને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સઘન કામગીરી કરવામાં આવે અને નાગરિકોને સારું અને સ્વચ્છ ખાણીપીણીની ચીજ વસ્તુઓ મળી રહે તેને ધ્યાનમાં રાખી ફૂડ વિભાગમાં નવા ફૂડ સેફ્ટી ઓફિસરોની ભરતીને મંજૂરી આપવામાં આવી છે.
ફૂડ વિભાગમાં હાલમાં ૧૬ જેટલા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર છે, તેમની પાસે બેથી ત્રણ વોર્ડ ના ચાર્જ છે જેના કારણે તેઓ દરેક જગ્યાએ ખાદ્ય પદાર્થની ચીજવસ્તુઓના વેચાણમાં ચેકિંગ પર ધ્યાન આપી શકતા નથી. દરેક વોર્ડમાં એક ફૂડ ઇન્સ્પેક્ટર મુકવાની રજૂઆત કરવામાં આવી હતી.જે બાબત પર વિચારણા કરી નાગરિકોના આરોગ્ય ની સુખાકારી માટે ફૂડ વિભાગમાં નવી જગ્યાઓ ખોલવામાં આવી છે.
મ્યુનિ. ફૂડ વિભાગમાં કુલ ૫૧ ફૂડ સેફટી ઓફિસરો, ૧ ડેઝીગનેટેડ ફૂડ ઓફિસર, ૯ સિનિયર ફૂડ ઇન્સ્પેક્ટર, જુનિયર અને સિનિયર ક્લાર્ક સહિત ૮૭ લોકોની ભરતીને મંજૂરી આપવામાં આવી છે. શહેરમાં અવારનવાર નાના-મોટા ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવતું હોય છે.
તહેવારો દરમિયાન પણ ખાણીપીણીની ચીજ વસ્તુઓ, મીઠાઈની દુકાનો અનેક જગ્યાએ લોકોને સ્વચ્છ ખાવાનું મળી રહે તેના માટે ફૂડ સેફ્ટી ઓફિસરોને ચેકિંગ કરવાનું હોય છે પરંતુ, કોર્પોરેશન પાસે પૂરતા પ્રમાણમાં સ્ટાફ ન હોવાની ફરિયાદો ઉડતા હવે દરેક વિસ્તારમાં ફૂડ સેફટી ઓફિસર હોવાથી ચેકીંગ કાર્યવાહી કરવામાં આવશે.
સિનિયર ફૂડ સેફટી ઓફિસરની જગ્યા માટે ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે નો ઓછામાં ઓછો સાત વર્ષનો અનુભવ માંગવામાં આવ્યો છે જ્યારે ફૂડ સેફટી ઓફિસર માટે ફૂડ ટેકનોલોજી ડેરી ટેકનોલોજી અથવા વેટરનીટી સાયન્સ, એગ્રીકલ્ચર સાયન્સમાં બેચલરની ડિગ્રી હોવી જરૂરી છે બે વર્ષનો ઓછામાં ઓછો ફૂડ સેફ્ટી ઓફિસરનો પણ અનુભવ માંગવામાં આવ્યો છે.